Select Page

વિશ્વ કેન્સર દિને ફક્ત કાર્યક્રમોથી કંઈ થવાનુ નથી
કુદરતી કરતા કૃત્રિમ આપત્તિ તમાકુ અને જંતુનાશકના ઉપયોગથી મૃત્યુદર વધુ

વિશ્વ કેન્સર દિને ફક્ત કાર્યક્રમોથી કંઈ થવાનુ નથી<br>કુદરતી કરતા કૃત્રિમ આપત્તિ તમાકુ અને જંતુનાશકના ઉપયોગથી મૃત્યુદર વધુ

તંત્રી સ્થાનેથી…
ચોથી ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિન તરીકે ઉજવાય છે. કેન્સરના કેસ દર વર્ષે વધતા જાય છે. તમાકુનુ સેવન કરતા અને કેન્સરનો ભોગ બનતા લોકો અટકે તે માટે વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. પરંતુ ભારત સરકારની તિજોરી ભરતી આકવની લાલચ તથા તમાકુ નિષેધ કાયદાના અમલ પાછળની નિષ્ક્રીયતાના કારણે કેન્સરના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. વિશ્વ કેન્સર દિને સરકારના પરિપત્રો મુજબ શાળા કોલેજોના વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થાય છે. મોટા ડીબેટ પ્રોગ્રામમાં તમાકુથી થતા નુકશાનની જાગૃતિ માટે તજજ્ઞો દ્વારા ચર્ચાઓ થાય છે. તમાકુ નિષેધ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાતી વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થી દ્વારા સ્ટેજ ઉપરથી આપવામાં આવતા વક્તવ્યમાં તાળીઓ પાડવામાં આવે છે. પરંતુ વક્તવ્ય કરનાર વિદ્યાર્થી સંસ્થાની બહાર મસાલો ખાતા કે સીગારેટના ધુમાડા કાઢતા જોવા મળે તો કોઈ કહેવાવાળુ નથી. ગુજરાત તમાકુ નિષેધ અધિનિયમ મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ છે. ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ વેચાણ ખરીદી દંડનીય છે. છતા કાયદાનુ ઉલ્લંઘન થાય છે પરંતુ દંડનીય કાર્યવાહી થતી નથી. અણસમજ હોવાથી વિદ્યાર્થીઓ દેખાદેખીમાં તમાકુના માવા ખાતા કે ધુમ્રપાન કરતા થાય છે. તમાકુ જીવલેણ છે, તમાકુથી કેન્સર થાય છે અને જેને કેન્સર થાય તે પરિવાર આર્થિક શારિરીક પાયમાલ થઈ જાય છે તેમ જાણવા છતા પરિવારનો ભાર જેમની ઉપર છે તેવા લોકો તમાકુનુ વ્યસન છોડી શકતા નથી. પરિવારના પાલન પોષણમાં કંઈ ખામી, કોઈ ઉણપ ન રહે તે માટે દિવસ રાત મહેનત કરતો વ્યક્તિ એ નથી વિચારતો કે તમાકુ ખાવાથી કેન્સર થશે તો પરિવારના સભ્યોનુ શુ થશે? તમાકુના મોજશોખમાં ફેમીલી ફર્સ્ટ ભુલાઈ જાય છે. કેન્સરના કુલ દર્દિઓમાં તમાકુના સેવનથી કેન્સર થયેલા દર્દિઓની સંખ્યા વધારે હોય છે. કેન્સર થવા પાછળ ખેત ઉત્પાદનમાં અનાજ તથા શાકભાજીમાં કોઈપણ રોકટોક વગર થતો જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ કારણભૂત છે. જે લોકોએ જીવનમાં ક્યારેય તમાકુનુ વ્યસન કર્યુ ન હોય અને નિયમિત જીવન હોય તેવા લોકો પણ કેન્સરનો ભોગ બને છે. ખેતીવાડીમાં ફર્ટિલાઈઝરના બેફામ ઉપયોગથી નિર્વ્યસની લોકોનો પણ ભોગ લેવાય છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચના સર્વે અનુસાર ૨૦૨૧ માં ૨૬.૭૦ મીલીયન લોકોને કેન્સર હોવાનુ નિદાન થયુ હતું. ૨૦૨૫ સુધીમાં આ આકડો ૩૦ મીલીયન સુધી પહોચે તેવો અંદાજ છે. ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ લોકસભામાં જણાવ્યુ હતું કે, ૨૦૧૮ થી ૨૦૨૦ વચ્ચે દેશમાં ૪૦ લાખ કેન્સરના કેસ નોધાયા હતા. જેમાંથી ૨૨.૫૪ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૨૦૨૦ માં ૧૩,૯૨,૧૭૯ નોધાયેલા કેન્સરના કેસમાં ૭,૭૦,૨૩૦ લોકોનુ મૃત્યુ થયુ હતુ. કુદરતી આપત્તીથી થતા મૃત્યુ કરતા કૃત્રિમ આપત્તી તમાકુ તથા જંતુનાશક દવાઓના કારણે થતા મૃત્યુનો દર વધારે છે. પરંતુ સરકાર તિજોરીમાં થતી આવકના કારણે જીવલેણ તમાકુ તથા જંતુનાશકના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકી શકતી નથી. ભુકંપ, પુર હોનારત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તી દેશના કોઈ ખુણામાં ક્યારેક જ આવે છે. જ્યારે તમાકુ અને જંતુનાશક દવાથી થતી કૃત્રિમ આપત્તી દેશના દરેક ખુણામાં જોવા મળે છે. છતા સરકાર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરે છે પરંતુ કેન્સર જેનાથી થાય છે તેના ઉત્પાદન અને વેચાણને રોકતી નથી. કોરોના જેવા રોગચાળાથી બચાવવા અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ દર વર્ષે લાખ્ખોનો ભોગ લેનાર તમાકુ તથા જંતુનાશક દવાના ઉત્પાદનની આવકની લાલચ સરકાર રોકી શકતી નથી. કેન્સરને પરિવારમાં આવતુ રોકવા આપણેજ ગંભીરતા લેવાની છે. પ્રાકૃતિક ખેતી અપનાવી અને તમાકુનુ સેવન અટકાવી કેન્સરને રોકી શકાય તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts