Select Page

રંડાલાના ખેડૂતોની ૩૦૦ મીટર રોડ બનાવવા માગણી

રંડાલાના ખેડૂતોની ૩૦૦ મીટર રોડ બનાવવા માગણી

કંસારાકુઈ અને સવાલા ફાટક વચ્ચેનો રોડ બિસ્માર બની જતા

  • વિધાનસભાની ચુંટણી ટાણે મંત્રી ઋષિભાઈ પટેલે કંસારાકુઈ અને સવાલા ફાટક વચ્ચેનો ૩૦૦ મીટરનો રોડ બનાવવા ખેડુતોને ખાત્રી આપી હતી

વિસનગર તાલુકાના રંડાલા ગામ પાસેથી પસાર થતી મહેસાણા- તારંગા રેલ્વે લાઈન બ્રોડગેજમાં રૂપાંતર થતા કંસારાકુઈ અને સવાલા ગામનો જોડતો ૩૦૦ મીટરનો રોડ બિસ્માર બની ગયો છે. આ રોડ નવો બનાવવા માટે રંડાલા ગામના ખેડુતોએ રેલ્વે અધિકારીઓ, સાંસદ સભ્યો તથા કેબિનેટમંત્રીને વારંવાર લેખીત અને મૌખીક રજુઆતો કરી છે છતાં આ રોડ નથી બન્યો. ત્યારે આ રોડનો ટુકડો બનાવવા રંડાલાના ખેડુતોની માગણી છે.
વિસનગર તાલુકાના રંડાલા ગામ પાસેથી મહેસાણા-તારંગા સુધીની રેલ્વે લાઈન પસાર થાય છે. મહેસાણા- તારંગા રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થતા કંસારાકુઈ પાસેની ફાટક નં.૧૦ અને સવાલા પાસેની ફાટક નં.૧૧ વચ્ચે બનાવેલો પાકો રોડ રેલ્વેના કામમાં ભારે વાહનોની અવર-જવરથી તુટી ગયો હતો. આ રોડ રંડાલા કંસારાકુઈ, ગણેશપુરા અને સવાલા ગામને જોડતો રોડ હોવાથી દરેક ગામના લોકોનો ઘસારો રહે છે. જેમાં આ રોડ ઉપર રંડાલા ગામના ખેડુતોની ૧૦૦૦ વિઘા જમીન છે. જેના કારણે રંડાલા ગામના ખેડુતોનો રોડ ઉપર વઘારે ઘસારો રહેતો હતો. પરંતુ રેલ્વેના કામમાં ભારે વાહનોની અવર-જવરથી રોડ તુટી જતા અત્યારે રંડાલા ગામના ખેડુતોને ખેતરમાં આવવા-જવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે. આ ૩૦૦ મીટરનો બિસ્માર ઉબડ ખાબડ રોડ બનાવવા માટે રંડાલા ગામના ખેડુતોએ પુર્વ સાંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, હાલના સાંસદ સભ્ય શારદાબેન પટેલ, ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ તેમજ રેલ્વેના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરી છે. ત્યારે વિધાનસભાની ચુંટણી ટાણે મંત્રી ઋષિભાઈ પટેલે ચુંટણી જીત્યા બાદ ૩૦૦ મીટરનો રોડ બનાવી આપવાનું વચન આપ્યુ હતુ. પરંતુ આજદીન સુધી રોડ બનાવવા કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે આ રોડ એટલો બિસ્માર બની ગયો છે કે, રંડાલાના ખેડુતો ખેતરમાં કોઈ વાહન કે બળદગાડુ લઈને જઈ શક્તા નથી. ચોમાસાના વરસાદમાં તો પાણી ભરાતા ખેડુતોને બીજાના ખેતરમાં થઈને અવર-જવર કરવી પડે છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર હવે કોઈ જવાબદારી સ્વિકારતા નથી. આ ૩૦૦ મીટરનો રોડ નહી બનવાથી રંડાલા તથા આજુબાજુના ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને સાંસદસભ્ય શારદાબેન પટેલ ખેડુતોના હિતમાં આ ૩૦૦ મીટરનો રોડ બનાવવા કાર્યવાહી કરે તેવી રંડાલાના ખેડુતોની માગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us