Select Page

સરપંચને વિશ્વાસમાં લીધા વગર વિકાસ કામ લખાતા હોવાનો રોષ

વિસનગરમાં સરપંચો અને તલાટીઓની મિટીંગમા હોબાળો

વિસનગર તાલુકા પંચાયત દ્વારા બાકી વેરા વસુલાત તથા સરકારની વિવિધ ગ્રાન્ટમાં મંજુર થયેલા બાકી વિકાસ કામો સમયમર્યાદામા પુર્ણ કરાવવા ગુરૂવારના રોજ એ.પી.એમ.સી. હોલમાં સરપંચો અને તલાટીઓની મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં ટી.ડી.ઓ. મનુભાઈ પટેલે જે સરપંચ અને તલાટી વેરા વસુલાત અને બાકી વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ નહી કરે તેમની સામે ડી.ડી.ઓશ્રીને રિપોર્ટ કરવાની ચિમકી આપતા સરપંચો પોતાની આપવિતી જણાવી હૈયાવરાળ ઠાલવી હતી.
વિસનગર તાલુકા પંચાયત દ્વારા ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે તાલુકાના ગામોમાં બાકી વિકાસ કામો પુર્ણ કરવા તથા વેરા વસુલાત કરવા માટે સરપંચ અને તલાટીઓની મિટીંગ બોલાવવામા આવી હતી. મિટીંગમાં ટી.ડી.ઓ. મનુભાઈ પટેલે સરકારની એટીવીટી યોજના, નાણાંપંચ આયોજન, ધારાફંડમાં મંજુર થયેલા વિકાસ કામો સમય મર્યાદામાં પુર્ણ કરવા તથા બાકી વેરાની ઝડપી વસુલાત કરવા સરપંચો અને તલાટીઓને કડક સુચના આપી હતી. જેમાં તાલુકાના ખરવડા, ભાન્ડુ, ખંડોસણ, ઉમતા, કાંસા, ચિત્રોડા મોટા, વિષ્ણુપુરા તથા અન્ય ગામમાં વધુ વિકાસકામોબાકી હોવાથી તે ગામના સરપંચોને સમય મર્યાદામા વિકાસ કામો પુર્ણ નહી થાય તો તેમની સામે ડી.ડી.ઓને રિપોર્ટ કરવાની ચિમકી આપી હતી. ત્યારે કેટલાક સરપંચોએ વિકાસકામ માટે વપરાતા મટીરીયલ્સના ભાવ વધતા કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી. તેવી રજુઆત કરી હતી. જ્યારે કાંસાના સરપંચ ગાયત્રીબેન પટેલે ટી.ડી.ઓ. સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, સરપંચ ગામનો પ્રથમ નાગરિક કહેવાય છતાં ગામના વિકાસકામો લખતી વખતે સરપંચને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. ગામમાં ક્યા વિકાસકામો કરવાની ખાસ જરૂરીયાત છે તે સરપંચને ખબર હોય. સામે તાલુકા પંચાયતમાં બારોબાર સરપંચની જાણ વિકાસ કામ લખવામાં આવતા હોવાથી જરૂરી વિકાસ કામો થતા નથી. જેના કારણે ગામના લોકો નારાજ થતા તેનો વિરોધ થાય છે. સરપંચ ગાયત્રીબેન પટેલની આક્રોશ સાથેની રજુઆતને મિટીંગમા હાજર અન્ય સરપંચોએ તાળીઓના ગડગડાટ સાથે સમર્થન આપ્યુ હતુ. આ મહિલા સરપંચે તો ત્યા સુધી સંભળાવી દીધુ હતુ કે, બારોબાર બીજાએ નક્કી કરેલા વિકાસ કામો હું મારા ગામમાં થવા દઈશ નહી. મારો રિપોર્ટ જ્યા કરવો હોય ત્યાં કરજો. હું ગ્રામજનોની માંગણી પ્રમાણે ગામમાં વિકાસકામ કરીશ. ગાયત્રીબેન પટેલ મહેસાણા જીલ્લાના કોંગ્રેસના પુર્વ સદસ્ય અને પંચાયતી નિયમોમા અનુભવી હોવાથી મિટીંગમા હાજર કોઈ તેમને સામે જવાબ આપી શક્યા ન હતા અને છેવટે ટી.ડી.ઓ. મનુભાઈ પટેલની સમજાવટથી તેઓ શાંત થયા હતા તાલુકાના મોટાભાગના ગામોના પાંચ વર્ષની ટર્મ પુર્ણ થતી હોઈ આ મિટીંગમાં સરપંચોની પાંખી હાજરી જોવા મળી હતી. આ મિટીંગમાં તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ ,ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, નાયબ ટી.ડી.ઓ. ફાલ્ગુનીબેન પંડ્યા, વિસ્તરણ અધિકારી મનહરભાઈ પરમાર, આશાબેન પટેલ,મનિષાબેન સુથાર, જશુભાઈ પટેલ, ક્લાર્ક દિનેશભાઈ પ્રજાપતિ, કેતુલભાઈ પટેલ સહિત સરપંચો અને તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ટી.ડી.ઓ. મનુભાઈ પટેલે તમામ તલાટીને સમયસર ફરજ ઉપર હાજર રહેવા ટકોર પણ કરી હતી.

બાકી વિકાસ કામ અને વેરા વસુલાતનો ટાર્ગેટ સમયમર્યાદામાં પુર્ણ નહી કરનાર સામે ડી.ડી.ઓને રિપોર્ટ કરાશે- ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us