વિસનગરમાં ફૂડ વિભાગની ગુપ્ત તપાસથી અનેક તર્ક વિતર્ક
ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ફાયદા માટે વેપારીના સેમ્પલનો રિપોર્ટ જાહેર કરતા નથી
વિસનગર શહેરમાં કેટલીક નાસ્તાગૃહો અને રેસ્ટોરન્ટમાં આરોગ્યને હાનિકારક નાસ્તા અને ભોજન પીરસી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. છતાં મહેસાણા ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આવા નાસ્તાગૃહો અને રેસ્ટોરન્ટોમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી. ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નાસ્તાગૃહો અને રેસ્ટોરન્ટોમાં તપાસનુ નાટક કરી દિવાળી કરી રહ્યા છે. ભાજપ સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરતી નથી તે પ્રશ્ન બુધ્ધીજીવી નાગરીકોને સતાવી રહ્યો છે.
વિજાપુરમાં હિંમતનગર હાઈવે ઉપર આવેલ એક ફેક્ટરીમાં મરચા પાવડરમાં સિન્થેટીક કલરની ભેળસેળ થતી હોવાનુ કૌભાંડ પકડાયુ હતુ. જેમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીના પગ નીચે ભ્રષ્ટાચારનો રેલો આવ્યો છે. ત્યારે ફૂડ વિભાગે વિસનગર તાલુકાના સદુથલા અને કમાણામાં પનીર બનાવતી ડેરીઓમાં ઓચિંતી તપાસ કરી ત્યાંથી પનીરના સેમ્પલ લીધા હતા. અને આ સેમ્પલ ચકાસણી માટે વડોદરાની સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જોકે મહેસાણા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અગાઉ વિસનગર શહેરમાં ચાલતા નાસ્તાગૃહો, રેસ્ટોરન્ટો, ડેરીઓ તથા અન્ય ખાદ્ય પદાર્થ બનાવતી ફેક્ટરીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી છે. જ્યાંથી ખાદ્ય પદાર્થના જુદા જુદા સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. પરંતુ કયા વેપારીનુ કઈ ખાદ્ય પ્રોડક્ટનુ સેમ્પલ ફેલ થયુ છે તેનો રિપોર્ટ જાહેર કરતા નથી. સેમ્પલના રિપોર્ટની માત્ર વેપારીને જાણ કરી તેનુ નામ છુપાવવા તોડપાણી થતા હોવાનુ ચર્ચાય છે. આમ તો સરકારી કચેરીમાં મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી બતાવવા માટે મિડીયાને જાણ કરે છે. જ્યારે ફૂડ વિભાગના અધિકારીઓ નાસ્તાગૃહો, રેસ્ટોરન્ટો કે અન્ય ખાદ્ય પદાર્થ બનાવતી અને વેચતી ફેક્ટરીઓમાં મિડીયાને અંધારામાં રાખી ગુપ્ત તપાસ કરે છે. જો કોઈ મિડીયાને તપાસની જાણ થાય તો તેને સાચી માહિતી આપવા ઠાગાઠૈયા કરતા હોય છે. જેના કારણે પ્રજાને કોઈ ફાયદો થતો નથી. ખાદ્ય પદાર્થ વેચતા અને બનાવતા વેપારીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી. ફૂડ વિભાગની તપાસમાં ભ્રષ્ટ અધિકારીને જ ઘી કેળા હોય છે. આમ ફૂડ વિભાગના ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીની તપાસમાં પ્રજાને નહી પણ અધિકારીને જ ફાયદો થાય છે. છતાં ભાજપ સરકાર આવા ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી સામે કેમ કાર્યવાહી કરતી નથી તે પ્રશ્ન બુધ્ધીજીવી નાગરિકોને સતાવી રહ્યો છે.