Select Page

તંત્રી સ્થાનેથી… વિસનગર શહેરમાં બનતા ત્રણ ઓવરબ્રીજ પૈકી બે ઓવરબ્રીજ બિનજરૂરી

તંત્રી સ્થાનેથી…  વિસનગર શહેરમાં બનતા ત્રણ ઓવરબ્રીજ પૈકી બે ઓવરબ્રીજ બિનજરૂરી

તંત્રી સ્થાનેથી…

વિસનગર શહેરમાં બનતા ત્રણ ઓવરબ્રીજ પૈકી બે ઓવરબ્રીજ બિનજરૂરી

વિસનગર શહેરમાં ત્રણ રેલ ફાટકો ઉપર બની રહેલા ત્રણ ઓવરબ્રીજો પૈકી બે ઓવરબ્રીજો નિરર્થક અને લોકોને મુશ્કેલીમાં મૂકનાર સાબિત થઈ શકે છે. જેની ઓછી જરૂરીયાત હોય તેવા ઓવરબ્રીજો પાછળ સરકાર લાખ્ખો રૂપિયા ખર્ચે તેનાથી વેપારીઓ અને લોકો હેરાન થાય આ કેવું? લોકોની કાયદેસરની મંજુરી લઈ બનાવેલી મિલકતો તોડવી પડે મિલકત માલિકો કાયદેસરની કાર્યવાહી કરી બ્રીજના કામ અટકાવે તો મોટી હેરાનગતિ થાય. આવા નિર્ણયો તંત્રએ પડતા મૂકવા જોઈએ. ગંજબજાર ફાટક ઉપરનો ઓવરબ્રીજ બનાવવા માટે વેપારીઓનો વિરોધ હોવા છતાં સરવે કરાઈ રહ્યુ છે. આ ઓવરબ્રીજ બને તો ગંજબજારનો મુખ્ય દરવાજો દબાઈ જાય. જેના કારણે મુખ્ય દરવાજાથી અવરજવર કરતા વાહનોને બીજા દરવાજાનો ઉપયોગ કરવો પડે. બીજો દરવાજો મુખ્ય દરવાજા જેટલો પહોળો નથી. તેને પહોળો કરવા માટે કેટલીક દુકાનો તોડવી પડે. તદુપરાંત મુખ્ય દરવાજા પાસેના અને આજુબાજુના વેપારીઓના ધંધા રોજગાર ચોપટ થઈ જાય. પુલનો બીજો છેડો નૂતન હાઈસ્કુલના બીજા ઝાંપા પાસે થઈ આગળ ત્રણ રસ્તાથી દૂર આવે. જેથી ટ્રાફીકની સમસ્યા પણ ઉભી થાય. બે બાજુ સર્વીસ રોડ બનાવવા હોય તો કેટલીક મિલકતો હટાવવી પડે. ગંજબજાર બાજુ પણ સર્વીસ રોડ બનાવવા માટે પણ મિલકતો તોડવી પડે છતાં સર્વીસ રોડ પૂર્ણ ઉપયોગી બનતો નથી. ગંજબજાર ફાટકનો ઓવરબ્રીજ તંત્ર સમજે છે તેટલો ઉપયોગી નથી, તેના કરતા હેરાનગતિ વધારે છે. વર્ષો પછી જ્યારે ઉંઝા રેલ્વેની જેમ અસંખ્ય વધારે ટ્રેનો દોડતી થાય અને લોકોને ફાટક બંધ થવાથી હેરાનગતિ ઊભી થાય ત્યારે વિચારવું જોઈએ. ઉંઝામાં વર્ષો સુધી અન્ડરબ્રીજ વગર ચાલતુ હતું. અને અત્યારે એક ફાટક ઉપર ચાલે છે. એમ.એન.કોલેજવાળા ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવતા પહેલા સર્વીસ રોડ ક્યા બનશે તેનું વિચારવુ પડે. આ ફાટક ઉપર સર્વીસ રોડ બને તેટલી જગ્યાજ નથી. એમ.એન.કોલેજની દસ ફૂટ જગ્યા સંપાદન થાય પછીજ સર્વીસ રોડ બને. તદ્‌ઉપરાંત કેટલીક બિલ્ડીંગોને પણ તોડવી પડે. એમ.એન.કોલેજની જગ્યા મેળવ્યા પછી પણ આ ઓવરબ્રીજ એટલો બધો ઉપયોગી ન થઈ શકે. ફક્ત આઈ.ટી.આઈ.ફાટક જ એવો ઓવરબ્રીજ છે કે જે કોઈને નડતરરૂપ નથી. તંત્ર ઓવરબ્રીજ બનાવવાનું એટલા માટે વિચારે છેકે રેલ્વે લાઈન ઉપરથી ઈલેક્ટ્રીક લાઈન જાય છે. ઈલેક્ટ્રીક લાઈનની ઉંચાઈ સાડાચાર મીટર જેટલી હોય છે. આઈ.ટી.આઈ.ફાટક મોટા હાઈવેનો ફાટક છે. જેથી આ રોડ ઉપરથી હેવી કન્ટેનરો પસાર થાય છે. જેની ઉંચાઈ સાડા ચાર મીટર કરતાં વધારે હોય છે. ઈલેક્ટ્રીક વાયરને કન્ટેનર અડી અકસ્માત ન થાય તેટલા માટે ઓવરબ્રીજ બનાવાતો હોય છે. વિસનગર ગંજબજાર રૂ નું પીઠુ છે. વિસનગરથી રૂ બહારના જીલ્લામાં મોકલવામાં આવે છે. આ રૂ ભરેલા ટ્રકોની ઉંચાઈ પણ સાડા ચાર મીટર કરતાં વધારે હોય છે. એટલે રૂ ના વ્યવસાયને લક્ષમાં રાખી આઈ.ટી.આઈ. ફાટકનો ઓવરબ્રીજ જલદીમાં જલદી બનાવવો જોઈએ. પ્રવર્તમાન સંજોગોમાં ઉંચાઈવાળા ટ્રકોને કાંસાથી નવા બનેલા સધી માતાના રોડ ઉપર થઈ વિસનગર બહાર જવું પડશે. રૂ ની સીઝનમાં આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વિસનગર આઈ.ટી.આઈ.ફાટકનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તો કોઈપણ મિલકતને નુકશાન જતું નથી બન્ને બાજુ આરામથી સર્વીસ રોડ બનાવવા માટે મોકળી જગ્યા છે. વિસનગર શહેર અને શહેરનો ટ્રાફીક એટલો બધો વધારે નથી કે જોડે જોડે ત્રણ ઓવરબ્રીજ વેપારીઓ અને મિલકતોના ભોગે બનાવાય. આ ટ્રેક ઉપરથી વધારે ટ્રેનો પણ દોડવાની શક્યતાઓ નથી કે જેથી લોકોને કલાકો સુધી રેલ્વે ફાટક ઉપર રાહ જોવી પડે. જેથી પ્રજાને હેરાનગતિમાં મૂકનાર આવા પ્રોજેક્ટો તંત્ર અને રાજકીય આગેવાનોએ દરમ્યાનગીરી કરી પડતા મૂકવા જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us