કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યાથી પ્રજા ત્રાહીમામ
કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરોની એન.એ. ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપ સમર્થિત સરપંચના ઉમેદવારને તેની અસર થઈ હતી
વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ ગણેશ કોમ્પલેક્ષ આગળ નગરપાલિકાની પસાર થતી ગટરો રોજે રોજ ઉભરાતા આજુબાજુની દુકાનોના વેપારીઓ અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. આ વિકટ સમસ્યા બાબતે સ્થાનિકોએ એન.એ. ગ્રામ પંચાયત અને નગરપાલિકા તંત્રને અવાર-નવાર રજુઆતો કરી છે. છતાં કોઈએ આ ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અસરકારક કાર્યવાહી નહી કરતા વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિસનગર ધારાસભ્ય અને ગુજરાત સરકારના કદાવર કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલે તેમના ૧૬ વર્ષના શાસનમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજનાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે દરેક ક્ષેત્રે અભુતપુર્વ વિકાસ કર્યો છે. પરંતુ તેઓ શહેરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડ ઉપર રોજેરોજ ઉભરાતી ગટરોની સમસ્યા આજદીન સુધી હલ કરી શક્યા નથી. જેના કારણે પાલિકા વિસ્તારની ગટરોનુ ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર ફેલાય છે. જેમાં અત્યારે એન.એ.વિસ્તારમાં આવેલ ગણેશ કોમ્પલેક્ષ આગળ રોજેરોજ ગટર ઉભરાય છે. ગટરનું ઉભરાતુ ગંદુપાણી રોડ ઉપર ફેલાતા ફેલાતા આજુબાજુની દુકાનોના વેપારીઓ અને રાહદારીઓ ભારે દુર્ગંધનો સામનો કરી રહ્યા છે. ગટરના ઉભરાતા પાણીથી નાક ફાટી જાય તેવી દુર્ગંધ મારતા વેપારીઓ શાંતિથી દુકાનમાં બેસી શકતા નથી. આ જગ્યાએ વારંવાર ગટરની કુંડીના ઢાંકણા પણ તુટી જતા વાહનચાલકોને રાત્રીના સમયે તેમાં પડવાનો ભય સતાવે છે. આ રોડ ઉપર ઉભરાતી ગટરોની અને વરસાદી પાણીના નિકાલની વિકટ સમસ્યાનો વર્ષોથી કોઈ ઉકેલ નહી આવતા એન.એ.ગ્રામ પંચાયતની યોજાયેલ ચુંટણીમાં ભાજપ સમર્થિત સરપંચના ઉમેદવારને તેની અસર થઈ હતી. જોકે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે એન.એ.વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી હતી. પરંતુ એન.એ. વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનુ ભગીરથ કાર્ય ક્યારે કરે છે તેની એન.એ.ના રહીશો કાગડોળે રાહ જોઈને બેઠા છે. અત્યારે તો સ્થાનિક રહીશો અને વેપારીઓ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ અને નગરપાલિકાના સત્તાધીશોને રજુઆત કરી સંતોષ માની રહ્યા છે.