Select Page

કાંસા ચાર રસ્તા પોલીસ ચોકી શોભાના ગાંઠીયા સમાન

બીટ જમાદાર મોટેભાગે ફરજ ઉપર હાજર નહી રહેતા

વિસનગરના કાંસા ચાર રસ્તા પાસે આવેલ પોલીસ ચોકીના એ.એસ.આઈ. (બીટ જમાદાર) મોટેભાગે હાજર નહી રહેતા હાઈવે ઉપરથી પસાર થતા વાહનચાલકો ટ્રાફીકના નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરી રહ્યા છે. જેમાં રોજે રોજ ઘેટા-બકરાની જેમ ખીચોખીચ પેસેન્જર ભરીને ફરતા વાહનચાલકો અને વાહનોમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને તો જાણે આ બીટ જમાદારનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. ત્યારે જીલ્લા પોલીસ વડા આ પોલીસ ચોકી ઉપર ઓચિંતી તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે.
વિસનગર શહેરમાં પાલડી ત્રણ રસ્તા થી કડા ત્રણ રસ્તા સુધીનો હાઈવે નાના-મોટા વાહનોથી રાત-દિવસ ધમધમી રહ્યો છે. ત્યારે આ હાઈવે ઉપર વાહનોમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડવા તથા ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા વર્ષો પહેલા કાંસા ચાર રસ્તા પાસે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશનના જવાબદાર બીટ જમાદાર તથા પોલીસના માણસો યુનિફોર્મ સાથે ફરજ ઉપર સતત હાજર રહેતા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો અને ટ્રાફીકના નિયમોનું ઉલ્લંધન કરનાર વાહનચાલકોને આ પોલીસ ચોકી પાસેથી પસાર થવામાં પોલીસનો ડર લાગતો હતો. જેમા અગાઉ પોલીસે આ ચાર રસ્તા પાસે શંકાસ્પદ વાહનોની તપાસ દરમિયાન વિદેશી દારૂ, કતલખાને લઈ જતી ગાયો તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાના કિસ્સાઓ છે. પરંતુ જ્યારથી આ પોલીસ ચોકી ઉપર સ્થાનિક રહેતા બીટ જમાદાર (ASI) શશીવદનને મુકવામાં આવ્યા ત્યારથી રોજેરોજ ઘેટા બકરાની જેમ ખીચોખીચ પેસેન્જર ભરીને ફરતા વાહનોચાલકો તથા વાહનોમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસ ચોકી પાસેથી બિન્દાસ્ત નિકળી રહ્યા છે. અત્યારે લોકોમાં એવી ચર્ચા છે કે કાંસા ચાર રસ્તા પાસેની પોલીસ ચોકી મોટેભાગે બંધ હોય છે. જેમાં બીટ જમાદાર શશીવદન સ્થાનિક રહેવાસી હોવાથી તેઓ તેમની વેગનઆર કાર લઈને થોડીવાર આવે છે અને પછી દેખાતા જ નથી. ઘણીવાર તો પોલીસ ચોકી આગળ તેમની ગાડી જ જોવા મળે છે. જો આ બીટ જમાદાર કોઈ વાહનચાલકોને પકડે તો તેને પોતાની ગાડીમાં બેસાડી કાર્યવાહી કરે છે. બીટ જમાદાર પોલીસનો યુનિફોર્મ કરતા સાદા ડ્રેસમાં વધુ જોવા મળતા હોવાથી વાહનચાલકોને પણ તેમનો કોઈ ડર રહેતો નથી. ત્યારે જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી આ ચર્ચાને ગંભીરતાથી લઈને ઓચીંતી તપાસ કરે તો આ બીટ જમાદારની કામગીરી કેવી છે તેની ખબર પડે. અત્યારે તો કાંસા ચાર રસ્તા પાસેની પોલીસ ચોકી શોભાના ગાંઠીયા સમાન લોકોને દેખાઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us