Select Page

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી-ભાજપ ગેલમાં

ગુજરાતના ફાયરબ્રાન્ડ કોંગ્રેસી નેતા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભુકંપ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાં રાજીનામું આપ્યુ ત્યારે કાર્યકરોને સંબોધી પત્ર લખ્યો જે સોશિયલ મીડિયા સાથે ટી.વી. મિડીયામાંં આખો દિવસ ચર્ચાનો વિષય બન્યો હતો.
જયરાજસિંહ પરમારના કોંગ્રેસમાંથી ભાજપમાં કેમ લાવવામાં આવ્યા તે મહત્વનો પ્રશ્ન છે. ભાજપમાં કોંગ્રેસના લોકો માટે દરવાજા બંધ છે તેવું જાહેરમાં કહેવાતુ હતુ તો પછી જયરાજસિંહ પરમાર માટે ભાજપે કેમ લાલ જાજમ બીછાવી છે. જેનુ મુખ્ય કારણ ઉત્તર ગુજરાતની તમામ સીટો ઉપર જયરાજસિંહ પરમારના તમામ જ્ઞાતિના સમર્થકો છે. જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ બનવાથી ઉત્તર ગુજરાતની સીટો ઉપર ખાસી અસર ઉભી થાય તેમ હતી. જગદીશ ઠાકોરને કદ પ્રમાણે વેતરી નાંખવા ભાજપે કોંગ્રેસના કદાવર નેતા જયરાજસિંહ પરમારને બોલાવ્યા હોય તેવુ લાગે છે. જયરાજસિંહ પરમારની સોશિયલ મિડીયા અને ટી.વી.મિડીયા ઉપર પસંદ કરવા વાળા લોકોની આખી એક ફોજ છે. જેથી ભાજપ આ ફોજને મતમાં ફેરવવા જયરાજસિંહ પરમારને લાવ્યા હોય તેવુ લાગે છે. જયરાજસિંહ પરમાર સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણની મિટીંગ થઈ હતી તે પછી બેચરાજીના ૨૦૦ ઉપરાંત્ત નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જયરાજસિંહ પરમારના ભાજપ પ્રવેશ પછી બેચરાજી જેવા બનાવો તમામ વિધાનસભામાં બની શકે તેમ છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ પાસે ક્ષત્રિય રાજપુત સમાજનો જયરાજસિંહ પરમારની તોલે આવે તેવો કોઈ નેતા શંકરસિંહ વાઘેલા ગયા પછી નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
• જયરાજસિંહ પરમાર ભાજપમાં આવવાની ચર્ચાથી ઉત્તર ગુજરાત સાથે ખેરાલુ વિધાનસભામાં ભાજપના આગેવાનોમાં ઉત્સાહ
• ભાજપમાં આવતા કોંગ્રેસી આગેવાનો દુધમાં સાકરની જેમ ભળી જાય છે-વી.ડી.દેસાઈ
• ખેરાલુ વિધાનસભા માટે ભાજપે ૨૫ વર્ષમાં ચાર વિકલ્પ ઉભા કર્ય

જયરાજસિંહ પરમાર પોતે વિસનગર તાલુકાના કાંસા ગામના છે. તેમજ ખેરાલુ વિધાનસભામાં આવતો સતલાસણા તાલુકો તેમની રાજકીય કર્મભુમિ છે. જેથી ૨૦૨૨ ની વિધાનસભામાં વિસનગર વિધાનસભામાં જયરાજસિંહ પરમારના ભાજપમાં આવવાથી ઓછામાં ઓછા પાંચ હજાર વોટ ભાજપના પલ્લામાં નંખાવી ભાજપને ફાયદો કરાવી શકે છે. આવીજ રીતે વિજાપુર વિધાનસભાના ક્ષત્રિય રાજપૂત અને ઠાકોર સમાજ સાથે તેમને ઘરોબો છે. જેથી વિજાપુર વિધાનસભામાં પણ ફાયદો થાય. ખેરાલુ વિધાનસભામાં તો જયરાજસિંહ પરમારને વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં એવુ કોઈ ગામ નથી કે જ્યાંના લોકોને જયરાજસિંહ પરમારને ઘર જેવા સબંધ ન હોય, જયરાજસિંહ પરમારના ભાજપમાં આવવાથી સતલાસણા તાલુકામાં કોંગ્રેસ વાળા પ્રચાર કરવા પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ પેદા થશે.
ભાજપમાં જોડાયા પછી જયરાજસિંહ પરમાર જ્યારે ખેરાલુ વિધાનસભામાં આવશે ત્યારે ગામેગામ લોકો ઢોલ, નગારા અને ત્રાંસ લઈને સ્વાગત કરવા ઉમટી પડશે તેટલો ઉત્સાહ ભાજપના નેતાઓ અત્યારથી બતાવી રહ્યા છે. ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સહિત દેશમાં કોઈપણ નેતા ભાજપમાં જોડાય છે ત્યારે તે દુધમાં સાકરની જેમ ભળી જાય છે. ખેરાલુ વિધાનસભામાં આજીવન ધારાસભ્ય શંકરજી ઠાકોરને કોંગ્રેસમાં હરાવવા માટે ભાજપે રમીલાબેન દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. પહેલી વખત હારી ગયા પછી ૨૦૦૨ માં ફરીથી રમીલાબેન દેસાઈ તે ભાજપે ટીકીટ આપતા તે જીત્યા હતા. ત્યારબાદ રમીલાબેન દેસાઈ કોંગ્રેસમાં ગયા ત્યારે ભાજપે શંકરજી ઠાકોરના પુત્ર ભરતસિંહ ડાભીને અજમાવ્યા, જેમાં તેમની જીત થઈ. ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ માં ભરતસિંહ ભાજપમાંથી ચુંટાયા ત્યારબાદ ૨૦૧૯ માં ભરતસિંહ પાટણ સાંસદ બનતા ૨૦૧૯ ની પેટા ચુંટણીમાં અજમલજી ઠાકોરને અજમાવ્યા. તે જીત્યા આમ ભાજપે ૨૫ વર્ષમાં ત્રણ ધારાસભ્ય વિકલ્પ તરીકે આવ્યા ત્યારે હવે સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય રાજકારણમાં ફાયર બ્રાન્ડ કોંગ્રેસી નેતા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભાના ચોથા વિકલ્પ રૂપે લોકો જોઈ રહ્યા છે. જોકે જયરાજસિંહ પરમારે સ્પષ્ટ કહ્યુ કે, હું ટીકીટ માટે કોંગ્રેસ છોડતો નથી પરંતુ સ્વમાન ખાતર હોદ્દો છોડુ છું. ભાજપ દ્વારા તેમને સૌપ્રથમ હોદ્દો પ્રદેશ પ્રવક્તા તરીકે આપશે તે નિશ્ચિત લાગે છે. ખેરાલુ, વિજાપુર અને વિસનગર વિધાનસભામાં જયરાજસિંહ પરમાર ભાજપના હીરો તરીકે પ્રસ્થાપિત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી જયરાજસિંહ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us