Select Page

નૂતન કેળવણી મંડળને આંચકો-ચેરીટી કમિશ્નરના હુકમ રદ

નૂતન કેળવણી મંડળને આંચકો-ચેરીટી કમિશ્નરના હુકમ રદ

ફેરફાર રીપોર્ટ મંજુર કરતો હુકમ રદ કરવા તથા તપાસ કમિટિ નિમવાના હુકમ વિરુધ્ધ કોર્ટમાં અપીલ કરાઈ હતી

નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનુ બંધારણ નહી હોવા છતા મદદનીશ ચેરીટી કમિશ્નરે ફેરફાર રીપોર્ટ મંજુર કરતો હુકમ કર્યો હતો. જે હુકમ સામે દાદ માગતી રીવીજન અરજી સંયુક્ત ચેરીટી કમિશ્નરે રદ કરી હતી. જ્યારે ટ્રસ્ટમાં તપાસ કમિટી માટેની કરવામાં આવેલ અરજી સંયુક્ત ચેરીટી કમિશ્નરે રદ કરી હતી. જેની સામે વિસનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવતા બન્ને કેસમાં નૂતન કેળવણી મંડળને આંચકો આપતો હુકમ કરવામાં આવ્યો છે. બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ યુ.એમ.ભટ્ટે સંયુક્ત ચેરીટી કમિશ્નરનો મંજુર કરતો હુકમ રદ કરવા તથા સ્કીમ અરજી યાને તપાસ કમિટિનો સંયુક્ત ચેરીટી કમિશ્નરનો હુકમ રદ કરી નવેસરથી નિર્ણય કરવા માટે કેસ રીમાન્ડનો હુકમ કર્યો છે. હુકમમાં કોર્ટ એ પણ જણાવ્યુ છેકે ટ્રસ્ટ સહકાર ન આપે તો એડહોક સ્કીમ માટેની કાર્યવાહી કરવી. ખાડો ખોદે તે પડે તે કહેવત અહી સાચી ઠરી છે. મંડળના તત્કાલીન પ્રમુખ ભોળાભાઈ પટેલને ઉથલાવવા પ્રકાશભાઈ પટેલે જે જાળ ગુંથી હતી તેમાજ ફસાયા છે. કરેલા કેસોનુ સમાધાન કરી મેળાપીપણુ કરતા અરજદારોના વકીલ દ્વારા આ બાબત કોર્ટના ધ્યાને લાવવામાં આવી હતી.
વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની તરફેણમાં સંયુક્ત ચેરીટી કમિશ્નર અમદાવાદ દ્વારા બે હુકમ કરવામાં આવ્યા હતા. જે હુકમ વિરુધ્ધમાં ભરતકુમાર બળદેવભાઈ પટેલ, મનીષકુમાર રમેશભાઈ પટેલ તથા ગીરીશભાઈ અંબાલાલ પટેલ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં સીવીલ અરજ નં.૧૬/૨૦૨૦ ના કેસની વિગત એ છેકે, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ મહેસાણા મદદનીશ ચેરીટી કમિશ્નરની કચેરીમાં તા.૧૯/૧૨/૧૯૫૨ ના રોજ નોધાયેલ સાર્વજનીક ટ્રસ્ટ છે. જેમાં રૂા.૭૫,૦૦૦/- ની ગ્રાન્ટ મુંબઈ સરકાર દ્વારા મંજુર થયેલ છે. ટ્રસ્ટના હેતુમાં એન.એમ.નૂતન સર્વ વિદ્યાલય હાઈસ્કુલ ચલાવવી અને કેળવણી વિષયક પ્રવૃત્તીઓ કરવી એવી નોધ છે. ટ્રસ્ટની નોધણી સમયે ટ્રસ્ટના વહીવટ માટેના કોઈ નિયમો કે બંધારણ રજુ થયુ નથી. ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયુ તે સમયે ટ્રસ્ટડીડ રજુ થયુ નથી. આમ છતા ફેરફાર રીપોર્ટ નં.૧૯૪/૨૦૦૫ બંધારણમાં કરવામાં આવેલ. બંધારણ ન હોય ત્યારે તેમાં સુધારો થઈ શકે નહી. ત્યારે મદદનીશ ચેરીટી કમિશ્નર મહેસાણાએ તા.૧૩-૧-૨૦૦૬ થી ફેરફાર રીપોર્ટ મંજુર કરતો હુકમ કર્યો હતો. ફેરફાર રીપોર્ટ મંજુર કરતો હુકમ રદ કરવા ચેરીટી કમિશ્નર અમદાવાદ સમક્ષ અરજી કરતા સંયુક્ત ચેરીટી કમિશ્નર અમદાવાદે રીવીજન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. જે હુકમ વિરુધ્ધ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સીવીલ અરજ નં.૧૬/૨૦૨૦ કોર્ટ સમક્ષ ચાલતા નૂતન કેળવણી મંડળના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે અરજદારો ટ્રસ્ટના સભ્યો નથી કે હીતાધીકારી નથી. સંસ્થાનુ બંધારણ છે અને બંધારણ માટે કાયદેસર રીતે સુધારા વધારા થઈ શકે. બંધારણની જોગવાઈ મુજબ અરજદાર સભ્ય થવા માટે હક્કદાર નથી કે હીતાધીકારી નથી. અરજદારોએ ક્યારેય દાન આપેલ નથી. ટ્રસ્ટની નોધણી સમયે નિયમો કે બંધારણ રજુ થયેલ નથી તે હકીકત ઉપજાવી કાઢી છે. અરજદારોએ ખોટી રજુઆતો અને તકરારો લઈને વિવાદો દાખલ કરેલા છે.

