ચીફ ઓફીસરે જવાબ આપ્યો અમારી સત્તા નથી
કોર્પોરેશનો અને પાલિકાઓ દ્વારા પાણીપુરીની લારીઓ ઉપર તપાસ કરી સડેલા બટાકા તથા વાસી પાણીનો નાશ કરાતો હોવાના અહેવાલો વાચવામાં આવી રહ્યા છે. ત્યારે વિસનગર પાલિકા ચીફ ઓફીસર કહે છેકે આ અમારી સત્તામાં આવતુ નથી. પાણીપુરીની લારીઓમાં તપાસ કરવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. ત્યારે અન્ય કોર્પોરેશન તેમજ પાલિકાઓ કઈ સત્તાના આધારે તપાસ કરે છે તેવો વેધક પ્રશ્ન ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ભરતભાઈ પટેલે કર્યો છે. પાણીપુરીની લારીઓમાં તપાસ કરવાની રજુઆત કરતા પાલિકાતંત્ર જવાબદારીમાંથી છટક્યુ હતુ.
ચોમાસામાં રોગચાળો વધારે ફેલાવાની શક્યતા હોય છે. જેના કારણે ખાણીપીણીના વેપાર ઉપર તંત્રની બાજનજર રહેતી હોય છે. પાણીપુરીનો સ્વાદ એવો છેકે લોકો આંતરે દિવસે માણ્યા વગર રહી શકતા નથી. કેટલીક મહિલાઓ તો શાકભાજી લેવા નિકળે એ પાણીપુરીનો ચટાકો માણ્યા વગર રહેતી નથી. એક સમય હતો કે રૂપિયાની ચાર પાણીપુરી મળતી હતી. જે હવે દશ રૂપિયાની ચાર થઈ ગઈ છે. લોકો પૈસા ખર્ચીને પણ સ્વાદ માણે છે ત્યારે આ વેપારીઓ સડેલા બટાકા, સડેલા સસ્તા ચણા વાપરતા ખચકાતા નથી. મિનરલ પાણીનો પણ ઉપયોગ થતો નથી. જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે.
મહેસાણા જીલ્લાની મહેસાણા, ખેરાલુ, વિજાપુર, વડનગર પાલિકાઓ દ્વારા પાણીપુરીની લારીઓ ઉપર રેડ કરી લોકોનુ આરોગ્ય બગાડનાર વાસી સડેલા બટાકા તથા ચણા-બટાકાનો મીક્ષ માવાનો નાશ કર્યો હતો. વિસનગરમાં એક અંદાજ પ્રમાણે ૧૦૦ ઉપરાંત્ત પાણીપુરીની લારીઓ આવેલી છે. અગાઉ આ લારીઓ ઉપરથી સ્વાસ્થ્યને નુકશાનકારક ખાદ્યવસ્તુઓ પકડાયાના ઘણા બનાવ છે. પાણીપુરીની લારીઓવાળાના નિવાસ્થાને પણ રેડ કરી સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો હોવાના બનાવ છે. ત્યારે એ વિચાર માગી લે છેકે વિસનગર પાલિકા તંત્ર પાણીપુરીની લારીઓ ઉપર કેમ ચેકીંગ કરતુ નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી તેમજ આરોગ્ય બગાડતી ખાદ્ય વસ્તુઓ વેચાતી હોય તો રોકવાની જવાબદારી પાલિકાતંત્રની નથી?
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે પાલિકા ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીનો ટેલીફોનીક સંપર્ક કરી શહેરમાં આવેલી પાણીપુરીની લારીઓ ઉપર ચેકીંગ કરવા રજુઆત કરી હતી. ત્યારે ચીફ ઓફીસર એવો જવાબ આપીને છટક્યા હતા કે આ જવાબદારી પાલિકામાં આવતી નથી. આ સત્તા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. ત્યારે એ પ્રશ્ન જરૂર થાય છેકે અન્ય પાલિકાઓ કઈ સત્તા આધારે પાણીપુરીના વેપારીઓના ત્યા તપાસ કરે છે? શહેરીજનોનુ સ્વાસ્થ્ય બગડે નહી તે જોવાની જવાબદારી પાલિકાની નથી?