કોપરસીટી ગૃપ બ્લડ બેંકને રૂા.૪૮ લાખની બચત અર્પણ કરશે
કોપરસીટી નવરાત્રી મહોત્સવમાં અનેક ઇતિહાસ રચાયા – દાનભેટની મેઘવર્ષા થઈ
કોપરસીટી નવરાત્રી ગરબા નાઈટ મહોત્સવ ચેરમેન રાજુભાઈ પટેલ આર.કે. અને કોપર સીટી મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિર્તીભાઇ પટેલ કલાનીકેતનના નેતૃત્વ નીચે સમગ્ર કોપરસીટી ગૃપ અને સ્વસ્તિક મિત્ર મંડળની ટીમ દ્વારા સફળ રીતે નિર્વિઘ્ને યોજાયો. પ્રચાર સાપ્તાહિકે આગાહી કરી હતી કે રાજુભાઈ અને કીર્તિભાઈની જોડીના કાર્યક્રમ હર હંમેશ સફળતાને વરેલા જ હોય છે. તેમ આ કાર્યક્રમ પણ રૂા.૬૯ લાખના દાનભેટના ધોધ સાથે સફળ થયો છે.
કોપરસીટી મર્ચન્ટ એસોસિએશનના આયોજનથી વિસનગર શહેરમાં કોપરસીટી નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહયોગી સંસ્થાઓ તરીકે અંતિમ વિસામો ટ્રસ્ટ- સાર્વજનિક સ્મશાન ગૃહ, કોપર સીટી કોમર્શિયલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર અને સ્વસ્તિક મિત્ર મંડળ સંસ્થાઓ જોડાઈ હતી. કાર્યક્રમની સફળતા માટે ૨૦૦ થી વધુ સ્વયંમ સેવકો અને મુખ્ય કન્વીનરો તન મન અને ધનથી જોડાયા હતા. આ આયોજન વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે કરાયુ હતુ. એટલે કે કાર્યક્રમ થકી જે દાન ભેટ આવે તે રકમમાંથી ખર્ચ બાદ કરતાં જે કંઈ બચત વધે તે રકમ વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવશે તેઓ નિર્ધાર કર્યો હતો. વિસનગરની આમ જનતાએ આ મહોત્સવને ખૂબ પ્રતિસાદ આપ્યો હતો અને શહેરનો મોટાભાગનો વર્ગ આ કાર્યક્રમમાં સીધી અથવા આડકતરી રીતે જોડાઈ ગયો હતો. કાર્યક્રમ દરમ્યાન વિસનગર માટે અનેક ઇતિહાસો રચાઈ ગયા છે. સૌ પ્રથમ તો જાહેરાત દાન, પ્રોત્સાહિત દાન ભેટ અને પાસ વિતરણ દાન ભેટની આવક કુલ રૂા.૬૯ લાખથી વધુ થઈ હતી. અને જેમાંથી ખર્ચ બાદ કરતા અંદાજિત ૪૮ લાખ રૂપિયા જેટલી બચત થઈ છે. જે રકમ કોપર સીટી ગ્રુપ અને સ્વસ્તિક ગ્રુપ દ્વારા વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવી છે. જે એક મોટો ઇતિહાસ થઈ ગયો છે. આંકડાકીય રીતે સૌથી મોટા ઇતિહાસના આંકડા ગણીએ તો કોપર સીટી ગરબા મહોત્સવ દરમિયાન હાઈએસ્ટ રેકોર્ડ નોંધાઈ ગયા છે. જેમાં ચાર દિવસ દરમિયાન ૨૫,૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા. દરરોજ ૪૫૦૦થી વધુ લોકો કોપર સીટી ગરબા નાઈટ માં પ્રવેશ મેળવતા હતા અને ૩૫૦૦ થી વધુ લોકો એક સાથે ખેલૈયા તરીકે ગરબા રમતા હતા. આ કાર્યક્રમ દરમિયાન અને આયોજન હેતુસર નવ થી વધુ ભોજન સમારંભ સાથેની મીટીંગો અને સભાઓના આયોજન થયા હતા. જેના સંપૂર્ણ ખર્ચનુ સૌજન્ય દાતાઓએ આપ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ કોપર સીટી ગ્રુપ અને સ્વસ્તિક મિત્ર મંડળના સ્વયં સેવક મિત્રોએ ખડે પગે ચાર દિવસ સેવાઓ આપી હતી. કાર્યક્રમ દરમ્યાન બે મોબાઈલ વાન, એક ૧૦૮, ચાર ડોક્ટરની ટીમ તથા પાંચ નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને મેડિકલ દવાઓ સાથે સતત ખડે પગે ઉભી હતી. પરંતુ આરોગ્યને લગતો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. કોપર સીટી ગરબા નાઈટ માં ૩૨ થી વધુ જુદી જુદી ખાદ્ય નાસ્તાની વિવિધ વસ્તુઓના આઠ જેટલા સ્ટોલ હતા. અને જે પણ માર્કેટ ભાવ અને લેબલ ભાવથી જ વેચાતા હતા. કોઈ પણ ચીજમાં ભાવ વધારો લેવાય નહીં તે બાબતે અને ક્વોલિટી સચવાય તેવી મેનેજમેન્ટ એ સંપૂર્ણ કાળજી લીધી હતી, જે પ્રશંસનીય બાબત છે. કોપર સીટી નવરાત્રી ગરબા કાર્યક્રમ કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થયો હતો. જેનુ લાઈવ પ્રસારણ You-tube થી થયું હતું. આ પ્રસારણને દેશ અને વિદેશમાં લોકોએ જોયુ હતુ. નવરાત્રી મહોત્સવમાં રૂા.૨.૦૫ લાખના ઇનામો અને મોમેન્ટોથી ખેલૈયાઓ અને દાતાઓને નવાજવામાં આવ્યા હતા. દરરોજ નવા નવા ખ્યાતનામ કલાકારો દ્વારા ખેલૈયાના મન મોહી લીધા હતા. વિસનગર શહેરમાં આ કાર્યક્રમ એટલો બધો લોકપ્રિય બન્યો હતો કે પ્રવેશ પાસ ખૂટી પડ્યા હતા અને મેનેજમેન્ટને દિલગીરી વ્યક્ત કરવી પડી હતી. મેનેજમેન્ટે વધુ આવકની લાલચ રાખ્યા વગર વધુ લોકોને પ્રવેશ આપવાના બદલે, જે લોકોને પાસ મળ્યા છે તેમની જ વ્યવસ્થા વધુ સારી થાય તેને જ મહત્વ આપ્યુ હતુ. ખેલૈયાઓને પાસ ન મળ્યા તે તકલીફ બદલ મેનેજમેન્ટે દિલગીરી વ્યક્ત કરી છે.