જ્યારે કોર્ટમાં અપીલ કરનાર અરજદારોના વકીલ દ્વારા દલીલો કરાઈ હતી કે, વાદગ્રસ્ત હુકમમાં ટ્રસ્ટને બચાવવા માટેના ખુલાસા સંયુક્ત ચેરીટી કમિશ્નર દ્વારા કરવામાં આવેલ. ખરેખર ટ્રસ્ટ દ્વારા જે ખુલાસા કરવા જોઈએ તેને બદલે સંયુક્ત ચેરીટી કમિશ્નરે કર્યા છે તે યોગ્ય નથી. સંયુક્ત ચેરીટી કમિશ્નર દ્વારા બન્ને કેસમાં વિરોધાભાસી હુકમો કર્યા છે. ટ્રસ્ટ તેના મુળભુત ઉદ્દેશ કરતા અલગ અલગ સમયે અલગ અલગ ફેરફાર કરીને મુખ્ય હેતુથી અલગ પ્રવૃત્તીઓ કરી રહ્યુ છે. કમિટિ નીમવાના તારણમાં કમિશ્નર ટેકનીકલ શિક્ષણ કચેરીએ તા.૩૦-૮-૨૦૧૩ ના પત્રથી ઈન્કવાયરી રીપોર્ટ રજુ કર્યા છે. તેમા જણાવ્યા મુજબ ભુતીયા કર્મચારી અને વિદ્યાર્થી માલુમ પડ્યા છે. જે તા.૩૦-૪-૨૦૧૩ ના રોજ અસ્તીત્વમાં છે અને પગાર નિયમીતપણે આપવામાં આવે છે તેઓ રોલ પર છે. રીપોર્ટમાં ઘણી બધી ગેરરીતી માલુમ પડેલ છે. તે અંગેનો કોઈજ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ અંગેના સીસીટીવી કેમેરા અને વિડીયો બેકઅપ પણ લેવામાં આવેલ છે. આ તમામ બાબતને સંયુક્ત કમિશ્નરે તેમના હુકમમાં ક્યાંય ધ્યાને લીધી નથી. આ બાબતે હાલના મેનેજીંગ ટ્રસ્ટી અને જેતે વખતના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરી હતી. તેમાં પાછળથી જે તે વખતના ટ્રસ્ટીઓ સાથે સમાધાન કર્યુ છે. તે રીતે ટ્રસ્ટીઓમાં મેળાપીપણુ થઈ ગયુ છે. ટ્રસ્ટીઓએ એક બીજાના મેળાપીપણામાં મદદનીશ ચેરીટી કમિશ્નર મહેસાણા પાસેથી લોશ પ્રોસીડીગ્સ અંગેનો હુકમ મેળવી લીધેલ છે. કમિશ્નર ટેકનીકલ શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી સદર ટ્રસ્ટ અંગેનો તા.૭-૧૦-૨૦૧૩ નો પ્રાથમિક અહેવાલ મળ્યો હોવા છતા સંસ્થાને ભુતીયા કર્મચારી મારફત નુકશાન પહોચાડેલ છે તે અંગેનો ટેકનીકલ શિક્ષણ ખાતાના જવાબદાર અધિકારીનો રીપોર્ટ રફેદફે કરાવી નાખ્યો છે. પ્રકાશભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરીને ટ્રસ્ટમાં ગેરરીતી થાય છે તેવુ જાહેર કર્યુ છે. ત્યારબાદ હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન કરી સમાધાન કર્યુ છે. તે રીતે દર વખતે મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે જેતે વખતના ટ્રસ્ટીઓ સાથે કુલડીમાં ગોળ ભાગેલ છે. સંયુક્ત ચેરીટી કમિશ્નરે ફેરફાર રીપોર્ટ માટે પ્રકાશભાઈ પટેલને વાંધા અરજ બાબતે તેમજ કમિશ્નર ટેકનીકલ શિક્ષણના રીપોર્ટ બાબતે કશોજ ઉલ્લેખ કર્યો નથી અને દેખીતી રીતે ટ્રસ્ટની તરફેણમાં એક તરફી હુકમ કર્યા છે.
બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી સેશન્સ કોર્ટ રીવીજન અરજ નંબર ૧૬/૨૦૨૦ અંશતઃ મંજુર કરી સંયુક્ત ચેરીટી કમિશ્નર અમદાવાદનો તા.૧૧/૩/૨૦૨૦ નો હુકમ રદ કરવા, નવેસરથી નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવા તેમજ છ માસમાં નિર્ણય કરવા પ્રયત્નો કરવો તેમાં ઉભયપક્ષે સહકાર આપવો અને જો સામાવાળા ટ્રસ્ટ તરફથી સહકાર આપવામાં ન આવે તો સંયુક્ત ચેરીટી કમિશ્નરે જરૂર જણાયે એડહોક સ્કીમ માટે પણ કાર્યવાહી કરવા હુકમ કર્યા છે.
ભરતભાઈ પટેલ, મનીષભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ સીવીલ અરજ નં.૧૭/૨૦૨૦ ની વિગત એ છેકે, આ તકરાર ટ્રસ્ટમાં ટ્રસ્ટી એટલે કે સભ્ય થવા માટેની છે. કમિશ્નર ટેકનીકલ શિક્ષણ કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રાથમિક તપાસ અહેવાલના તારણો ઉપરથી ટ્રસ્ટને મોટુ નાણાંકીય નુકશાન થયુ છે. ઉપરાંત્ત અહેવાલ મુજબ સદર ટ્રસ્ટ સંચાલીત લગભગ ૧૨ જેટલી શૈક્ષણીક સંસ્થાઓ છે. જેનુ રેકર્ડ ઘણુ વધારે હોઈ તેની ઝીણવટભરી તપાસ માટે ટ્રસ્ટના સ્થળ ઉપર જઈ ટ્રસ્ટ સંચાલીત તમામ સંસ્થાઓના આનુષાંગીક રેકર્ડ ચકાસવાના થતા હોઈ તે માટે એક અધિકારી અને ઓછામાં ઓછા ત્રણ કર્મચારીની કમિટિ બનાવી તપાસ થવી જરૂરી હોઈ તપાસ કમિટિ નીમવા માટે અરજી કરવામાં આવી હતી. સંયુક્ત ચેરીટી કમિશ્નર અમદાવાદનાએ જે સ્કીમ અરજી રદ કરતો હુકમ કર્યો હતો. સંયુક્ત ચેરીટી કમિશ્નરના આ હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ કેસમાં પણ ટ્રસ્ટ તથા અરજદારોના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.
બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી સેશન્સ કોર્ટ રીવીજન અરજ નં.૧૭/૨૦૨૦ અંશતઃ મંજુર કરી સ્કીમ અરજી નં.૬૪/૨૦૧૯(જુનો નંબર ૩૪/૨૦૧૭) સંયુક્ત ચેરીટી કમિશ્નર અમદાવાદનો તા.૧૧-૩-૨૦૨૦ નો હુકમ રદ કરવા, નવેસરથી નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવા તેમજ છ માસમાં નિર્ણય કરવા પ્રયત્નો કરવા અને તેમાં ઉભયપક્ષે સહકાર આપવા અને જો સામાવાળા ટ્રસ્ટ તરફથી આ નિર્ણય થવામાં સહકાર ન આપે તો સંયુક્ત ચેરીટી કમિશ્નરને જરૂર જણાય તો એડહોક સ્કીમ માટે કાર્યવાહી કરવા હુકમ કર્યા છે.

