Select Page

માનવ જીવન અને સમગ્ર વિશ્વ માટે પ્લાસ્ટીક અભિશાપ સમાન

માનવ જીવન અને સમગ્ર વિશ્વ માટે પ્લાસ્ટીક અભિશાપ સમાન

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ સાથે પ્લાસ્ટીક પ્રતિબંધ નિયમો જરૂરી

તંત્રી સ્થાનેથી…

પાંચમી જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તંત્ર દ્વારા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં તંત્ર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ એ એક તાયફાથી વિશેષ કંઈ નથી. સરકારના મંત્રીઓ, નેતાઓ કે અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણનુ પાલન પોષણ કરવામાં આવ્યુ હોત તો લાખ્ખો કરોડોની સંખ્યામાં વૃક્ષો થયા હોત. વિશ્વ પર્યાવરણ દિને પર્યાવરણની જાળવણી માટે ફક્ત વૃક્ષારોપણનેજ મહત્વ આપવામાં આવે છે. પરંતુ હકિકતમાં પર્યાવરણને જેનાથી નુકશાન થાય છે તે પ્લાસ્ટીક ઉપર અંકુશ આવે કે પ્લાસ્ટીક વપરાશ ઘટે તેવો તંત્ર દ્વારા કોઈ નિર્ણય કે કાર્યક્રમો કરવામાં આવતા નથી. વર્ષ ૧૯૦૭ માં જ્યારે પ્રથમ વખત પ્લાસ્ટીકની શોધ થઈ ત્યારે સંશોધકે આ શોધ નવા ભવિષ્યની રચના કરશે તેવો દાવો કર્યો હતો. તેજ વખતે એક પ્રસિધ્ધ અખબારે આ વસ્તુ બળશે નહી કે પીગળશે પણ નહી તેવી ટકોર કરી હતી. વર્ષો પહેલા પ્લાસ્ટીક વગર પણ જીવન ચાલતુ હતુ. અત્યારે પરિસ્થિતિ એવી છેકે પ્લાસ્ટીક વગર માનવ જીવન અશક્ય થઈ ગયુ છે. ૨૪ કલાકમાં સવારમાં ઉઠીયે ત્યારથી લાઈટ સ્વીચ, ટોયલેટ સીટ, ટુથ બ્રશ, ટુથ પેસ્ટ ટ્યુબ, પ્લાસ્ટીક થેલી, ગેસ લાઈટર, ચાની ગરણી, બોલપેન જેવી ૨૦૦ ઉપરાંત્ત પ્લાસ્ટીકમાંથી બનેલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પાણીના પાઉચના ઉપયોગથી એટલો બધો પ્લાસ્ટીક કચરો થતો હતો કે, જેના ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો. અત્યારે ૨૫૦ એમ.એલ.થી માંડી એક લી. સુધીની બોટલોમાં પાણી મળતુ હોવાથી હવે પ્લાસ્ટીકની બોટલોનુ પ્રદુષણ વધ્યુ છે. અમેરિકાની સ્ટેટ યુનિવર્સિટીએ ભારત સહિત અલગ અલગ દેશમાંથી જાણીતી બ્રાન્ડની ૨૫૦ પાણીની બોટલોના નમુનાઓનુ પરીક્ષણ કર્યુ હતુ. જેમાં ૯૦ ટકા નમૂનાઓમાં એક બોટલમાં ૩૨૫ પ્લાસ્ટીકના કણ મળી આવ્યા. ખાણીપીણી સ્ટોલમાં ગરમ ઠંડી વસ્તુઓ પ્લાસ્ટીકની ડીશમાં પીરસવામાં આવે છે. એક અભ્યાસ પ્રમાણે પ્લાસ્ટીકમાં ખાદ્યચીજો કે પ્રવાહી હોવાથી ૫૨(બાવ્વન) પ્રકારના કેન્સરનુ જોખમ રહેલુ છે. પ્લાસ્ટીકમાં અતિ ગરમ કે ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળીને શરીરમાં જાય છે. જે છેવટે કેન્સર જેવા રોગ કરે છે. શાકભાજી, કરિયાણુ કે અન્ય કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે પ્લાસ્ટીક થેલીનો આગ્રહ રાખીએ છીએ. જેનો થોડા સમય માટેજ ઉપયોગ કરીને ફેકી દઈએ છીએ. માનવી દ્વારા ઉત્પન્ન થતુ અને ઉપયોગ થતુ પ્લાસ્ટીક એ માનવ જીવન માટેજ નહી પરંતુ વિશ્વની સજીવ સૃષ્ટી માટે અભિશાપ સમાન છે. પ્લાસ્ટીકની ખરાબ અસરો સમજાયા બાદ વિશ્વના ઘણા દેશોએ સીંગલ યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે આ પ્રતિબંધનો અમલ કરવા લોકોના સાથ સહકારની પણ એટલીજ જરૂર છે. પ્લાસ્ટીકથી થતા નુકશાનથી સચેત થઈ જ્યા સુધી લોકો ઉપયોગ કરવાનુ બંધ કરશે નહી ત્યાં સુધી પ્લાસ્ટીક ઉત્પાદન બંધ થશે નહી. પ્લાસ્ટીકનો નાશ કરવા બાળવામાં આવે તો હવામાં ઝેરી ઘટકો ઉત્સર્જીત કરે છે. જમીનમાં દાટવામાં આવે તો વર્ષો સુધી નાશ થતો નથી અને ધીમે ધીમે ઝેરી દ્રવ્યોમાં ફેરવાય છે. દરિયામાં નાખવામાં આવે તો દરિયાઈ જીવ સૃષ્ટીને નુકશાન કરે છે. આમ પ્લાસ્ટીક અમર છે. કુદરતી રીતે નાશ થાય તેવુ બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટીક બને છે. પરંતુ ઉત્પાદન મોઘુ હોવાથી વપરાશ થતો નથી. સમગ્ર જીવ સૃષ્ટી માટે શ્રાપ સમાન પ્લાસ્ટીકના રાક્ષસનો નાશ કરવો હોય તો તેનો ઉપયોગ ટાળવો પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us