Select Page

દોઢ થી બે ફૂટ વરસાદી પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોટ્યાગંજબજારમાં જળબંબાકારનુ કારણ મારવાડી વાસ તરફની ચોકઅપ કેનાલ

વિસનગરમાં ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે. થોડાજ વરસાદમાં ગંજબજારની પેઢીઓમાં પાણી ઘુસી જાય તેટલુ પાણી ભરાતા માલ સામાનને નુકશાન થવાના ભયથી વેપારીઓના જીવ તાળવે ચોટી જાય છે. ગંજબજારમાં ભરાતા પાણીના ત્વરીત નિકાલ માટે મારવાડીવાસ તરફની કેનાલની સફાઈ જરૂરી છે. ત્યારે જ્યોતિ હોસ્પિટલ આગળ માર્કેટના દબાણોના કારણે કેનાલ ખોલી શકાતી નથી કે સાફ થતી નથી.
વિસનગરમાં તા.૧૦-૭-૨૦૨૩ ને સોમવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાક સુધી પડેલા ચાર ઈંચ વરસાદના કારણે શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. આ સમયે ગંજબજારની સ્થિતિ જોતા સરોવર જેવુ જોવા મળતુ હતુ. દોઢ થી બે ફૂટ પાણી ભરાતા ગંજબજારના વેપારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. પાણી ઉલેચાતા પેઢીઓમાં પાણી ઘુસી જાય તેવી સ્થિતિ સર્જાતા ગંજબજારમાં ફોરવ્હીલ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. બન્ને ગેટ બંધ કરવામાં આવ્યા હતા. એક બે ઈંચ વધુ વરસાદ પડ્યો હોત તો વખારો અને પેઢીઓમાં પાણી ઘુસી જાય તેમ હતુ. ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલે જણાવ્યુ હતું કે, અગાઉ ગંજબજારના પાણીનો નિકાલ ત્રણ તરફ થતો હતો. એક કાંસા રોડની કેનાલમાં, બીજુ મારવાડી વાસ તરફથી કેનાલમાં અને ત્રીજુ રેલ્વે ફાટકથી સદાવિજય હોટલની બાજુમાં થઈને કરમુક્ત વખાટ પ્લોટની પાછળથી ગાયત્રી મંદિર તરફ રેલ્વેની હદમાં પાણીનો નિકાલ થતો હતો. બ્રોડગેજ લાઈનના કારણે રેલ્વે હદમાં માટી પુરાણ થતા તેમજ મારવાડી વાસ તરફની કેનાલમાં સફાઈ નહી થતા આ બન્ને તરફ પાણીનો નિકાલ બંધ થતા ચોમાસામાં ભારે વરસાદમાં ગંજબજારની હાલત કફોડી બની જાય છે. જીવનયોગથી જ્યોતિ હોસ્પિટલની વચ્ચેના માર્કેટ આગળ કેનાલ ખોલી સફાઈ કરવામાં આવે તો ગંજબજારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ થાય તેમ છે.
ડેલા વુડન ગીઝરવાળા પટેલ કનુભાઈ ડેલાએ જણાવ્યુ છેકે, ગંજબજાર ફાટક નાળાથી જીવનયોગ હોસ્પિટલ આગળ કાટખુણીયામાં પાણીનો નિકાલ થાય છે. લવારીયાના ઘર આગળ ખોદીને ફાટક નાળાથી જીવનયોગ સુધી સીધી પાઈપલાઈન નાખવામાં આવે તો પાણીનો ઝડપી નિકાલ થશે. વળાંકના કારણે કચરો ભરાતા પાણીનો નિકાલ થતો નથી. મારવાડી વાસથી આથમણા ઠાકોરવાસ તરફની કેનાલનુ લેવલ ઘણુ નીચુ છે. ત્યારે જીવનયોગ માર્કેટ આગળ કેનાલ ખોલી સફાઈ કરવામાં આવે તો ગંજબજારમાં ભરાયેલા પાણીનો તુર્તજ નિકાલ થાય તેમ છે. કાંસા ચાર રસ્તામાં સરદાર સ્કુલ આગળ ભરાતા પાણીના નિકાલ માટે ચાર રસ્તાથી કાંસા તરફની ચોકઅપ પાઈપો સાફ કરવામાં આવે તો દોઢ થી બે ફૂટ પાણી ભરાય નહી અને ટુ વ્હીલર આસાનીથી પસાર થઈ શકે. આ સીવાય સરદાર સ્કુલના માર્કેટના ખુણા પાસેથી પસાર થતી આઈ.ટી.આઈ.તરફની કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવે તો પણ ચાર રસ્તા પાસે પાણી ભરાય નહી. આ બાબતે વારંવાર ધ્યાન દોરવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી અને ચોમાસામાં પાણી ભરાતા લોકો હેરાન થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us