મંડળના તત્કાલીન પ્રમુખ ભોળાભાઈ પટેલને ઉથલાવવા ગુંથેલી જાળમાં પ્રકાશભાઈ પટેલ ફસાયા

અરજદારોના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોના મહત્વના મુદ્દા
• ટ્રસ્ટીઓએ કરવાના ખુલાસા સંયુક્ત ચેરીટી કમિશ્નરે કર્યા તે યોગ્ય નથી. સંયુક્ત ચેરીટી કમિશ્નર દ્વારા બન્ને કેસમાં વિરોધાભાસી હુકમો કરવામાં આવ્યા છે.
• ટ્રસ્ટ તેના મૂળભૂત ઉદ્દેશ કરતા અલગ અલગ સમયે અલગ અલગ રીતે ફેરફાર કરી મુખ્ય હેતુથી અલગ પ્રવૃત્તીઓ કરી રહેલ છે.

• કમિશ્નર ટેકનીકલ શિક્ષણ કચેરીના ઈન્કવાયરી રીપોર્ટ પ્રમાણે ભુતીયા કર્મચારી અને વિદ્યાર્થીઓ માલુમ પડેલા છે. રીપોર્ટમાં બધીજ ગેરીરીતીઓ માલુમ પડેલ છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
• પ્રકાશભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરીને ટ્રસ્ટમાં ગેરરીતી થતી હોવાનું જાહેર કરેલ છે. ત્યારબાદ હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન કરી સમાધાન કરી જેતે વખતના ટ્રસ્ટીઓ સાથે કુલડીમાં ગોળ ભાગેલ છે.
• ભુતીયા કર્મચારી મારફત ટ્રસ્ટને નુકશાન પહોચાડેલ છે તેવો ગુજરાત સરકારના ટેકનીકલ શિક્ષણ ખાતાના જવાબદાર અધિકારીનો રીપોર્ટ રફેદફે કરાવી નાખેલ છે.

સંસ્થાના સભાસદ થવાનો હક્ક ફક્ત વિસનગરના લોકોને છે-ભરતભાઈ પટેલ
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સંયુક્ત ચેરીટી કમિશ્નરના હુકમ વિરુધ્ધ કોર્ટમાં અપીલ કરનાર અરજદારો પૈકી પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટે જણાવ્યુ છે કે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના વખતે શેઠશ્રી ચીનુભાઈ નારાયણભાઈ પરીખે જમીન દાનમાં આપી હતી. જ્યારે બાંધકામ માટે મુંબઈ સરકાર તરફથી રૂા.૭૫,૦૦૦/- ની ગ્રાન્ટ જેતે વખતે સંસ્થાની સ્થાપના વખતે આપી હતી. જેના સહયોગથી નૂતન કેળવણી મંડળ સંસ્થા ઉભી થઈ હતી. આમા કોઈ પરિવારનો હક્ક કે હિસ્સો નથી. આ સંસ્થા શહેરના નાગરિકોની સંસ્થા છે. સંસ્થાના વિકાસ માટે અને એસ.કે.કોલેજ સંકુલ ઉભુ કરવા માટે વિસનગર મજુર સહકારી મંડળીએ જમીન દાનમાં આપી હતી. જ્યારે વિસનગર નાગરિક સહકારી બેંકે રૂા.૮.૮૧ કરોડનું દાન આપ્યુ હતુ. જે સંસ્થાઓના સહયોગથી આ સંસ્થાનો વિકાસ થયો હતો. આ સંસ્થામાં વહીવટકર્તા અને સભાસદ બનવાનો હક્ક વિસનગર નાગરિક બેંકના ડિપોઝીટરો, શેર હોલ્ડરો અને મજુર સહકારી મંડળીના સભાસદોનો છે. કોઈ બની બેઠેલા વ્યક્તિનો હક્ક નથી. આ સંસ્થા કોઈની ખાનગી પેઢી નથી. સંસ્થા વિસનગરના તમામ જ્ઞાતિના નાગરિકોની તથા દાતાઓની છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us