Select Page

વિકાસ કામનો લક્ષ્યાંક પુર્ણ નહી થતા સામાજીક કારણ દર્શાવીવિસનગર તાલુકા પંચાયતના બે હંગામી કર્મચારીનુ રાજીનામુ

વિકાસ કામનો લક્ષ્યાંક પુર્ણ નહી થતા સામાજીક કારણ દર્શાવીવિસનગર તાલુકા પંચાયતના બે હંગામી કર્મચારીનુ રાજીનામુ

વિસનગર તાલુકા પંચાયતમાં આઈ.આર.ડી.શાખામાં સ્વચ્છ ભારત મિશન (S.B.M) યોજનાના કરાર આધારિત બે કર્મચારીઓએ નોકરીમાંથી રાજીનામું આપતા ભારે હડકંપ મચી ગયો છે. તાલુકા પંચાયતમાં એવી ચર્ચા છે કે, મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે સરકારી યોજનામાં થતી કામગીરીનો લક્ષ્યાંક પુરો કરવા દબાણ કરતા બંન્ને કર્મચારીઓએ તણાવમાં આવી નોકરીમાંથી રાજીનામું આપ્યુ છે. જોકે, અગાઉ મનરેગા શાખાના મહિલા કર્મચારીએ જીલ્લા કક્ષાએથી કામગીરીનું દબાણ વધતા નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતુ. પરંતુ તેમનુ રાજીનામું સ્વિકાર્યુ ન હોતુ.
મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા હંગામી કર્મચારીઓ ઉપર વિકાસકામનો લક્ષ્યાંક પુર્ણ કરવા દબાણ કરતા હતા. જ્યારે રાજકીય ડખલગીરીના કારણે વિકાસકામો અટક્યા છે
સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગામડામાં રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને ઘર આંગણે રોજગારી મળે અને ગામડાઓનો વિકાસ થાય તેવા હેતુથી મનરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. સરકારની આ દરેક યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મનરેગા યોજનામાં નાણાંકીય ગેરરીતી થતી હોવાના કૈભાંડો અવાર નવાર બહાર આવતા હોય છે. છતાં મોટા ભાગના તાલુકામાં મનરેગા યોજનામાં વિકાસ કામો થઈ રહ્યા છે. અત્યારે વિસનગર તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉભી થતાં તેમાં વિકાસકામો થતા નથી. પરંતુ મનરેગા યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડીત દિનદયાળ આવાસ યોજના તથા આંબેડકર આવાસ યોજનામાં થતા વિકાસકામો પણ હવે અટક્યા છે. રાજકીય ચંચુપાતમાં અત્યારે સરકારની દરેક યોજનામાં કાચબા ગતિએ વિકાસકામો થઈ રહ્યા છે. જેના કારણે જીલ્લા કક્ષાએથી આપવામાં આવતો વિકાસકામનો લક્ષ્યાંક કર્મચારીઓ પુર્ણ કરી શક્તા નથી. જ્યારે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ. ચાવડા હંગામી કર્મચારીઓ ઉપર વિકાસકામનો લક્ષ્યાંક પુર્ણ કરવા દબાણ કરતા કર્મચારીઓ માનસિક તણાવ અનુભવે છે. અત્યારે તો “જાયે તો જાયે કહાં ” તેવી સેન્ડવીચ જેવી કર્મચારીઓની હાલત થઈ છે. કામગીરીના વધુ પડતા દબાણથી અગાઉ મનરેગા શાખાના મહિલા કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતુ. જ્યારે S.B.M શાખાના કલસ્ટર હિતેશ પ્રજાપતિએ તા.૨૬-૪-૨૦૨૩ના રોજ સામાજીક કારણ દર્શાવી નોકરીમાંથી રાજીનામુ આપ્યુ હતુ. જોકે આ કર્મચારીએ શુક્રવારના રોજ માફીપત્ર આપી પોતાનું રાજીનામું નામંજુર કરવા વહીવટીતંત્રનં વિનંતી કરી છે. આ ઉપરાંત કલસ્ટર નેહાબેન પરમારે રાજીનામુ આપતા તાલુકા પંચાયતમાં હડકંપ મચી ગયો છે. આમ વિસનગર તાલુકા પંચાયતમાં રાજકીય ડખલગીરીથી વિકાસકામો નહી થતા હંગામી કર્મચારીઓ કામગીરીનો લક્ષ્યાંક પુરો કરવા તણાવમાં આવી જાય છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે સરકારની વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર વગર તાલુકાના ગામડાઓમાં વિકાસકામો થાય તેવુ આયોજન કરે તેવી આગેવાનોની લાગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us