Select Page

રક્તદાન કેમ્પનો મહાયજ્ઞ કરી બ્લડ બેંકને ૩૦૨ બોટલની ભેટ

શ્રીજી બુલીયનવાળા ભાવેશભાઈ પટેલે પિતાશ્રી સ્વ.ભગવાનભાઈની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે

દરેકનુ મૃત્યુ એકના એક દિવસે નક્કી હોય છે. અને સ્વર્ગસ્થના સંતાનો પિતાની પુણ્યતિથિ નિમિત્તે પૂજા દાન ભેટ કરતા હોય છે. પરંતુ હવે નવા યુગ પ્રમાણે શ્રીજી બુલીયનવાળા ભાવેશભાઈ પટેલે પોતાના પિતા સ્વર્ગસ્થ ભગવાનભાઈ અંબારામદાસ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ સ્વરૂપે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. અને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે સાથે રક્તની જરૂરિયાત વાળા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બન્યા છે. પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન વિસનગરમાં ગોવિંદ ચકલા પટેલવાડીમાં તા.૩-૧૨-૨૦૨૩ ને રવિવાર સવારે ૮ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦ વાગ્યા સુધી કર્યુ હતુ. આ એક મહાયજ્ઞ જ કહેવાય છે. કાર્યક્રમનુ વિસનગર વોલન્ટરી બ્લડ બેંક, કોપર સીટી મર્ચન્ટ એસોસિએશન અને કોપર સીટી ક્રેડિટ સોસાયટીના સંયુક્ત પણે આયોજન કર્યું હતું. કાર્યક્રમનું શરૂઆતથી અંત સુધીનું પ્રચાર પ્રસાર સાથે ઓર્ગેનાઇઝિંગ ની સંપૂર્ણ જવાબદારી કીર્તિભાઈ પટેલ કલાનીકેતન (મેનેજિંગ ડાયરેક્ટર વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક) એ સફળતાપૂર્વક નિભાવી હતી. શ્રીજી બુલીયન વાળા ભાવેશભાઈ પટેલ તેઓ એક બિલ્ડર છે, તેમજ બુલિયન નો વેપાર ધરાવે છે, આ ઉપરાંત વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કમાં ડાયરેક્ટર છે અને કોપર સીટી ક્રેડિટ સોસાયટીમાં પણ ડાયરેક્ટર છે. જેમના દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં જે રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું તેમના માટે સુંદર ભોજનનું આયોજન પણ કર્યું હતું અને દરેક રક્તદાતાને ચાંદીનો સિક્કો સપ્રેમ ભેટ આપ્યો હતો. આ ઉપરાંત રક્તદાન કેમ્પમાં જે જે રક્ત દાતાઓએ ૫૦ વખતથી વધુ વખત રક્તદાન કર્યું હતું તેવા રક્તદાતાઓનું સન્માન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ દરમિયાન ૩૨૫ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા જોડાયા હતા. પરંતુ તેમાંથી ૩૦૨ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાવેશભાઈના મિત્ર સર્કલ, ગોવિંદ ચકલા સમાજના અગ્રણીઓ, તેમજ વિસનગર કોપર સીટી મર્ચન્ટ એસોસિયેશનના દરેક એસોસિએશનના પ્રમુખ અને મંત્રીઓને ભોજન સમારંભમાં આમંત્રણ હતું. અંદાજિત ૮૦૦ થી વધુ લોકોએ ભોજન લીધું હતું. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલને હાજર રહેવાના હતા, પણ અનિવાર્ય સંજોગોમાં હાજર રહી શક્યા નહોતા અને તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. અને તેમના સહયોગથી વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને ૬૭ લાખની રક્તદાન કલેક્શન મેડિકલ વાન સપ્રેમ ભેટ મળી હતી. તે માટે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રૂપલભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પીનાબેન શાહ તેમજ આર.ડી.પટેલ, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ વિગેરે અને ગોવિંદ ચકલા સમાજના અગ્રણી અને અન્ય મહેમાન શ્રી ઉપસ્થિત હતા અને તેમનું શાલથી અને ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કોપર સીટી ગ્રુપના બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, એમડી કિર્તીભાઈ પટેલ કલાનીકેતન, શેઠ કેશવલાલ પટેલ, કરશનભાઈ પટેલ, ચંદુલાલ પટેલનું પણ શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોપર સીટી ગૃપના તમામ ડાયરેક્ટર મિત્રો અને વિવિધ એસોસિએશનના પ્રમુખ મંત્રીઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના ૩૪ જેટલા કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સુંદર મહેનત કરી હતી. અને આ તમામ કર્મચારી મિત્રોને ભાવેશભાઈએ સિલ્વર કોઈન સપ્રેમ ભેટ આપીને સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં ભાવેશભાઈના પરિવારજનો, કુટુંબીજનો ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા.કાર્યક્રમ માં સેવા અને સમર્પણ ની ભાવના જોવા મળી હતી.બ્લડ બેંક ના ચેરમેન રાજુભાઈ કે પટેલે જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સ્વર્ગસ્થ ભગવાનભાઈને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તે માટે અને પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પમાં કાર્યક્રમના વિચાર માટે ભાવેશભાઈ પટેલનો અને દરેક રક્તદાતાઓનો હૃદયથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us