Select Page

વિસનગરમાં મ.ભોજન નાયબ મામલતદારની અનિયમિતતાથી સંચાલકો પરેશાન

  • મધ્યાહ્‌ન ભોજનના સંચાલકો નોકરીમાં હેરાનગતી થવાના ડરથી આ નાયબ મામલતદાર વિરૂધ્ધ કોઈ અધિકારી કે પદાધિકારીને રજુઆત કરતા નથી

વિસનગર મામલતદાર કચેરીના મ.ભો.યો.નાયબ મામલતદાર પોતાની ખાનગી પેઢી હોય તેમ ફરજ ઉપર અનિયમિત આવતા અને ફરજ દરમિયાન ઓફીસમાં હાજર નહી રહેતા તાલુકાની શાળાઓના મધ્યાહ્‌ન ભોજન સંચાલકો પોતાનું કામ કરાવવા કલાકો સુધી કચેરીમાં બેસી રહે છે. સંચાલકો નોકરીમાં હેરાનગતી થવાના ડરથી આ નાયબ મામલતદાર વિરૂધ્ધ કોઈપણ જગ્યાએ રજુઆત કરતા નથી. ત્યારે મામલતદાર, અને જીલ્લા કલેકટરશ્રી આ નાયબ મામલતદારની ઓફીસમાં ઓચિંતી તપાસ કરી તેમની આળસ ખંખેરી ફરજનું ભાન કરાવશે ખરા ?
અત્યારે શૈક્ષણિક હરણફાળ સ્પર્ધામાં શિક્ષિત યુવાનો સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા કલાસીસોમાં તગડી ફી ભરે છે. છતાં યુવાનોને સરકારી નોકરી મળતી નથી. ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોવા છતા અસંખ્ય યુવાનો અત્યારે બેરોજગાર છે. શિક્ષિત યુવાનો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. ત્યારે જેમને આસાનીથી સરકારી નોકરી મળી છે તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા નથી. અત્યારે વિસનગર મામલતદાર કચેરીમાં મ.ભો.યો.નાયબ મામલતદાર રાજુભાઈ રાવલ ખેરાલુથી સવારે ફરજ ઉપર અનિયમિત આવે છે. મામલતદાર પ્રતિકભાઈ કુંભાણી કચેરીના કામે બહાર નિકળે કે તરત જ આ નાયબ મામલતદાર વાહનોના પાર્કિંગ પાસે અરજદારો માટે મુકવામા આવેલા બાંકડા ઉપર બેસી રહે છે. જેના કારણે અનાજના જથ્થાનું પરમિટ લેવા કે અન્ય વહીવટી કામ માટે આવતા તાલુકાના ૧૧પ જેટલા મધ્યાહ્‌ન ભોજન કેન્દ્રોના સંચાલકોને કલાકો સુધી કચેરીમાં બેસી રહેવું પડે છે. સંચાલકો આ નાયબ મામલતદારની હેરાનગતી ઘણા સમયથી સહન કરી રહ્યા છે. સંચાલકો નોકરીમાં હેરાનગતી થવાના ડરથી આ નાયબ મામલતદાર વિરૂધ્ધ કોઈપણ અધિકારી કે પદાધિકારીને રજુઆત કરતા નથી. અગાઉના મ.ભો.યો.નાયબ મામલતદાર પી.કે.પરમાર ફરજ ઉપર નિયમિત હાજર રહેતા હતા. મધ્યાહ્‌ન ભોજન સંચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે તેનું ધ્યાન રાખતા. મધ્યાહ્‌ન ભોજનના અનાજનો જથ્થો લેટ કે ઓછો આવે તો તેની જીલ્લા પુરવઠા શાખામાં જાણ કરી તેનો ઉકેલ લાવતા હતા. શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજનની તપાસ કરી જરૂર જણાય તો સંચાલકને ઠપકો પણ આપતા હતા. જયારે હાલના નાયબ મામલતદાર રાજુભાઈ રાવલને જાણે નોકરીમાં કોઈ રસ ન હોય તેમ અરજદારની જેમ કચેરીની બહાર તમાકુનો મસાલા ખાવા બેસી રહે છે. ત્યારે મામલતદાર પ્રતિકભાઈ કુંભાણી અને જીલ્લા કલેકટરશ્રી આ નાયબ મામલતદારની ઓફીસમાં ઓંચિંતી મુલાકાત લઈ તેમની વહીવટી કામગીરીની તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us