વિસનગરમાં સ્વાદપ્રેમીઓને ઝેર પિરસતી હોટલો સામે ફૂડ વિભાગની તવાઈ
- શુકન હોટલમાંથી ૬ (છ) કિલો ડુપ્લીકેટ બટર, આરોગ્યને હાનિકારક વાસી ગ્રેવી અને સોસની ત્રણ બોટલ પકડાઈ
- ફુડ વિભાગની ટીમે સ્વાગત હોટલની સામે આવેલ રામકુટીર હોટલમાં કોઈ તપાસ કેમ ન કરી? આ પ્રશ્ન ગ્રાહકોને સતાવી રહ્યો છે
વિસનગરમાં ફુડ વિભાગની ટીમે શહેરના હાઈવે ઉપર આવેલી જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર રેસ્ટોરન્ટમાં શુધ્ધ ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ગ્રાહકોને પીરસવામાં આવતી હતી. જ્યારે ત્રણ રેસ્ટોરન્ટમાં આરોગ્યને હાનિકારક ડુપ્લીકેટ બટર, વાસી ગ્રેવી તથા અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ પિરસવામાં આવતી હોવાનુ જણાયુ હતુ. ફુડ વિભાગની ટીમે પુથ્થકરણ માટે અખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ સ્થળ ઉપર તેનો નાશ કર્યો હતો. જોકે આ રેડ દરમિયાન ફુડ વિભાગની ટીમે મહેસાણા ચાર રસ્તા પાસે સ્વાગત હોટલની સામે આવેલ રામકુટીર હોટલમાં કોઈ તપાસ નહી કરતા તંત્રની કાર્યવાહી સામે વેપારીઓમાં શંકાકુશંકા ઉભી થઈ છે.
વિસનગર શહેર અને તાલુકાના ગામડાના નાગરિકોને ખાદ્ય ચીજ વસ્તુઓ શુધ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ)એ નાગરિકોના આરોગ્યને હાનિકારક ખાદ્ય ચીજ વસ્તુઓ પિરસતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા મહેસાણા કલેક્ટર, આરોગ્યમંત્રી, મુખ્ય મંત્રી તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજુઆત કરી હતી. ત્યારે મહેસાણા ફુડ વિભાગના અધિકારી એસ.કે.પ્રજાપતિ તથા હિરલબેન પ્રજાપતિ સહિતની ટીમે સોમવારના રોજ વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ અને સભ્ય વિષ્ણુભાઈ સુથારને સાથે રાખી શહેરના હાઈવે ઉપર ધમધમતી જાણીતી હોટલો, રેસ્ટોરન્ટોમાં ઓચિંતિ તપાસ હાથ ધરી હતી. જેમાં મહેસાણા ચાર રસ્તા પાસે આવેલ હેપ્પી જર્ની રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ત્યાથી ડુપ્લીકેટ અખાદ્ય બટર અને પનીર, કાંસા ચાર રસ્તા નજીક થલોટા ચાર રસ્તા ઉપર આવેલ શુકન રેસ્ટોરન્ટમાંથી ૬ (છ) કીલો ડુપ્લીકેટ બટર તથા જુદીજુદી પ્રકારની વાસી ગ્રેવી અને ત્રણ બોટલ અખાદ્ય સોસ, કાંસા રોડ ઉપર આવેલ હિલ્ટોન રેસ્ટોરન્ટમાંથી ૮(આઠ) કિલો ડુપ્લીકેટ બટર, ૪૦ કિલો વાસી ગ્રેવી, વાસી ગુલાબજાંબુ, મન્ચ્યુરીયન, પનીર તથા સડેલી કોબિજ મળી આવી હતી. ફુડ વિભાગની ટીમે આ ત્રણેય રેસ્ટોરન્ટમાંથી મળી આવેલ અખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ તેના પૃથ્થકરણ માટે વડોદરા સરકારી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરી અખાદ્ય ડુપ્લીકેટ બટર, પનીર, ગ્રેવી, ગુલાબજાંબુ તથા અન્ય ચીજ વસ્તુઓનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. જ્યારે પાલડી ત્રણ રસ્તા નજીક આવેલ માટેલ હોટલ અને ગુરૂદેવ દાલબાટી હોટલમાં તપાસ કરતા ત્યાં એકપણ અખાદ્ય ચીજ વસ્તુ મળી આવી નહોતી. નવાઈની વાત તો એ છે કે, ફુડ વિભાગના અધિકારીઓ જ્યારે માટેલ હોટલમાં ખાદ્ય ચીજ વસ્તુઓની તપાસ કરવા પહોચ્યાં ત્યારે હોટલના માલિક યશવંતસિંહ રાઠોડે આત્મવિશ્વાસ સાથે કહ્યુ કે, સાહેબ હું મારી હોટલમાં ગ્રાહકોના આરોગ્યને નુકશાન થાય તેવી કોઈ ખાદ્ય ચીજ વસ્તુ વાપરતો નથી. અને ખવડાવતો નથી. ત્યારે મારી હોટલમાં જે તપાસ કરવી હોય તે કરો અને જે ખાદ્ય વસ્તુના સેમ્પલ લેવા હોય તે લઈ જાઓ. જોકે ફુડ વિભાગની ટીમે આ હોટલમાં તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીનું બટર, સોસ, પનીર અને ગ્રેવી ખાવાલાયક જોવા મળ્યા હતા. હોટલનુ રસોડું એકદમ સ્વચ્છ હતુ. ગુરૂદેવ દાલબાટી હોટલની ખાદ્ય ચીજ વસ્તુની ગુણવત્તા અને સ્વચ્છતા જોઈ ફુડ વિભાગની ટીમે પૈસા આપી ભોજનનો સ્વાદ માળ્યો હતો. જ્યારે ઈયાસરા રોડ ઉપર આવેલ જાણીતી અતિથિ હોટલમાં તપાસ કરતા ત્યાં ગુણવત્તા યુક્ત ખાવાલાયક ફ્રેશ ગ્રેવી, સ્ટાન્ડર્ડ કંપનીનું બટર, પનીર તથા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ જોવા મળી હતી. હોટલના રસોડામાં સ્વચ્છતા પણ હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ફુડ વિભાગની ટીમે હોટલની તપાસ દરમિયાન મહેસાણા ચાર રસ્તા પાસે સ્વાગત હોટલની સામે આવેલ રામકુટીર હોટલમાં કોઈ તપાસ નહી કરતા તંત્રની કાર્યવાહી સામે લોકો શંકાકુશંકા સેવી રહ્યા છે.