કોપર સીટી નવરાત્રી ગરબા નાઈટમાં જે જે દીકરા દીકરીઓએ ભાગ લીધો તેમણે આયોજકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આયોજનમાં સારી વ્યવસ્થા માટે ખુશી વ્યક્ત કરી હતી. ખેલૈયા માટે ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત હતો અને તેનું પાલન પણ થયું હતું. કાર્યક્રમ દરમિયાન પાર્કિંગની જગ્યા પણ નાની પડી હતી, છતાં પણ લોકોએ રોડ ઉપર કોઈને તકલીફ ના પડે તેવી રીતે સ્વયંભુ પાર્કિંગ વ્યવસ્થા જાળવી હતી. કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રકાશભાઈ પટેલ એસ.કે.ચેરમેન, સુરત ધારાસભ્ય મનુભાઈ પટેલ એ હાજરી આપી હતી. આ ઉપરાંત રોજે રોજ વિવિધ દાતાઓ અને તેમના પરિવારોએ હાજરી આપી હતી. તેમનુ શાલ, બુકે અને મોમન્ટોથી સન્માન કરાયુ હતુ અને તેમના માટે ભોજન કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. દરરોજ માતાજીની આરતીનો પણ કાર્યક્રમ થતો હતો. આકર્ષક ટ્રેડિશનલ ડ્રેસ અને એક્શન માટે વિવિધ પ્રકારના જુદા જુદા ઇનામોની લ્હાણી પણ થતી હતી. કોપર સીટી ગૃપ અને સ્વસ્તિક ગૃપના વિવિધ કમિટીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ દરેક જગ્યાએ સુંદર સેવાઓ આપી હતી. કોપર સીટી ગરબા નાઈટના પ્રોજેક્ટ ચેરમેન રાજુભાઈ કે પટેલ આર.કે. અને કોપર સીટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કિર્તીભાઈ પટેલ કલાનીકેતન એ સંયુક્ત રીતેથી કાર્યક્રમમાં દિલથી દાન આપનાર દાતાઓ, પ્રવેશ પાસ મેળવનાર ખેલૈયા યુવક તેમજ યુવતીઓનો, આમંત્રિત મહેમાનોનો તથા સર્વે સ્વયંસેવક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અને કોઈ પણ તકલીફ પડી હોય તો દિલગીરી વ્યક્ત કરી હતી. દરેક સ્વયંમ સેવક મિત્રો અને તેમના પરિવારજનોનો હૃદયથી ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
કોપર સીટી ગરબા નવરાત્રી મહોત્સવ ગરબા નાઈટની હાઈલાઈટ
• લોકોએ ૬૯ લાખ જેટલું દાન આપી ખરા હૃદયથી સહકાર આપ્યો
• ૪૮ લાખ જેટલી બચત વોલન્ટરી બ્લડ બેંકને અર્પણ કરી
• ૨૫૦૦૦ થી વધુ લોકો જોડાયા
• ૪૦૦૦ થી વધુ લોકોએ ભોજન લીધુ
• દરરોજ ૩,૦૦૦ થી ૩,૫૦૦ જેટલા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
• નાસ્તાના સ્ટોલમાં વ્યાજબી ભાવ અને સ્વાદિષ્ટ બાબત નોધપાત્ર રહી
• ૨૦૦ થી વધુ સ્વયંસેવક મિત્રોએ તનતોડ મહેનત કરી
• ફ્રી મિનરલ વોટર અને ફ્રી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ
• કાર્યક્રમ દરમિયાન સૌ કોઈ રૂપિયા બે કરોડના વીમાથી આરક્ષિત હતા
• અંબાલાલ પટેલની આગાહી ખોટી પાડી કુદરતે પણ વરસાદ બંધ રાખી બ્લડબેંકના લાભાર્થે કાર્યક્રમને સહકાર આપ્યો
• પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડે પગે સેવા પૂરી પાડી
• દરેક સ્વયંમ સેવક સતત ચાર દિવસ ડ્રેસ કોડમાં રહ્યા
• ૫૫૧ દીવાની આરતી કાર્યક્રમ થયો
• તલવાર બાજી સાથે મહિલા રાસ ગરબા કાર્યક્રમ આકર્ષક રહ્યો
• ઉમિયા માતાજી ઉંઝાથી દિલીપભાઈ અને તેમની ટીમ આવી મેનેમેન્ટ ટીમને માતાજીનો ખેસ પહેરાવી આશિર્વાદ આપ્યા
• વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી શસ્ત્ર પૂજા કાર્યક્રમ થયો હતો