જીલ્લા વહિવટી તથા આરોગ્ય તંત્રની નિષ્કાળજીએન.એ.પ્લોટમાં ગંદકીથી ડેન્ગ્યુ પોઝીટીવથી ફફડાટ
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છર ઉત્પન્ન કરતા સ્થળ શોધવા ડ્રોનનો ઉપયોગ કરાય છે. પરંતુ માલિકીના પ્લોટમાં પાણી ભરાયુ હોય અને ગંદકી થતી હોવાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. નવાઈની વાતતો એ છે કે, પ્લોટમા ગંદકીથી ડેન્ગ્યુ પોઝીટીવ કેસ નોંધાતા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા પ્લોટ માલિક સામે કાર્યવાહી કરવા તથા સફાઈ કરાવવા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં જીલ્લા વહીવટી તેમજ આરોગ્ય તંત્ર દ્વારા દરકાર લેવામા નહી આવતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.
ચોમાસામાં પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે મહેસાણા જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ડ્રોનથી પાણી ભરાતા સ્થળો શોંધવામાં આવે છે. જ્યાં પાણી ભરાયા હોય ત્યા સફાઈ કરવા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવે છે. આમ રોગચાળો અટકાવવા અદ્યતન ટેકનોલોજીના ઉપયોગનુ નાટક કરવામાં આવે છે. પરંતુ પાણી ભરાતા સ્થળની જો કોઈ રજુઆત કરે તો તેનો નિકાલ કરવામાં આવતો નથી.
વિસનગર કાંસા એન.એ.મા આવેલ સોના બંગ્લોઝમા પ્લોટનં.છ-૨૦ અને ૨૧મા છેલ્લા ઘણા વર્ષથી ગંદકી થાય અને રોગચાળો ફેલાય તેવા પ્લોટ માલિક દ્વારા પ્રવૃતિ કરવામા આવી રહી છે. સોના બંગ્લોઝમા રહેતા અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ કે.પટેલ દ્વારા જીલ્લા કલેક્ટર તથા જીલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવામાં આવી છે કે, પ્લોટ માલિક દ્વારા પીપમા પાણી ભરાયુ, ટાયરોનો સંગ્રહ કરવો, લાકડાના ઢગલા કરવા, છાણનો ઉકરડો કરવો વિગેરે રોગચાળો ફેલાવતી પ્રવૃતિ કરવામા આવી રહી છે. આ ઉપરાંત પ્લોટ માલિક એન.એ. થયેલ પ્લોટમાં શાકભાજીનુ વાવેતર કરતા હોવાના કારણે પણ થતી ગંદકીથી જીવાત અને મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે.
સોના બંગ્લોઝ સોસાયટીમા પ્લોટ માલિક દ્વારા છેલ્લા ઘણા વર્ષથી લોકોના હિતને નુકશાન થતી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જે બાબતે વહીવટી તંત્રમા રજુઆત કરવામા પણ આવી છે. પરંતુ ડ્રોનથી પાણી ભરાતા સ્થળ શોધવા કે ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનુ નાટક કરતા તંત્ર દ્વારા ગંદકી ફેલાવતા પ્લોટ માલિક વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામા નહી આવતા આ પ્લોટની બાજુમાજ ડેન્ગ્યુ પોઝીટીવ કેસ નોધાયો છે. ગંદકી અને મચ્છર ફેલાવતા પ્લોટની આસપાસના રહેણાંક પ્લોટમાં રહેતા લોકો ડેન્ગ્યુનો ભોગ ન બને તે માટે પ્લોટની સફાઈ કરાવવા તેમજ પ્લોટ માલિક સામે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.