Select Page

પાલિકા પ્રમુખે રેલ્વે અંડર પાસમાં પાણી ભરાતા પંપ મુક્યાવિસનગરમાં મોસમનો કુલ વરસાદ ૩૦ ઈંચ-દેળીયુ ચિક્કાર

પાલિકા પ્રમુખે રેલ્વે અંડર પાસમાં પાણી ભરાતા પંપ મુક્યાવિસનગરમાં મોસમનો કુલ વરસાદ ૩૦ ઈંચ-દેળીયુ ચિક્કાર

બીપરજોય વાવાઝોડાથી લઈને ભાદરવા મહિનાના પ્રારંભ સુધીમાં વિસનગરમાં મોસમનો કુલ ૩૦ ઈંચ વરસાદ નોધાયો છે. વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને સાંસદ શારદાબેન પટેલની નિષ્કાળજીના કારણે રેલ્વે અંડરપાસ પહોળો નહી થતા તેમજ પાણી નિકાલની વ્યવસ્થા નહી થતા સ્મશાન પાસેના અંડરપાસમાં બે ફૂટ પાણી ભરાયુ હતુ. જેના માટે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી પંપ મુકવામાં આવ્યો છે. આ વર્ષે કુદરત મહેરબાન થતા દેળીયુ તળાવ ચિક્કાર ભરાયુ છે. હવે જો પાલિકા તંત્ર ધ્યાન નહી રાખે તો તળાવ ફાટવાનો પણ ભય છે.
વિસનગરમાં જુલાઈ માસના અંત સુધી મોસમનો કુલ વરસાદ ૫૭૦ એમ.એમ. એટલે કે ૨૨.૪ ઈંચ નોધાયો હતો. ઓગસ્ટ માસમાં ચોમાસુ ખેતી માટે વરસાદની જરૂરીયાત પડતી હોય છે. ત્યારે ઓગસ્ટ કોરો ધાકોર જતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. એવામાં ભાદરવો મહિનો શુકનવંતો બનતા વિસનગરમાં તા.૧૬-૯ શનિવારે ૧૮ એમ.એમ., તા.૧૭-૯ રવિવારે ૧૧૩ એમ.એમ. તથા તા.૧૮-૯ સોમવાર ૬૧ એમ.એમ. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૭૬૨ એમ.એમ. એટલે ૩૦ ઈંચ નોધાયો છે. ત્રણ દિવસમાં ૭.૫૪ ઈંચ વરસાદ ખાબકતા દરેક વખતની જેમ શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા.
બીપરજોય વાવાઝોડુ અને ત્યારબાદ જુલાઈ માસના સારા વરસાદના કારણે શહેરના ઐતિહાસિક દેળીયા તળાવમાં પાણીની સારી આવક થઈ હતી. ત્યારબાદ ભાદરવાના શુભારંભમાં ભરપુર વરસાદના કારણે પાણીની આવકથી દેળીયુ તળાવ અત્યારે ચિક્કાર થઈ ગયુ છે. પાણીની આવકના ગેટ આગળ લેવલ માપવા માટેના પથ્થરનો બીમ અત્યારે દેખાતો નથી. તળાવના ગેટ બંધ કરવામાં આવ્યા છે. તળાવની ચોમેર દબાણોના કારણે કોઈ પાળ ખુલ્લી નથી. પરંતુ હવે જો પાલિકા તંત્ર બેધ્યાન રહેશે તો પાણીના દબાણથી કોઈ પાળને નુકશાન થશે તો તળાવ ફાટવાની પુરેપુરી શક્યતા છે. ઘણા વર્ષ બાદ તળાવ આ લેવલે ભરાયુ છે.
દેળીયુ તળાવ લેવલ કરતા વધારે ભરાતા અત્યારે સાર્વજનિક સ્મશાનથી રેલ્વે અંડરપાસ વિસ્તારમાં જમીનમાંથી પાણી ફૂટી રહ્યુ છે. બ્રોડગેજ કન્વર્જનનુ કામ ચાલતુ હતુ ત્યારે પ્રથમ સાંસદ શારદાબેન પટેલ અને ત્યારબાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આ અંડરપાસ મોટો કરવાની તથા ગટરલાઈન વ્યવસ્થાની કાળજી લેવાની જરૂર હતી. પરંતુ ભાજપના આ નેતાઓ બેધ્યાન રહેતા તળાવના કારણે અંડરપાસમાં બે ફૂટ સુધી પાણી ભરાયેલુ રહે છે. અત્યારે ટુ વ્હીલર વાહન લઈને નિકળવુ મુશ્કેલ પડી જાય છે. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના પ્રયત્નોથી રેલ્વે અંડરપાસમાં ભરાયેલુ પાણી લીફ્ટીંગ કરી મારવાડી વાસની કેનાલ તરફ નિકાલ કરવામાં આવી રહ્યો છે. દેળીયા તળાવનુ લેવલ ઓછુ નહી થાય ત્યા સુધી તળાવનુ પાણી જમવાનુ ચાલુ રહેશે ત્યા સુધી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા રહેશે. ખેરાલુ રોડથી શહેરને જોડતા આ માર્ગમાં અનેક વાહનોની અવરજવર છે ત્યારે પાણીના નિકાલ માટે ગટરલાઈન નાખવાની મંજુરી મળે તે જોવાની જવાબદારી હવે ભાજપના નેતાઓની છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts

Share This