Select Page

કાંસા એન.એ.માં વર્ષોની સમસ્યાનો અંત-વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ

કાંસા એન.એ.માં વર્ષોની સમસ્યાનો અંત-વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૬.૭૦ કરોડના ખર્ચે પાઈપલાઈન નંખાતા

  • ગુરૂકુળ રોડ ઉપર અનુસુચિત જાતિ સમાજની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાતુ હતુ. ત્યારે ઋષિભાઈ પટેલ ગત ટર્મમાં સવા વર્ષ માટે કેબિનેટમંત્રી બનતા તેમને નવિન પાઈપ લાઈન નાખવા રૂા.૬.૭૦ કરોડ મંજુર કર્યા હતા
  • પહેલા વરસાદ બાદ ત્રણ-ચાર દિવસ સુધી પાણી ઉતરતુ નહતુ તેની જગ્યાએ પાઈપલાઈન નંખાતા પાણીનો એક-બે કલાકમાંજ નિકાલ થતા બીજા દિવસે તો પાણી સુકાવાથી ધૂળની ડમરીઓ ઉડતી હતી

વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ દલીત સમાજની સોસાયટીઓમાં ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગત ટર્મમાં સવા વર્ષ માટે ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બનતા તેમને આ વિસ્તારની સોસાયટીઓમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા શિવનગર સોસાયટીથી પુદગામ રૂપેણ નદી સુધી ૧૪૦૦ ડાયાની નવિન પાઈપલાઈન નાખવા સરકારમાંથી રૂા.૬.૭૦ કરોડ મંજુર કર્યા હતા. જેમાં ધરોઈ નહેર વિભાગ દ્વારા આ ગટરલાઈન નાખવાનુ કામ રોકેટ ગતિએ પુર્ણ કરવામાં આવતા અત્યારે ગુરૂકુળ રોડ ઉપરની સોસાયટીઓમાં ચોમાસામાં વરસાદી પાણી નહી ભરાતા સોસાયટીના રહીશો, ભાજપના આગેવાનો તથા એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહીત સભ્યો રાહત અનુભવી રહ્યા છે.
વિસનગર નજીક કાંસા એન.એ.વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ અનુસુચિત જાતિ સમાજની સોસાયટીઓ તેમજ રોડની આજુબાજુની સોસાયટીઓમાં ઘણા વર્ષોથી ચોમાસાનુ વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા હતી. વરસાદી પાણી ભરાવાથી આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો. કેટલીક નિચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાતા રહીશોની ઉંઘ હરામ થઈ જતી હતી. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશોને નોકરી-ધંધો કે અન્ય કોઈપણ કામ માટે ઘરની બહાર નિકળવુ એટલે “સાત સમુંદર પાર” કરવા જેવી સ્થિતી હતી. જેના કારણે ચોમાસાની સિઝન શરૂ થતા જ પાણી ભરાવાના ટેન્શનમાં રહીશોનું બ્લડપ્રેશર વધી જતુ હતુ. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિક આગેવાનો અને એન.એ.ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ રાજકીય કાવાદાવામાં આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યા હલ થતી ન હતી. આ દરમિયાન ગત ટર્મમાં ભાજપ હાઈકમાન્ડે ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સવા વર્ષ માટે કેબિનેટમંત્રી બનાવી આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને પાણી પુરવઠા વિભાગની મહત્વની જવાબદારી સોંપતા આ વિસ્તારના રહીશોનું ભાગ્ય ખુલ્યુ હતુ. આ વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ, કાંસા એન.એ.પંચાયતના પુર્વ સરપંચ અમિષાબેન પરમાર પતિ રાજુભાઈ પરમાર, માર્કેટયાર્ડ ડીરેક્ટર રાજીવભાઈ પટેલ, પંચાયત સભ્ય સુરેશભાઈ રબારી, મજેશભાઈભાંખરીયા સહિત સ્થાનિક આગેવાનોએ મંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે જ્ઞાતિવાદ અને મતોનુ રાજકારણ રમ્યા વગર આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા શિવનગર સોસાયટીથી પુદગામ રૂપેણ નદી સુધી (૪.૫ કિ.મી.) ૧૪૦૦ ડાયાની નવિન પાઈપલાઈન નાખવા માટે સરકારમાંથી રૂા.૬.૭૦ કરોડ મંજુર કર્યા હતા અને નવિન પાઈપલાઈન નાખવા દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ આ સમયે કાંસા એન.એ.ગ્રામ પંચાયતની ચુંટણી આવતી હોવાથી આ દરખાસ્તને ઋષિભાઈ પટેલની રાજકીય લોલીપોપ માનવામાં આવી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે આ વિસ્તારના રહીશોને પડતી મુશ્કેલી દુર કરવા માટે પાઈપ લાઈન નાખવા તાત્કાલિક રૂા.૬.૭૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કાંસા એન.એ. ગ્રામ પંચાયતની ચુંટણી યોજાતા ભાજપ સમર્થિત સરપંચ અને સભ્યોના મોટાભાગના ઉમેદવાર હાર્યા હતા. છતાં મંત્રી ઋષિભાઈ પટેલે મતોના રાજકારણને બાજુમાં રાખી સ્થાનિક રહીશોના હિતમાં સરપંચ નિમિષાબેન પટેલને સાથે રાખી નવિન પાઈપલાઈન નાખવા ખાતમુહુર્ત કર્યુ હતુ અને આ ચોમાસામાં ગુરૂકુળ રોડ ઉપર વરસાદી પાણી ન ભરાય તે માટે ગટરલાઈનનુ કામ ઝડપી પુર્ણ કરવા એજન્સીના કોન્ટ્રાક્ટરને કડક સુચના આપી હતી. ત્યારે એન.એ.સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલના પતિ કે.સી.પટેલ, પુર્વ ડેલીગેટ રાજુભાઈ પરમાર, તલાટી પંકજભાઈ મોદી, ચેતનભાઈ બેટરી સહિત સ્થાનિક આગેવાનોની દેખરેખ હેઠળ શિવનગર સોસાયટીથી પુદગામ રૂપેણ નદી સુધી રોકેટ ગતિએ પાઈપલાઈન નાખવાનુ કામ પુર્ણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે આ વિસ્તારમાં ચોમાસાનું વરસાદી પાણી નહી ભરાતા એન.એ.સરપંચ, તલાટી સહિત સ્થાનિક રહીશો હાશકારો અનુભવી મંત્રી ઋષિભાઈ પટેલના આ કાર્યની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે. જોકે આગામી સમયમાં મંત્રી ઋષિભાઈ પટેલે કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી અને આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી શિવનગર સોસાયટી સુધી નવિન પાઈનાખવા માટે સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરાવશે. જેથી સમગ્ર એન.એ. વિસ્તારમાં ક્યારેય વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહી રહે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us