ખોદકામ માટે સંમતિ આપનાર ખેડુતો ફસાયાદેળીયા તળાવ પાઈપ લાઈન કામ કોન્ટ્રાક્ટરની ગેરરીતીથી બંધ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધીની પાઈપ લાઈન નાખવામાં કોન્ટ્રાક્ટરની ગેરરીતી પકડાતા પાલિકા ચિફ ઓફિસરે નોટીસ આપી કામ અટકાવ્યુ છે. ઓછી જાડાઈની પાઈપ નાખવાનુ તથા લેવલ વગર કામ થતુ હોવાનુ પકડાયુ હતુ. કામ બંધ થતા અત્યારે ખોેદકામ માટે સંમતિ આપનાર ખેડુતો ફસાયા છે. પાઈપ લાઈન માટે ખોદકામ કરવામાં આવતા ચોમાસુ વાવેતર ન થઈ શકે તેવી પરિસ્થિતિથી ખેડુતો ચિંતીત થયા છે.
વિસનગરના ઐતિહાસિક દેળીયા તળાવના આવરા પુરાઈ જતા ધરોઈ કેનાલથી પાઈપ લાઈન દ્વારા તળાવ ભરવાનો એકમાત્ર વિકલ્પ બન્યો છે. પાલિકા દ્વારા કેનાલથી તળાવ સુધીના ૩ કિ.મી. અને ૭૦૦ મિટરના અંતરમાં ૧.૨૬ કરોડના ખર્ચે પાઈપ લાઈન નાખવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા મે માસમાં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ કામમાં ૬૦૦ ડાયામિટરની MP3 પાઈપ લાઈન નાખવાની હતી. પરંતુ છેવાડાના વિસ્તારમાં કામગીરી ચાલતી હોવાથી કોઈ દેખરેખ નહી રહેતા કોન્ટ્રાક્ટરે ઓછી જાડાઈની MP2 પાઈપ લાઈન નાખવાનુ શરૂ કર્યુ હતુ. પાલિકાના પુર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલની આ કામગીરી ઉપર દેખરેખ હોવાથી પાલિકા તંત્રનુ ધ્યાન દોર્યુ હતુ. પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ તપાસ કરાવતા ટેન્ડરની શરતો અત્યારે કામ થતુ નહી હોવાનુ જણાતા તાત્કાલીક કામ રોકાવ્યુ હતુ. અને પાઈપો બદલવા કોન્ટ્રાક્ટરને કડક સુચના આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે કોની સુચનાથી ગેરરીતી કરી તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ચિફ ઓફિસરની સુચનાથી કોન્ટ્રાક્ટરે પાઈપો બદલવાનુ પણ કામ શરૂ કર્યુ હતુ. પરંતુ સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર ટેકનિકલ માણસ નહી રાખતા તેમજ લેવલ નહી હોવાથી કામ બંધ કરવામાં આવ્યુ છે.
કોન્ટ્રાક્ટરે ૫૦૦ મિટર સુધીનુ કામ કર્યુ છે. અને ૫૦૦ મિટર ખોદીને રાખ્યુ છે. ખેતરોમાં ચાર થી પાંચ ફુટ ઉંડાઈનુ ૫૦૦ મિટર સુધી ખોદકામ કરવામાં આવ્યુ હોવાથી અત્યારે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ખોદકામ કરેલા ભાગમાં વરસાદી પાણી ભરાશે તો અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે. ચોમાસામાં નવુ વાવેતર શરૂ થાય છે ત્યારે ખોદકામના કારણે ખેડુતો ખેતી કરી શકે નહી તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તાત્કાલિક કામ પુરૂ કરવામાં આવે તેવી ખેડુતોની માગણી છે. પાઈપ લાઈનની કામગીરી અટકતા ખેડુતોમા ભારે રોષ ફેલાયો છે.
વિસનગર પાલિકાના બાંધકામ વિભાગમા પાઈપ લાઈન કામગીરી ઉપર દેખરેખ રાખી શકે તેવો અનુભવી કોઈ કર્મચારી નથી. અગાઉ ધરોઈ કેનાલથી પીંડારીયા તળાવ સુધીની પાઈપ લાઈન નાખવાનું કામ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેના માટે પાલિકાએ આ પાઈપ લાઈનની ગ્રાન્ટ પાણી પુરવઠા બોર્ડમા તબદીલ કરી હતી. બિન અનુભવી કોન્ટ્રાક્ટર દ્વારા દેળીયા તળાવ પાઈપ લાઈનનુ કામ થતુ હોવાથી કામ પુર્ણ થયા બાદ કેનાલથી તળાવ સુધી પાણી આવશે કે નહી તે એક શંકા છે. વળી કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી પણ કરવામાં આવી છે. ત્યારે પાઈપ લાઈનનુ કામ અટકાવી આ કોન્ટ્રાક્ટરનુ ટેન્ડર રદ કરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઈપ લાઈનનુ કામ થશે તોજ રૂા.૧.૨૬ કરોડ ખર્ચેલા સાર્થક નિવડશે.