કોનોકાર્પસ રોપા ઉછેરવા તથા વાવવા પર પ્રતિબંધ
- ગુજરાત સરકારના વન વિભાગને ડાહપણની દાઢ ફુટી
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૦-૧પ વર્ષથી કોનોકાર્પસ ઝાડનુ વાવેતર મોટા પ્રમાણમાં કરવામા આવે છે. વન વિભાગનો છોડ ઉછેરવા માટે પ્રાઈવેટ નર્સરીઓ ઉપર કોઈ કંટ્રોલ ન હોવાથી મોટી હોટેલો, પાર્ટીપ્લોટ તેમજ મોટા ખેડુતો દ્વારા પોતાની હદ નક્કી કરવા મોટા પ્રમાણમાં કોનોકાર્પસ ઝાડ વાવી દીધા છે. જાગ્રૃત લોકોએ કોનોકાર્પસ ઝાડ ન વાવા અને તેના દ્વારા પ્રકૃત્તિ, પશુ, પંખી તેમજ મનુષ્યને થતા નુકશાન બાબતે લોકોને જાગૃત કરવા છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મિડીયા ઉપર મોહીમ છેડી છે ત્યારે ૧૦-૧પ વર્ષથી ઉછેરતા કોનોકાર્પસ ઝાડ ના ઉછેર તેમજ વાવેતર માટે પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર પ્રિન્સીપાલ, ચિફ સેક્રેટરી ઓફ ફોરેસ્ટ ગુજરાત દ્વારા જાહેર કરાયો છે. પરિપત્ર ર૬-૯-ર૦ર૩ ના રોજ પ્રસિધ્ધ થતા સોશિયલ મિડીયા દ્વારા ફરતો થયો છે. પરંતુ જે કોનોકાર્પસ ઝાડ ર૦ કે ૩૦ ફુટ ઉંચા ઉગી ગયા છે, પ્રકૃત્તિના ક્રમ અનુસાર નવા ઝાડ જાતે ઉગશે તેને સરકાર કેવી રીતે કંટ્્રોલ કરશે ? આનો કોઈ ઉપાય બતાવ્યા વગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પરિપત્ર કરી દીધો છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધ્યો છે. આ પ્રજાતિના પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો -ગેરફાયદાઓ ધ્યાને આવ્યા છે. આ ઝાડના મુળ જમીનમા ઉડે સુધી જઈ ખુબજ વિકાસ પામે છે. જેથી સંદેશા વ્યવહાર કેબલ, ડ્રેનેજલાઈન, પાણીની લાઈન ને નુકશાન કરે છે. શિયાળામા ઋતુફુલ આવે છે. જેની પરાગરજ આજુબાજુ ફેલાય ત્યારે નાગરિકોમાં શરદી, ઉઘરસ, અસ્થમા, એલર્જીના રોગો થવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યની વન મહોત્સવની નર્સરીઓમા કોનોકાર્પસ રોપા ઉછેરવા તેમજ કોઈપણ વાવેતર વન વિસ્તાર તેમજ વિસ્તાર બહાર આ પ્રજાતિના રોપાના વાવેતર ઉપર પ્રતિબંધ મુકવામા આવે છે. કોનોકાર્પસ વાવેતર અને તેની આડ અસર બાબતે વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો / કિશાન શિબીરો/ પ્રકૃતિક શિક્ષણ મારફત લોક જાગૃતિના પ્રયત્નો કરવા એસ.કે.ચતુર્વેદી મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ગુજરાત રાજ્ય દ્વારા હુકમ કરાયો છે. કોનોકાર્પસ ગુજરાતમા આવ્યુ ત્યારથી પ્રકૃતિ પ્રેમીઓ આ ઝાડનો વિરોધ કરે છે કેટલાક લોકોએ આ છોડ પાકિસ્તાનથી આવ્યાની વાતો પણ સોશિયલ મિડીયામા કરી હતી. વન-મહોત્સવોના નાટકમા પોતાની વાહવાહી લુંટતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દર વર્ષે કરોડો વૃક્ષો વાવે છે પરંતુ તે પછી કયારેય છોડ ઉછર્યા કે નહી તેની દરકાર કરતો નથી. ૧૦-૧પ વર્ષથી કોનોકાર્પસનુ ચલણ વધ્યા પછી હવે વન વિભાગને ડાહપણની દાઢ આવી છે. છેવટે કોનોકાર્પસ ઉપર પ્રતિબંધ આવ્યો ખરો પરંતુ જે કોનોકાર્પસ ઉછરીને ર૦થી ૩૦ ફુટની ઉંચાઈ એ પહોચ્યા તેનુ શુ કરવુ. તે પરિપત્રમા જણાવ્યુ નથી. લોકો કોનોકાર્પસ ન વાવે તે માટે જાગૃતિ લાવવા જાગૃતિ કાર્યક્રમો, કિસાન શિબિરો, અને પ્રાકૃતિક શિક્ષણ શિબિરોમા પ્રજાના પરસેવાના નાણાનો વ્યય થશે તેની જવાબદારી કોની?