Select Page

રક્ષાબંધન પર્વે આશા બહેનોને સાડી-સંગઠનની બહેનોને રૂા.પ૦૦ ભેટ

રક્ષાબંધન પર્વે આશા બહેનોને સાડી-સંગઠનની બહેનોને રૂા.પ૦૦ ભેટ

વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે

વિસનગર ભાજપ સંગઠન દ્વારા થલોટા રોડ ઉપર આવેલ પંચશીલ કોલેજ કેમ્પસમાં રવિવારના રોજ સાંજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામા આવી હતી. જેમા તાલુકાની આશાબહેનો અને ભાજપ સંગઠનની બહેનોએ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના હાથે રાખડી બાંધી તેમના દિર્ધાયુ માટે પ્રાર્થના કરી તેઓ પ્રજાની અવિરત સેવા કરતા રહે તેવા આશિર્વાદ આપ્યા હતા. ત્યારે મંત્રીશ્રીએ આશાબહેનોની આરોગ્યલક્ષી સેવાઓની કદરરૂપે તેમને સાડી તથા ભાજપ સંગઠનની બહેનોને રૂા.પ૦૦ ભેટ આપી તેમના સમાજ સેવાના કાર્યોની સરાહના કરી હતી. આ પ્રસંગે ભારતના ચંદ્રયાન-૩ ની ઐતિહાસિક સફળતા મેળવવા બદલ પ૦૦ બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ મોકલી અભિનંદન પાઠવ્યા હતા.
વિસનગર ભાજપ સંગઠન દ્વારા થલોટા રોડ ઉપર આવેલ પંચશીલ કોલેજ કેમ્પસમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તેમના ધર્મપત્નિ મીનાબેન સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બહેનોની સતત ચિંતા કરતા હોય તો આરોગ્યમંત્રી તરીકે બહેનોની ચિંતા કરવાની મારી પણ જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશના નાગરિકોને વિના મૂલ્યે આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહી છે. જેમા અત્યારે ગુજરાતમાં ર૭૦૦ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં રૂા.૧૦ લાખ સુધી રપ૦૦ જેટલા રોગોની વિના મૂલ્યે સારવાર આપવાની સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્યમા કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડના લાભથી વંચિત ન રહે તેની ભાજપના કાર્યકરો અને આશાબહેનો તકેદારી રાખી રહ્યા છે. સરકારના પ્રયત્નોથી આજે સમગ્ર ગુજરાતમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં ખુબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમા આશાબહેનોની ઉત્કૃષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓની કદરરૂપે સરકારે તેમને સાડીની ભેટ આપી પ્રોત્સાહન પુરુ પાડયુ છે. વધુમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ યોજના, ઈ-શ્રમ કાર્ડ યોજના, વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય જેવી સરકારની જન કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડે રહેતા વ્યક્તિ સુધી પહોચાડવા ભાજપના કાર્યકરો અને આરોગ્ય ખાતાના અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ભારતના ચંદ્રયાન -૩ ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તાલુકાની પ૦૦ બહેનોએ પણ ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સફળતા મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ મોકલી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પારૂલબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આર.ડી.પટેલ, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અમિષાબેન પરમાર, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈ (આર.ડી), પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ (સુંશી)સહીત શહેર-તાલુકા ભાજપ સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us