તારંગાના ડુંગરોમાં વરસાદી પાણીથી ધોવાણ અટકાવવા કાર્યવાહી શરૂ
પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરની રજુઆતથી
- તારંગાના ડુંગર આસપાસની જમીનોનુ ચોમાસામા થતુ ધોવાણ માટે છેલ્લા ર૦ વર્ષથી રજૂઆતો થાય છે. છતા પ્રશ્ન હલ થયો નથી. લોકસભાની ચુંટણીઓને અનુલક્ષી પત્ર આવ્યાનો આક્ષેપ
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં લોકોની તકલીફો માટે આંદોલનો થાય વર્ષો સુધી ધારાસભ્યો માંગણીઓ કરે ત્યારે લોકહિતના પ્રશ્નો હલ થાય છે. વર્ષો પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સમક્ષ વઘવાડી ગામના ભગુભાઈ નરસંગભાઈ ચૌધરી દ્વારા રજુઆત કરાઈ હતી. ર૦ વર્ષ પહેલા તત્કાલીન ધારાસભ્ય રમીલાબેન દેસાઈ દ્વારા સર્વે કરાવી સંરક્ષણ દિવાલ અને પાણીની ટ્રેન્ચ બનાવવા એસ્ટીમેટ પણ તૈયાર કરાવ્યા હતા. તે સમયે કેન્દ્રમા કોંગ્રેસની સરકાર હોવાથી આ યોજના ના મંજૂર કરવામા આવી હતી. તે પછી પાટણ સાંસદ અને તત્કાલિન ધારાસભ્ય ભરતસિંહ ડાભી દ્વારા પણ ખેડુતોની જમીનનુ ધોવાણ તથા તારંગાના ડુંગરોની ખેતરોમા ફરી વળતી રેત અટકાવવા વારંવાર પત્રો લખી માંગણી કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થતી નહોતી. ર૦૧૯ની ખેરાલુ વિધાનસભાની પેટા ચુંટણીમાં ધારાસભ્ય પદે અજમલજી ઠાકોર ચુંટાયા તે પછી રજૂઆતો કરાઈ હતી. છેલ્લી રજૂઆત તા.૧૮-ર-ર૦રરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે કરી હતી. જેની અમલવારી ૧-૯-ર૦ર૩ મા શરૂ કરાઈ છે. તેવો પત્ર ધરોઈ મુખ્ય બંધ વિભાગ-૧ના કાર્યપાલક ઈજનેરનો આવ્યો છે. જે પત્ર સોશિયલ મિડીયા મા વાયરલ થતા ર૦ર૪ની લોકસભાની ચુંટણી હોવાથી જમીન ધોવાણ અટકાવવા કાર્યવાહી કરાઈ રહી છે. તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ર૦ વર્ષ જુનો પ્રશ્ન અચાનક હલ કરવાની વાતો થાય તો દરેકને શંકા કુશંકા થાય તે સ્વાભાવિક વાત છે. ખેરાલુ વિધાનસભામાં મોટાભાગના લોકો બક્ષીપંચ સમાજના હોવાથી ઈરાદા પુર્વક રાજ્ય સરકાર લોકહિતના કામો ટાળે છે. જેના અનેક દાખલા જોવા મળે છે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર છાતી ઠોકીને કહે છે કે હવે ટુંક સમયમા તારંગાના ડુંગરોનુ પાણી અટકાવવા ટેન્ડરીંગ કરાશે.
પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે ગત વર્ષે ૧૮-ર-રર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પત્ર લખી રજૂઆત કરી હતી. જે અનુસંધાને ધરોઈ મુખ્ય બંધ વિભાગ-૧ ના કાર્યપાલક ઈજનેર કાર્યવાહી શરૂ કરી છે જેમા તારંગા વિસ્તારમાં ડુંગરોનુ પાણી ટુંડીની મુછ થઈ ધારાવાણિયા, ચાડા, કનેડીયા, વઘવાડી ડ્રેઈન દ્વારા આગળ જાય છે. જયારે વરસાદ આવે ત્યારે આ ડ્રેઈનનુ પાણી ખેતરોમાં ફેલાઈ જાય છે. તારંગામા મોટાભાગના રેતના ડુંગરો છે. જેથી પાણી સાથે રેતી પણ આવતી હોવાથી રેત ખેતરોમા પથરાઈ જાય છે. ખેડુતોનો ઉભો પાક નિષ્ફળ જાય છે. ડ્રેઈનમાં ચેકડેમ બનાવવામાં આવે તથા ડ્રેઈનનુ રી-સેકશનીંગ કરવામા આવે તો ખેતરોનુ ધોવાણ થતુ અટકે અને ખેડુતોનો પાક બચી જાય તે બાબતે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે રજુઆત કરી હતી. પેટા કચેરી દ્વારા ડુંગરાળ વિસ્તારમા આવતી ડ્રેઈનમા ચેકડેમ બનાવવા તેમજ ડ્રેઈનનુ રી-સેકશનીંગ કરવાની કામગીરી કરવાની હોવાથી પેટા કચેરી દ્વારા સ્થળ તપાસ કરી વિગતવાર સર્વેક્ષણ કરી કામગીરીને સંલગ્ન તાંત્રિક પાસાઓની ચકાસણી કરી કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ટેકનીકલી શિક્ષીત છે જેથી યુધ્ધના ધોરણે સરકારી તંત્ર પાસે કામગીરી કરાવી લોકસભાની ચુંટણી પહેલા આ કામનુ ટેન્ડરીંગ કરાવી શકે તેવી લોકો આશા રાખી રહ્યા છે. જોઈએ હવે ર૦ વર્ષ જુનો પ્રશ્ન હલ કરવામાં ધારાસભ્યનો સરકારમાં કેટલો દબદબો છે તે તો તેમનું કામજ બતાવશે.