સ્ટેમ્પ વેન્ડરે ફરિયાદીની ગેરહાજરીમાં સ્ટેમ્પ આપ્યો હતોસ્ટેમ્પ ઉપર ખોટી સંમતિ કરાર કરતા ૮ ફસાયા
રેવન્યુ વિભાગમાં સાચા કામ કરાવવા પગના તળીયા ઘસાઈ જાય છે જ્યારે ખોટા કામ ચપટી વગાડતા થઈ જાય છે. આવુ ખોટુ કરવા ટેવાયેલા લોકોના કારણે અન્ય લોકોને સહન કરવુ પડે છે. હક્ક કમી કરવાના એક સંમતિ કરારમાં સ્ટેમ્પ ખરીદવાથી માંડીને નોટરી કરાવવા સુધી જેના તરફે હક્ક જતો કર્યો તેની ગેરહાજરીમાં ખોટા દસ્તાવેજ નોટરી કરતા વિસનગર પોલીસ સ્ટેશનમાં ૮ વિરુધ્ધ ગુનો નોધાયો છે.
આ બનાવ વિસનગર તાલુકાના કમાણા ગામની જમીનના વિવાદમાંથી ઉભો થયો છે. વિસનગરમાં જાગૃતિ સ્ટુડીઓ વાળા તથા સ્વસ્તિક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ મણીલાલ શીવરામદાસ પટેલના પરિવારે વર્ષ ૧૯૮૯ માં કમાણા ગામની સીમમાં આવેલ સર્વે નં.૨૫૧/૧, ૨૫૧/૨ અને ૨૫૧/૩ વાળી મિલ્કત ઠાકોર અરજણજી મોહનજીને વેચાણ આપી હતી. જે જમીનના રેકર્ડ ઉપર વેચનારના નામ ચડી ગયા હતા. જે જમીનમાં હક્ક કમી કરવા ગણેશભાઈ પટેલના ત્રણ ભાઈઓ તથા એક બહેને ફેબ્રુઆરી-૨૦૨૨ માં રૂા.૩૦૦ નો ઈ-સ્ટેમ્પ ખરીદી સંમતી લેખ તૈયાર કર્યો હતો. આ સ્ટેમ્પના ફોટા તથા લખાણની વિગત ગણેશભાઈ પટેલના વ્હોટ્સએપ ઉપર આવતા ચોકી ગયા હતા.
ગણેશભાઈ પટેલે આ બાબતે તપાસ કરતા ઈ-સ્ટેમ્પમાં ફર્સ્ટ પાર્ટી ગણેશભાઈ મણીલાલ, સેકન્ડ પાર્ટી પટેલ બબાભાઈ મણીલાલ તથા સ્ટેમ્પ ડ્યુટી પેઈડ બાય પટેલ ગણેશભાઈ મણીલાલના નામનો ઈ-સ્ટેમ્પ ઉપર ઉલ્લેખ કરાયો હતો. આ સ્ટેમ્પ સ્ટેમ્પ વેન્ડર રીતુબેન બી.સુથાર ડો./ઓ ભરતભાઈ કકલભાઈ સુથાર પાસેથી ખરીદ્યો હતો. જે સ્ટેમ્પ ઉપર બારોટ હિતેશભાઈ ચંદુભાઈએ દસ્તાવેજ ટાઈપ કર્યો હતો. દસ્તાવેજમાં લખેલી વિગતો જોતા લખાણ લખ્યુ હતું કે, જમીનના કબજેદાર માલિકો એવા સંમતી આપનાર પટેલ બબાભાઈ મણીલાલ, પટેલ કાનજીભાઈ મણીલાલ, પટેલ ઈશ્વરભાઈ મણીલાલ તથા પટેલ ધુળીબેન મણીલાલ અને તમો(પટેલ ગણેશભાઈ મણીલાલ) સંમતી લેનારાઓ વચ્ચે સબંધ હોઈ સદરહુ મિલ્કતમાંથી અમો સંમતી આપનારાઓ કોઈપણ પ્રકારનો અવેજ લીધા વગર તમો પટેલ ગણેશભાઈ મણીલાલ કે જેઓ અમારા સગા થતા હોઈ તેમની તરફેણમાં અમારો હક્ક જતો કરીએ છીએ. આ હક્ક કમી લેખથી વર્ણનમાં જણાવેલ મિલ્કત તમો ચાલુ રહેતા માલિક પટેલ ગણેશભાઈ મણીલાલ માલિક તથા કબજેદાર થતા આ જમીન સરકારી – અર્ધસરકારી દફતરે અમો સંમતી આપનારાઓના નામેથી તમારા નામે ટ્રાન્સફર કરાવી લેજો. આ સ્ટેમ્પ ઉપર હક્ક જતો કરનાર ત્રણ ભાઈ અને એક બહેને સહીયો કરી હતી અને એસ.પી.સોનીએ નોટરીના સહી સીક્કા કર્યા હતા. જ્યારે ઠાકોર જશુજી કાન્તીજીએ સાક્ષીમાં સહી કરી હતી.
સાત ભાઈ બહેનમાં બે બહેનો મૈયત હોવા છતા પેઢીનામા વગર હક્ક કમીનો દસ્તાવેજ કર્યો
ગણેશભાઈ પટેલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટેમ્પ વેન્ડર પાસે ક્યારેય ગયા નહોતા. તેમને ઓળખતા પણ નથી. આધારકાર્ડ, ચુંટણીકાર્ડ કે પાનકાર્ડના કોઈપણ પુરાવા રૂબરૂ રજુ કર્યા નહોતા. છતા ગણેશભાઈ પટેલના નામનો ઈ-સ્ટેમ્પ સ્ટેમ્પવેન્ડરે ઈસ્યુ કર્યો હતો. સાત ભાઈ-બહેનોમાં બીજી બહેનો પટેલ નર્મદાબેન મણીલાલ અને પટેલ પાર્વતીબેન મણીલાલ મૈયત છે. છતા તેમનો કે તેમના વાલી વારસોને હાજર રાખ્યા નહોતા કે સંમતી મેળવી નહોતી. આમ એક બીજાના મેળાપીપણામાં પૂર્વયોજીત કાવતરૂ રચી ખોટો દસ્તાવેજ તૈયાર કરતા આ બાબતે ગણેશભાઈ મણીલાલ પટેલે તા.૧૦-૨-૨૨ ના રોજ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી હતી. છતા કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. છેવટે રેન્જ આઈ.જી. સમક્ષ રજુઆત કરતા આ ગુનામાં ફરિયાદ દાખલ કરવા સુચના આપી હતી. જે આધારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગણેશભાઈ મણીલાલ પટેલની ફરિયાદ આધારે બબાભાઈ મણીલાલ પટેલ, કાનજીભાઈ મણીલાલ પટેલ, ઈશ્વરભાઈ મણીલાલ પટેલ, ધુળીબેન મણીલાલ પટેલ, જશુજી કાન્તીજી ઠાકોર, રીતુબેન બી.સુથાર, હિતેશભાઈ ચંદુભાઈ બારોટ તથા એસ.પી.સોની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.