Select Page

રિટર્ન થયેલો ચેક ૯૫ દિવસે પરત આપ્યો

રિટર્ન થયેલો ચેક ૯૫ દિવસે પરત આપ્યો

વિસનગર બેંક ઓફ બરોડાની કથળેલી હાલતથી ગ્રાહકો પરેશાન

  • બદલી કરાવવા માગતા હોય તેવા ઈરાદાથી બ્રાન્ચ મેનેજરનુ અનેક ગ્રાહકો સાથે તોછડાઈ ભર્યુ વર્તન

બેંક ઓફ બરોડાની વિસનગર મેઈન શાખાના મેનેજરની નિતિરિતીથી ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. મેનેજર દ્વારા તોછડાઈ ભર્યુ વર્તન થતુ હોવાની ઘણા ગ્રાહકોની ફરિયાદ છે. બેંકની સેવાઓને લઈ ગ્રાહકો ભારે અસંતુષ્ટ છે. રિટર્ન થયેલો ચેક બે દિવસમાં પરત કરવાનો હોય છે ત્યારે એક ગ્રાહકને ૯૫ દિવસે રિટર્ન ચેક પરત કરતા ગ્રાહકની ફરિયાદ અન્વયે બેંક મેનેજરને ગ્રાહક સુરક્ષા દ્વારા નોટીસ આપવામાં આવી છે.
બેંક ઓફ બરોડાની ત્રણ દરવાજા ટાવર પાસેની મેઈન શાખાના મેનેજરના કાર્યકાળમાં ગ્રાહકો પ્રત્યેની સેવામાં બેદરકારીને લઈ ભારે રોષ ફેલાયો છે. બેંકમાં સેવિગ્સ એકાઉન્ટ ધરાવતા એક ખાતેદારે તેમના ખાતામાં તા.૧૨-૭-૨૦૨૩ ના રોજ રૂા.૫ લાખનો ચેક ભર્યો હતો. આ ચેક તા.૧૭-૭-૨૦૨૩ ના રોજ પરત ફર્યો હતો. આર.બી.આઈ.ના નિયમ પ્રમાણે રિટર્ન થયેલો ચેક બેન્કીંગ સમય દરમ્યાન બે દિવસમાં પરત કરવાનો થાય છે. પરંતુ ગમે તે કારણોસર રિટર્ન થયેલો ચેક ગ્રાહકને સમય મર્યાદામાં પરત કર્યો નહોતો. ખાતામાં ચેક ભરનાર ગ્રાહકને જાણ થઈ હતી કે ચેક રિટર્ન થઈ ગયો છે પણ બેંકમાંથી ચેક ગુમ થવાના કારણે બેંક મેનેજર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નહોતો. રિટર્ન થયેલો ચેક પરત લેવા ગ્રાહકે બેંકના ઘણા ધક્કા ખાધા બાદ તા.૧૭-૧૦-૨૦૨૩ ના રોજ રિટર્ન ચેક પરત કરવામાં આવ્યો હતો. ગ્રાહકે આ બાબતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી હતી. જે અન્વયે ગ્રાહક સુરક્ષા દ્વારા નોટીસ આપવામાં આવી છેકે, બેંકની સેવાની ખામીના કારણે ગ્રાહકને નુકશાન થયુ છે અને માનસિક ત્રાસ પણ સહન કર્યો છે. રૂા.૫ લાખનુ માતબર રકમનો રિટર્ન ચેક સમયસર પરત આપ્યો હોત તો ગ્રાહક સમયસર ચેક રિટર્નની ફરિયાદ કરી શક્યા હોત. અથવા ચેક ફરી ખાતામાં ભરીને નાણાં વસુલ કરી શક્યા હોત. બેંક મેનેજર તથા સ્ટાફે ફરજમાં બેદરકારી રાખતા ગ્રાહકે નુકશાન થયુ છે. ગ્રાહકને નુકશાનીનુ વળતર આપવામાં નહી આવે તો ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કરવાની ફરજ પડશે.
નોધપાત્ર બાબત છેકે બ્રાન્ચ મેનેજરની તોછડાઈનો ભોગ એક નહી પરંતુ અનેક ગ્રાહકો બન્યા છે. ગ્રાહકના ખાતામાંથી ખોટી રીતે રકમ કપાત કરી વારંવાર રજુઆત કરવા છતા પરત આપવામાં આવતી નથી. લોન માટે આપેલા ડૉક્યુમેન્ટ પરત કરવામાં પણ હેરાનગતી કરવામાં આવે છે. મેનેજરે કેટલાક ગ્રાહકોને તોછડાઈભર્યા અને ઉધ્ધત જવાબ આપ્યા છેકે, મારી બદલી કરાવવી હોય તો કરાવી દો હું કોઈનાથી ડરતો નથી. પોતાની બદલી કરાવવા માટે મેનેજર ઉધ્ધત વર્તન કરતા હોવાનુ પણ ગ્રાહકોનુ માનવુ છે. બેંક ઓફ બરોડાની આ શાખાના અસંખ્ય ગ્રાહકો છે. ત્યારે સારી સેવાઓ આપવાની જગ્યાએ મેનેજરના અપમાનજનક વર્તનથી ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us