મને મોટો કરવામાં કાંસા ગામનુ યોગદાન છે-મંત્રી ઋષિભાઈ પટેલ
કાંસામાં ધી ફાર્મર્સ કો.ઓપ.ક્રેડીટ સોસા.ના નવિન મકાન અને સેઈફ ડીપોઝીટ વોલ્ટનુ ઉદ્ઘાટન કરાયુ
- પહેલા ઋષિભાઈ ધારાસભ્ય હતા એટલે તેમને કોઈપણ વિકાસનુ કામ બીજા પાસે કરાવવુ પડતુ હતુ. પરંતુ અત્યારે ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં હુકમનો એક્કો છે ત્યારે ગામમાં એકપણ વિકાસ કામ બાકી રહેવુ ન જોઈએ-જશુભાઈ પટેલ
- ગામની ક્રેડીટ સોસાયટીના વહીવટદારો ગ્રામજનોને ઓળખતા હોવાથી મોટેભાગે ક્રેડીેટ સોસાયટીના નાણા ડુબતા નથી. ગામની ક્રેડીટ સોસાયટીઓ અડઘી રાત્રે કામમાં આવે છે. જયારે મોટી બેંકો પુરાવા હોવા છતા કામમાં આવતી નથી – મંત્રી ઋષિભાઈ પટેલ
વિસનગર તાલુકાના કાંસા ગામમા આવેલ ઘી ફાર્મર્સ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.ના રજતજયંતી મહોત્સવ પ્રસંગે ગત રવિવારના રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ક્રેડીટ સોસાયટીના નવિન મકાન અને સેઈફ ડીપોઝીટ વોલ્ટનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કાંસા પીપલ્સ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ચેરમેન જશુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ, કાંસા ઉમિયા માતાજી ટ્રસ્ટના પ્રમુખ ડૉ.એસ.એ.પટેલ રાજુભાઈ કે.પટેલ (આર.કે.જવેલર્સ), પૂર્વ જીલ્લા રજીસ્ટ્રાર પ્રભુદાસ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, એ.પી.એમ.સી.ના ડીરેક્ટર ડૉ.જયંતીભાઈ પટેલ, પી.કે.પટેલ, ફાર્મર્સ ક્રેડીટ સોસાયટીના ચેરમેન બિપીનભાઈ એમ.પટેલ, નવિનભાઈ પટેલ (તલાટી), સરપંચ રાજુભાઈ પટેલ, શિક્ષણવિદ્ રાજુજી પરમાર, આંતરિક ઓડીટર જયંતીભાઈ જે.પટેલ, નૂતન હાઈસ્કુલના આચાર્ય જે.કે.પટેલ એમ.ડી., જે.આર.પટેલ, રમણભાઈ કે.પટેલ, ડી.ડી.પટેલ, રમેશભાઈ કે.પટેલ, એમ.આઈ.પટેલ સહીત ક્રેડીટ સોસાયટીના ડીરેક્ટરશ્રીઓ અને સભાસદો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સહકારી ક્ષેત્ર દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. સહકારના માધ્યમથી દરેક વ્યક્તિનો આર્થિક વિકાસ થાય છે. સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સતત કાર્યશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અગાઉની સરકારે કામો ન કર્યા હોય તેવા પ્રજાલક્ષી વિકાસકામો થયા છે. અને આગામી વર્ષ ર૦ર૪ની લોકસભાની ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનશે ત્યારે મહેસાણા-તારંગા બ્રોડગ્રેજ રેલ્વે લાઈન અંબાજી-આબુરોડ-જયપુર થઈ સીધી દિલ્હી સુધી લંબાવી લોકોની સુવિધામાં વધારો કરાશે. જયારે ક્રેડીટ સોસાયટીની વાત કરતા જણાવ્યુ હતુ કે કોઈપણ નાણાકીય સંસ્થા રપ વર્ષ પુરા કરે એટલે તે સંસ્થા પરિપક્વ થઈ કહેવાય. જો કે ગામની ક્રેડીટ સોસાયટીમાં વહીવટદારો ગ્રામજનોને ઓળખતા હોવાથી મોટેભાગે ક્રેડીટ સોસાયટીના નાણા ડુબતા નથી. મોટી બેંકો પુરાવા હોવા છતા નાણાકીય કામમાં આવતી નથી. જયારે ગામની ક્રેડીટ સોસાયટી અડધી રાત્રે કામમાં આવે છે. જો કે નાણાકીય વ્યવહારમાં આચાર સંહીતા પાડવી ખુબ જરૂરી છે. અણઘડ વહીવટના કારણે ભૂતકાળમાં વિસનગર નાગરિક સહકારી બેંક જેવી કેટલીય ક્રેડીટ સોસાયટીઓ બંધ થઈ છે. વધુમા મંત્રીશ્રીએ ગ્રામજનોના સહકારને યાદ કરતા જણાવ્યુ તુ કે મને મોટો કરવામાં કાંસા ગામનુ યોગદાન છે. વિસનગરને (મને) ગુજરાત સરકારમાં પ્રજાના કામ કરવાની તક મળી તેમા પણ કાંસા ગામનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. કાંસા ગામનુ ઋણ હુ કયારેય નહી ભુલી શકું. જયારે સહકારી આગેવાન જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગામમાં ફાર્મર્સ ક્રેડીટ સોસાયટી ઉભી કરવા માટે મે જરૂરી તમામ પ્રકારનો સહયોગ આપ્યો હતો. ક્રેડીટ સોસાયટી માટે N.O.C.પણ આપી હતી. ગામના વિકાસમાં કાયમ મે સહકાર આપ્યો છે. સરકારની કોઈપણ યોજનાનો ગ્રામજનોને લાભ આપવામાં મને આનંદ થાય છે. જોકે પહેલા ઋષિભાઈ પટેલ માત્ર ધારાસભ્ય હતા. એટલે તેમને કોઈપણ વિકાસનુ કામ બીજા પાસે કરાવવુ પડતુ હતુ. પરંતુ અત્યારે તો ઋષિભાઈ ગુજરાત સરકારમાં હુકમનો એક્કો છે ત્યારે ગામમાં એકપણ વિકાસ કામ બાકી રહેવુ ન જોઈએ. ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં બીજા દરજ્જાના કેબિનેટ મંત્રી હોવાથી આપણે ગામના વિકાસ માટે તેમનો પુરપુરો લાભ લેવાનો છે. આ સાથે જશુભાંઈએ ફાર્મર્સ ક્રેડીટ સોસાયટીના ચેરમેન તથા ડીરેક્ટરોના પારદર્શક વહીવટીની ભારોભાર પ્રસંશા કરી હતી. જયારે ક્રેડીટ સોસાયટીના પાયાના પથ્થર ગણાતા ડીરેક્ટર રમણભાઈ કેશવલાલ પટેલે ક્રેડીટ સોસાયટીના રપવર્ષ ના વિકાસનો અહેવાલ રજુ કરી ફડચામાં ગયેલી વિસનગર નાગરિક સહકારી બેંકમાં ગામના ઉમીયા માતા મંદિર ટ્રસ્ટના ફસાયેલા રૂા.૧૯ લાખ પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા મંત્રી ઋષિભાઈ પટેલને રજૂઆત કરી હતી. અમેરિકા હોવાથી કાર્યક્રમમાં હાજર રહી ન શકનાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આ ક્રેડીટ સોસાયટી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.