વિસનગરમાં કચરો ઉઘરાવનાર ડોર ટુ ડોર સેવા કથળી
ગેર હાજર ડ્રાયવર અને વાહનની હાજરી ગણી બીલનુ બારોબારીયુ થતુ હોવાની શંકા
વિસનગર પાલિકાની અત્યારે એક પણ વિભાગ ગેરરીતીની અને ભ્રષ્ટાચારથી બાકાત હોય તેમ જણાતુ નથી. હવે એવુ જાણવા મળ્યુ છે કે, ગેરહાજર રહેતા ડ્રાયવર અને વાહનના બીલનુ બારોબારીયુ કરવા માટે કચરો ઉઘરાવનારની ડોર ટુ ડોર સેવા અનિયમિત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર કરનાર ચેરમેન કે કોર્પોરેટર ક્યારેય સુખી થયા નથી તેવો પાલિકાનો ઈતિહાસ છે. તેમ છતાં અત્યારે મળ્યુ છે કે મળવાનુ છે તેવા બદઈરાદાના કારણે વિસનગરના લોકો હેરાન થઈ રહ્યા છે.
આવતા સપ્ટેમ્બર માસમા પાલિકા પ્રમુખની તેમજ ચેરમેનોની મુદ્ત પુર્ણ થવાની છે. ત્યારે હવે આ ત્રણ માસના સમયમાં સારૂ કામ બતાવવાની જગ્યાએ ઘરભેગુ કરવા કેટલાક તન અને મનથી લાગી ગયા છે. પાલિકાના સ્વચ્છતા વિભાગ દ્વારા દરેક મિલ્કત આગળથી કચરો ઉઘરાવવા ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રહેણાંક અને કોમર્શિયલ મિલ્કત દિઠ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટને ચાર્જ આપવામાં આવે છે. કોમર્શિયલમા પ્રથમ અને બીજા માળે આવેલી દુકાનો સુધી કચરો ઉઘરાવવા કોઈ જતુ નથી તેમ છતાં આ મિલ્કતોની પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરની કુલ મિલ્કતમા ગણના કરવામાં આવે છે. આમ જ્યા સેવા આપવામા આવતી નથી ત્યાનો પણ ચાર્જ આપવામાં આવે છે. તેમ છતાં રહેણાંક વિસ્તાર અને ગ્રાઉન્ડ ફ્લોરમા આવેલી કોમર્શિયલ મિલ્કતોને ડોર ટુ ડોરની પુરતી સેવા આપવામાં આવતી નથી.
વિસનગર પાલિકાના સ્વચ્છતા વિભાગના છુપા આશિર્વાદથી અત્યારે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરને તેમજ ગેરરીતી કરવા ટેવાયેલા હોદ્દેદારોને ઘી કેળા થઈ ગયા છે. જેમા સફાઈ વેરો ભરતા મિલ્કત ધારકોને શોષવા વારો આવ્યો છે. ડોર ટુ ડોર સેવા છેલ્લા કેટલાક મહિનાથી કથળી છે. આ સેવા રોજે રોજ મળતી નથી. અગાઉ દરેક સોસાયટી વિસ્તારમા રોજ કચરો ઉઘરાવવા ટ્રેક્ટર આવતુ હતુ. અત્યારે આ સેવા આંતરે દિવસે થઈ ગઈ છે. ઘણ સોસાયટીઓમાતો બે ત્રણ દિવસ સુધી ટ્રેક્ટર આવતુ નથી. પહેલાતો સીસોટી મારતા હોવાથી ખબર પડતી હતી કે કચરા માટે ટ્રેક્ટર આવ્યુ છે. અત્યારે સીસોટી મારવાની પણ બંધ કરવામાં આવ્યુ છે. સોસાયટીમાં ખુલ્લામા મકાન ધરાવતા લોકોને તો ક્યારે ટ્રેક્ટર આવ્યુ અને ગયુ તેની ખબર પણ પડતી નથી. ડોર ટુ ડોર સેવા કથળતા લોકો હવે ખુલ્લામા કચરો નાખી રહ્યા છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાનની વાતો થઈ છે ત્યારે બીજી તરફ સ્વચ્છ ભારતના હિમાયતી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાજપના શાસન વાળી પાલિકાના કારણે વિસનગરમા કચરો જોવા મળી રહ્યો છે.
ડોર ટુ ડોર સેવા કેમ કથળી તે બાબતની તપાસમાં ચોકાવનારી વિગતો જાણવા મળી છે. ડોર ટુ ડોરમા ટ્રેક્ટરની ડ્રાઈવરની અને ક્લીનરની હાજરી પુરાય છે. ત્યારે ગેર હાજરીનુ બીલ ગણી આ રકમનુ બારોબારીયુ કરવા માટે ડોર ટુ ડોરમા અનિયમિતતા આવી છે. જાણવા મળ્યા પ્રમાણે સ્વચ્છતા વિભાગના મોટા ભાગના કોન્ટ્રાક્ટરના બિલ કમીશન હોય છે. તેમ છતાં કમિશનથી પેટ નહી ભરાતા હવે બાકીના ત્રણ માસમા જેટલુ મળ્યુ તેટલુ ઘર ભેગુ કરવાના ઈરાદાથી ડોર ટુ ડોર સેવામાં અનિયમિતતા આવી છે. ડોર ટુ ડોરની હાજરી પત્રક તપાસવામાં આવે તો ઘણુ બધુ મળે તેમ છે.