Select Page

શિરડીનગરમાં ગટરના પાણીની નિકાલની કોઈજ વ્યવસ્થા નથી

આરોગ્ય મંત્રીની ભલામણની જીલ્લા વિકાસ અધિકારીએ દરકારજ કરી નહી

  • આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીના શહેરમાંજ ગટરો ઉભરાતા અનેક પરિવારના આરોગ્ય સામે ખતરો
  • અમે ગટરવેરો લેતા નથી તો ગટર સફાઈની જવાબદારી અમારી નથી તેમ કહી એન.એ. સરપંચ જવાબદારીમાંથી છટક્યા

વિસનગરમાં ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી ભલામણોમાં કોઈ ધ્યાન નહી રાખતા અધિકારીઓ કેબીનેટ મંત્રીની ભલામણોને પણ ગણકારતા નથી. શિરડીનગરની ઉભરાતી ગટરોના ગંદા પાણીના નિકાલ માટે જીલ્લા વિકાસ અધિકારીને બે માસ પહેલા આરોગ્ય મંત્રીએ ભલામણ કરી હતી. ત્યારે જીલ્લા વિકાસ અધિકારીને જાણે મંત્રીશ્રીની ભલામણની કોઈ પડી નથી. પરિસ્થિતિ યથાવત છે અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીના શહેરમાંજ ગટરો ઉભરાવાથી અનેક પરિવારોના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે.
વિસનગર કાંસા એન.એ.ગ્રામ પંચાયત વોર્ડ નં.૧૬ માં આવેલ શિરડીનગર, સામેવદ-ટુ, સાંઈ બંગ્લોઝ, સોપાન, સાંઈકુટીર વિગેરે સોસાયટીઓમાં જી.યુ.ડી.સી. દ્વારા ગટરલાઈન નાખ્યા બાદ ગટરોનો પ્રશ્ન ખુબજ પેચીદો બન્યો છે. જી.યુ.ડી.સી. દ્વારા જોઈન્ટ આપવામાં નહી આવતા આ સોસાયટીઓની ગટરના પાણીનો આગળ નિકાલ થતો નથી. જેના કારણે ગટરો ઉભરાઈ ગંદા પાણીનો રોડ ઉપર ખુલ્લામાં નિકાલ થાય છે. અગાઉ જી.યુ.ડી.સી. દ્વારા ગટરમાં ભરાયેલુ પાણી ટેન્કરમાં ભરી તેનો નિકાલ કરવામાં આવતો હતો. અત્યારે જી.યુ.ડી.સી.નો કોન્ટ્રાક્ટર પણ સાંભળતો નથી. પાલિકામાં રજુઆત કરવામાં આવે તો કોઈ જોવા પણ આવતુ નથી. ગત અઠવાડીયે સામવેદ અને શિરડીનગર સી વિભાગની બહેનો ઉભરાતી ગટર બાબતે એન.એ. ગ્રામ પંચાયતની ઓફીસમાં રજુઆત કરવા ગઈ હતી. ત્યારે માનવતા દાખવવાની જગ્યાએ સરપંચે ચોપડાવી દીધુ હતું કે, આ વિસ્તારની સોસાયટીઓમાં પંચાયત ગટર વેરો લેતી નથી. જેથી ગટર સફાઈની પંચાયતની કોઈ જવાબદારી રહેતી નથી.
શિરડીનગર સોસાયટીની ગટરની સમસ્યા વર્ષોની છે. શોષકુવા પણ ભરાઈ ગયા છે. ગટરના પાણીનો નિકાલ કરવા એન.એ. પંચાયત, તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતમાં અનેકવાર લેખીત તથા મૌખીક રજુઆતો કરી છે. પરંતુ કોઈ ગણકારતુ નથી. છેલ્લે વિધાનસભાની ચુંટણી બાદ તા.૨૧-૧-૨૦૨૩ ના રોજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને ગટરની સમસ્યાનો કાયમી અંત આવે તે બાબતે રજુઆત કરી હતી. શિરડીનગર તથા અન્ય સોસાયટી દ્વારા થયેલી રજુઆત સંદર્ભે કેબીનેટ મંત્રીએ જીલ્લા વિકાસ અધિકારીને શિરડીનગરની ઉભરાતી ગટરોના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા લેખીત ભલામણ કરી હતી. પરંતુ જીલ્લા વિકાસ અધિકારીએ કેબીનેટ મંત્રીની ભલામણને ગણકારીજ નથી.
વિસનગરના પ્રશ્નો અને સમસ્યાઓનો નિકાલ કરવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને સંબોધીને રજુઆત કરે છે. પરંતુ કેબીનેટ મંત્રી કામમાં વ્યસ્ત રહેતા હોવાથી કરેલી ભલામણનુ શુ થયુ તે જોવાની ફુરસદ નથી. જ્યારે તેમના પી.એ. પણ આ જવાબદારી સંભાળતા નથી. કેબીનેટ મંત્રીની ભલામણો પાછળ ધ્યાન રાખે તેવો વિસનગરમાં કોઈ સ્ટાફ કે કાર્યકર નથી. જેના કારણે સમસ્યાઓનુ નિવારણ નહી થતા લોકો રીબાઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us