Select Page

અંબાજી માઈભક્તોને ગટરના પાણીમાંથી પસાર થવુ પડશે

અંબાજી માઈભક્તોને ગટરના પાણીમાંથી પસાર થવુ પડશે

ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળી પ્રથમ પુણ્યનુ કામ કરવુ જોઈએ

વિસનગર પાલિકા દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે સ્વચ્છતા અને સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ પાલિકા પ્રમુખની ટર્મ બદલાતી હોવાના કારણે પદયાત્રીઓની સુવિધાઓની કોઈ દરકાર લેવામાં આવી નથી. પાલિકા પ્રમુખની જવાબદારી સંભાળનાર નવ નિયુક્ત ઉત્તમભાઈ પટેલે પ્રથમ પુણ્યનુ કામ કરવુ પડશે. નહીતો વિસનગરમાંથી પસાર થનાર હજ્જારો પદયાત્રીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડશે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખોની સંખ્યામાં માઈભક્તો પદયાત્રાએ દર્શન કરવા જાય છે. જેમાં વિજાપુર, કુકરવાડા, માણસા, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહેસાણા તરફથી આવતા તમામ સંઘ વિસનગરમાંથી પસાર થાય છે. ભાદરવા સુદ દસમ, અગીયારસ અને બારસ આ ત્રણ દિવસ તો વિસનગર માર્ગો ઉપર રાત્રે મેળા જેવુ વાતાવરણ જોવા મળે છે. આ ત્રણ દિવસમાં દિવસ રાત પદયાત્રીઓ વિવિધ રથ લઈને પસાર થાય છે. જેમાં વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા તરફથી આવતા મોટાભાગના સંઘ કડા ત્રણ રસ્તાથી દિપરા દરવાજા, મહિવાડો, મેઈન બજાર, લાલ દરવાજા, પટણી દરવાજા, સાર્વજનિક સ્મશાન, રેલ્વે અંડર પાસ થઈને માટેલ હોટલ સામે નિકળી ખેરાલુ રોડ ઉપર જાય છે.
ભાદરવી પૂનમના મેળા નિમિત્તે વિસનગર પાલિકા દ્વારા દર વર્ષે પદયાત્રીઓ પસાર થવાના માર્ગે સફાઈ કરવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોય તો ચાલુ કરી પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તેની પુરેપુરી કાળજી લેવામાં આવે છે. પરંતુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીના કારણે હજુ પદયાત્રા માર્ગોની કોઈ સફાઈ કરવામાં આવી નથી. મહત્વની બાબત તો એ છેકે સાર્વજનિક સ્મશાન પાસે રેલ્વે અંડરપાસમાં ગટરનુ પાણી ઉભરાઈને ભરાય છે. આ પરિસ્થિતિ બારેમાસની છે. વળી માટેલ હોટલ સામે નિકળતા રસ્તામાં ગટરનુ પાણી લીકેજ થવાના કારણે છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર લગભગ ૧૦૦ ફૂટના વિસ્તારમાં પાણી ભરાયેલુ રહે છે. પાલિકા દ્વારા આ બન્ને જગ્યાએ પાણી લીકેજ બંધ કરવામાં નહી આવે તો અંબાજી પદયાત્રીઓને માતાજીના રથ સાથે ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવુ પડશે. પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળનાર ઉત્તમભાઈ પટેલે તથા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરે પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે બન્ને જગ્યાએ ગટરનુ પાણી બંધ કરીને રોડની સફાઈ માટે તાત્કાલીક કામગીરી હાથ ધરવી પડશે. નોધપાત્ર બાબત છેકે ગત વર્ષે ભાદરવી પૂનમ બાદ પાલિકા ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રૂપલભાઈ પટેલે હાઈવે ઉપર સ્વચ્છતા હાથ ધરી હતી. જેની વેપારીઓએ ભારે સરાહના કરી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખ તથા ઉપપ્રમુખ તેમજ સિનિયર કોર્પોરેટર રૂપલભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પદયાત્રીઓના માર્ગે ભરાતુ ગટરનુ પાણી બંધ કરી પ્રથમ પુણ્યના કામથી પાલિકાનો વહિવટ સંભાળે તેવી લોકોની લાગણી છે.
વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈનું આ રોડ ઉપર મકાન આવેલુ છે. જેમની રોજીંદી અવરજવર ફાટક નીચે ભરાયેલા ગંદા પાણીમાંથી થાય છે. ગંજબજારનુ દુર્ગંધ મારતુ તમામ પાણી ગટરમાંથી ઉભરાઈને ફાટક નીચે ભેગુ થાય છે. આ બાબતે શામળભાઈ દેસાઈએ અગાઉ અનેક વખત રજુઆત કરી હોવા છતાં ગંજબજારનું ગટરનું પાણી બંધ કરવામાં આવતુ નથી. અને લોકો હેરાન થઈ રહ્યા છે. શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે, અગાઉ ઉપરથી લોકો અવરજવર કરી શકતા હતા પરંતુ અત્યારે એંગલો મારી હોવાથી ફાટક ઉપરથી પણ પસાર થઈ શકાય તેમ નથી. જેથી ભાદરવી પૂનમના પદયાત્રીઓને ફરજીયાત ગટરના ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવુ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us