Select Page

ચમત્કાર વગર નમસ્કાર નહી – પાલિકાતંત્ર દોડતુ થયુ ધરોઈ કોલોની રોડના વિવાદમાં પાલિકા સદસ્યાની રાજીનામાની ચિમકી

ધરોઈ કોલોની રોડની ગટર લાઈન અને સી.સી.રોડનુ કામ શરૂ નહી થતા હવે ભાજપ શાસીત વિસનગર પાલિકાના સદસ્યાને રાજીનામાની ચીમકી આપવા સુધીની નોબત આવી છે. બાંધકામ વિભાગના કોન્ટ્રાક્ટરને બીલ નહી મળે, ખોટા હેરાન થશો તેવી ધમકીઓ આપવામાં આવતા ગટરલાઈનનુ કામ થતુ નથી. જેના કારણે સી.સી.રોડનુ કામ અટક્યુ છે. કામ નહી તો હોદ્દાની જરૂર નહી તેવા મૂડમાં આવી પાલિકા સદસ્યાએ રાજીનામાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ છે.
પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ તેમના વોર્ડમાં કામ માટે નિષ્ક્રીય રહેતા વોર્ડ નં.૬ ના સદસ્યાએ લાલ આંખ કરી
વિસનગર પાલિકાના એક ચેરમેનના કારણે અત્યારે વોર્ડ નં.૫ માં આવેલ ધરોઈ કોલોની રોડનો આખો વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. પોતે ભાજપના પાયાના જુના અને સંનિષ્ઠ કાર્યકર ગણાવી રહ્યા છે અને અંદરખાને મેલી રમતો રમી ભાજપને મત આપનાર મતદારોનેજ હેરાન કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ માં પાલિકામાં ભાજપે સત્તા સંભાળી ત્યારથી ધરોઈ કોલોની રોડ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. છેવટે નવેમ્બર ૨૦૨૨ માં ગટરલાઈન અને સી.સી. રોડ માટે વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. કામ શરૂ નહી થતા અનેક વખત રજુઆતો કરાઈ હતી. ધરોઈ કોલોની રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા વોર્ડ નં.૬ના સદસ્યા પટેલ સેજલબેન મનોજકુમાર પ્રગતિ અને તેમના સસરા ભાજપ અગ્રણી નારાયણભાઈ પ્રગતિને ખખડધજ રોડના કારણે વધારેમાં વધારે સહન કરવુ પડ્યુ છે. આમતો આ વિસ્તાર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલના વોર્ડ નં.પાંચમાં આવે છે. પરંતુ આ બન્ને હોદ્દેદાર ધરોઈ કોલોની રોડ વિસ્તારના લોકોની હેરાનગતિનો તમાસો જોઈ રહ્યા છે.
વારંવાર રજુઆત કરવા છતા ધરોઈ કોલોની રોડના કામમાં પ્રગતિ નહી થતા સદસ્યા પટેલ સેજલબેન પ્રગતિએ તા.૨૫-૫-૨૦૨૩ ના રોજ પ્રમુખ તથા ચીફ ઓફીસરને ઉલ્લેખી જણાવ્યુ હતું કે, ધરોઈ કોલોની રોડ, ગટરલાઈન, તિરૂપતી ટાઉનશીપની ગલીમાં ડામર રોડ, ભવ્ય કોમ્પલેક્ષ તથા તિરૂપતી ટાઉનશીપના બહાર બન્ને બાજુ બંપ, મહાલક્ષ્મી સોસાયટીમાં બ્લોક વિગેરે કામ શરૂ કરવા વારંવાર રજુઆત કરવા છતા કામ નહી થતા પ્રજાની નારાજગી સહન કરવી પડે છે. ધરોઈ કોલોની રોડની ગટર અને સી.સી.રોડ માટે બે વર્ષથી વાયદા બતાવવામાં આવે છે. રોડ ખરાબ થઈ ગયો છે અને ગટરો વારંવાર ઉભરાય છે. જેના કારણે બાળકો અને વૃધ્ધો અકસ્માતનો ભોગ બને છે. સુચવેલ કામો તાત્કાલીક નહી થાય તો સભ્ય પદેથી રાજીનામુ આપવા મજબુર થવુ પડશે.
સેજલબેન પ્રગતિની ચીમકીથી ધરોઈ કોલોની રોડના કામમાં પ્રગતિ થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, ગટરલાઈન બામણચાયડા સંપથી ભગવતી પ્રા.શાળા સુધી કરવાની છે. આગળની ગટરલાઈન સારી હોવાથી ખોદકામ કરવાનુ નથી. જેથી બંસલ મોલથી ભગવતી પ્રા.શાળા સુધીનુ સી.સી. રોડનુ કામ ચોમાસુ શરૂ થાય તે પહેલા દસ દિવસમાં થઈ જશે. ચમત્કાર વગર નમસ્કાર નથી. પટેલ સેજલબેન પ્રગતિની ચીમકીથી પાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us