Select Page

કાંસા એન.એ.માં ગટરોની સફાઈ થતા હાલ પુરતી રાહત

કાંસા એન.એ.માં ગટરોની સફાઈ થતા હાલ પુરતી રાહત

વિસનગર નજીક કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડ ઉપર તેમજ એન.એ. પંચાયતના વોર્ડ નં.૧૬માં આવેલ સોસાયટીઓમાં જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલ ગટરલાઈનો વારંવાર ચોકઅપ થતા ગટરનુ ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર ફેલાતુ હતુ. જે બાબતે એન.એ. સરપંચે ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરતા તેમની સુચનાથી નગરપાલિકાએ
ગટરલાઈનો સાફ કરવા આધુનિક મોટુ જેટીંગ મશીન ફાળવ્યુ હતુ. ત્યારે સરપંચ, પંચાયતના સભ્યો તથા તલાટીની રાત-દિવસની સતત મહેનતથી એન.એ.વિસ્તારમાં હાલપુરતી ગટરો ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિક રહીશોને રાહત મળી છે.
વિસનગરના કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડ ઉપર તેમજ એન.એ.પંચાયતના વોર્ડ નં.૧૬માં આવેલ શિરડીનગર, સામવેદ, સાંઈકુટીર, સાંઈ બંગ્લોઝ સહિત સોસાયટીઓમાં જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલ ગટર લાઈનો વારંવાર ચોકઅપ થાય છે. ગટરલાઈન ચોકઅપ થતા ગટરનુ ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર ફેલાતુ હતુ. અને રોડ ઉપર ગંદકી ફેલાતી હતી.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકાતંત્રએ એન.એ.ગ્રામ પંચાયતને ગટરની કુંડીઓ સાફ કરવા આધુનિક મશીન ફાળવ્યુ હતુ
ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધતા વેપારીઓ અને સ્થાનિક રહીશોને રોગચાળો ફેલાવવાનો સતત ડર સતાવતો હતો. ગટરના ઉભરાતા ગંદા પાણીથી એન.એ.વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. આ સમસ્યા બાબતે કાંસા એન.એ.સરપંચ નિમિષાબેન પટેલ, તલાટી પંકજભાઈ મોદી તથા પંચાયતના સભ્યોએ વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને ગંભીરતાથી રજુઆત કરતા તેમને કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર પ્રજાના હિતમાં પાલિકાના ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પ્રમુખ વર્ષાબેન પટેલને ગટરલાઈનની કુંડીઓ સાફ કરવા તાત્કાલિક આધુનિક મોટું જેટીંગ મશીન ફાળવવા સુચના આપી હતી. મંત્રી ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકાતંત્રએ એન.એ. પંચાયતમાં જેટીંગ મશીન મોકલ્યુ હતુ. ત્યારે એન.એ.પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ, તલાટી પંકજભાઈ મોદી તથા પંચાયતના સભ્યો અને કર્મચારીઓએ રાત-દિવસ ખડેપગે હાજર રહી જેટીંગ મશીનથી ગટરલાઈનમાં ચોકઅપ થયેલી કુંડીઓની સાફ-સફાઈ કરાવતા રોજરોજ ઉભરાતી ગટરોથી સ્થાનિક રહીશો અને વેપારીઓને હાલપુરતી રાહત થઈ છે. આ ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા એન.એ. સરપંચ નિમિષાબેન પટેલ, તલાટી પંકજભાઈ મોદી, ઉપસરપંચ બાબુભાઈ બારોટ, પુર્વ સરપંચ ચેતનભાઈ બેટરી, શિલ્પાબેન પંડ્યા, શિલ્પાબેન પટેલ તથા અન્ય જાગૃત સભ્યો સતત પ્રયત્નો કરી રહ્યા છે. જોકે મંત્રી ઋષિભાઈ પટેલે અને.એ.વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પોતાનો સહયોગ આપવાની પંચાયતને ખાત્રી આપી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us