Select Page

વિસનગરમાં હર્ષોલ્લાસ સાથે સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન

એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહેસાણા સાંસદ સભ્ય શારદાબેન પટેલ દ્વારા વિસનગર એસ.કે.યુનિવર્સિટી સંકુલમાં તા.૭-૫ થી તા.૨-૬ સુધી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણા જીલ્લાની ૧૨૮ ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોર, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, પુર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, એસ.કે.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, ભાજપ અગ્રણી ડા.જે.એફ.ચૌધરી, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, હું તો બોલીશ જ નામથી જાણીતા પત્રકાર રોનકભાઈ પટેલ, જીલ્લા મંત્રી નેહાબેન દવે સહિત પદાધિકારીઓ અને સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાપન સમારોહમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમને ખેલ મહાકુંભ થકી વિવિધ રમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ. ખેલ મહાકુંભ થકી ખેલાડીઓ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહેસાણા સાંસદસભ્ય શારદાબેન પટેલ દ્વારા રાજ્યમાં પ્રથમ સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ખેલ સ્પર્ધાથી યુવાનોમાં ખેલ ભાવના વધે છે. અને યુવાનોમાં નવી ચેતનાનો સંચાર થશે. જેમાં ક્રિકેટ રમતમાંથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે શિખવા મળે છે. કારણકે, ક્રિકેટ બેસ્ટમેને દરેક પ્રકારના બોલનો સામનો કરવો પડે છે. તેવું જણાવી બંન્ને ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સાંસદ સભ્ય શારદાબેન પટેલ દ્વારા સુંદર અને અભુતપુર્વ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ તો રાજનિતિમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં લાઈટ, પાણી, શિક્ષણ, આરોગ્ય તેમજ ખેડુતોને લગતા પ્રશ્નોને વાચા આપવાનુ કામ કરવાનું હોય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને સમાજસેવા કરવાની પ્રેરણા આપી છે. જેના કારણે કોરોનાકાળમાં ભાજપના અનેક કાર્યકર્તાઓએ ભોજન કીટ, રાશન કીટ, વિધવા બહેનોને પેન્શન તેમજ આરોગ્યલક્ષી સેવા કરવામા જરાય પાછી પાની કરી નથી. વધુમા તેમને ખેલાડીઓને તેમના જીવનમાં રમત- ગમત અને ખેલદીલીનું શુ મહત્વ છે. તે સમજાવી સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં વિજેતા બનેલ રાઈન્ડીંગ ઈલેવન ખેરવા ટીમને રૂા.૧,૧૧,૧૧૧/-નો ચેક અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપ બનેલી પટેલ ઈલેવન ટીમને રૂા.૫૧,૦૦૦/- નો ચેક અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us