Select Page

વિસનગરમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા ગજવી

વિસનગરમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા ગજવી

વિસનગરના કમાણા રોડ ઉપર સિનેપલ્સ સિનેમા પાછળ આવેલ કેટલીક સોસાયટીઓમાં છેલ્લા છ માસથી અપુરતુ અને અનિયમિત પાણી આવતા સોસાયટીની મહિલાઓએ બપોરે પાલિકામાં આવી હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પાલિકાના વોટર વર્કસ કમિટિના ચેરમેને તાત્કાલિક દોડી આવી મહિલાઓને પાણીના પ્રશ્નનું બીજા દિવસે નિરાકરણ લાવવાનુ આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. જોકે પાલિકાના વોર્ડનં.૭ના કોઈ કોર્પોરેટર મહિલાઓની રજુઆત સાંભળવા પાલિકામાં નહી આવતા મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી.
વિસનગર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. પરંતુ પાલિકામાં મોટાભાગના ભાજપ સભ્યો નવા અને કોઠાસુઝ વગરના ચુંટાયા હોવાથી વિકટ પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવી શક્તા નથી. જ્યારે અનુભવી સભ્યો લક્ષ્મીજીના સાધકો છે. જેઓ સામાન્ય પ્રજાના પ્રશ્નો સાંભળવામાં કોઈ રસ લેતા નથી. જેથી પાલિકામાં વિકાસના મુદ્દે અવાર-નવાર હોબાળા થતા રહે છે. વિસનગરમાં કમાણા રોડ ઉપર આવેલ કેટલીક સોસાયટીઓમાં છેલ્લા છ માસથી અપુરતુ અને અનિયમિત પાણી આવતા સોસાયટીની મહિલાઓએ શુક્રવારે બપોરના સમયે પાલિકામાં આવી હંગામો મચાવ્યો હતો. મહિલાઓએ પોતાના વોર્ડના સભ્યોનો ફોન ઉપર સંપર્ક કરતા કોઈ સભ્ય પાલિકામાં ફરક્યા ન હતા. આ દરમિયાન પાલિકાના વોટર વર્કસ કમિટિના ચેરમેન જગદીશભાઈ પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક પાલિકામાં દોડી આવ્યા હતા. જ્યાં મહિલાઓએ બળાપો કાઢતા કહ્યુ કે, ચુંટણીમાં મત લેવા સભ્યો અમારા આગળ હાથ જોડે છે. શિરો ખવડાવે છે અને કોઈપણ પ્રશ્ન હશે તો તેનો ઉકેલ લાવવાની ખાત્રી આપે છે અને ચુંટણી પત્યા પછી અમારા વોર્ડમાં ફરકતા જ નથી. અમે પાણીના પ્રશ્ને છેલ્લા છ મહિનાથી પાલિકામાં રજુઆત કરી રહ્યા છીએ. અમે પાલિકામાં વેરો ભરીયે છીએ છતાં અમારે અવાર-નવાર પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. અમે પાણીના લીધે હેરાન થઈ ગયા છીએ. છતાં કોઈ અમારી રજુઆત ધ્યાને લેતુ નથી. પાલિકામાં સત્તાધીશોના વોર્ડમાં કામ થાય છે તો અમારા વોર્ડમાં કેમ કોઈ કામ થતુ નથી. મહિલાઓનો આક્રોશ જોઈ વોટર વર્કસ સમિતીના સભ્ય જગદીશભાઈ પટેલે બીજા દિવસે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપતા મહિલાઓ શાંત પડી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts