Select Page

વિસનગર ભાજપના જુથવાદથી શહેર તાલુકા પ્રમુખની જાહેરાત ઘાંચમાં

વિસનગર ભાજપના જુથવાદથી શહેર તાલુકા પ્રમુખની જાહેરાત ઘાંચમાં

તાલુકામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના જુથમાં અને શહેરમાં પ્રકાશભાઈ પટેલના જુથના પ્રમુખની ફોર્મ્યુલા નક્કી થઈ હોવાની ચર્ચા

વિસનગર ભાજપના જુથવાદથી શહેર તાલુકા પ્રમુખની જાહેરાત ઘાંચમાં

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની જાહેરાત જુથવાદના કારણે ઘાંચમાં પડતા ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ અટકળો થઈ રહી છે. પ્રમુખ અને મહામંત્રીના હોદ્દા માટે સંકલનમાં થયેલી ચર્ચા મુજબ યાદી મોકલી આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. બન્ને જુથના કાર્યકરો દ્વારા અમારા જુથનોજ પ્રમુખ બનશે તેવી પ્રબળ દાવેદારી કરવામાં આવી રહી છે. જીલ્લાના મોટાભાગના તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ ચુકી છે ત્યારે વિસનગરમાં પ્રમુખની જાહેરાત ક્યારે થાય છે અને કોના જુથના પ્રમુખ બને છે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
ભાજપ સરકારમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોના ખોટા પ્રોત્સાહનના કારણે અત્યારે વિસનગરમાં ભાજપનો જુથવાદ વકર્યો છે. જે જુથવાદની અસરના કારણે ભાજપ પ્રમુખની જાહેરાત વિલંબમાં મુકાઈ છે. જાણવા મળ્યા પ્રમાણે જીલ્લા સંગઠનના આદેશથી વિસનગરના પ્રભારી જે.એફ.ચૌધરી, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ, મહામંત્રી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખ અને મહામંત્રીના નામોની ચર્ચા માટે સંકલન મળી હતી. જે સંકલનમાં થયેલી ચર્ચા બાદ પ્રમુખ અને મહામંત્રી માટે ૧૨ નામ મોકલી આપવામાં આવ્યા છે.
બન્ને જુથના કાર્યકરોનો દાવો
• પ્રમુખ તો ધારાસભ્ય ઋષિભાઈ પટેલના જુથનાજ બનશે
• પ્રકાશભાઈ પટેલ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાર હાથ હોઈ પ્રમુખ તો પ્રકાશભાઈ પટેલના જુથનાજ બનશે
સંકલનની મીટીંગમાં થયેલી ચર્ચા બાદ યાદી મોકલી આપ્યા બાદ મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય હરિફ જુથ દ્વારા પ્રમુખ અને મહામંત્રી માટે પ્રદેશમાં નામ આપવામાં આવ્યા હતા. જ્યાંં પ્રદેશમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે સંગઠનના નિયમ પ્રમાણે સંકલન દ્વારા જે નામ મોકલી આપવામાં આવે તેના ઉપરજ નિર્ણય લેવામાં આવે છે. દર વખતે જીલ્લામાંથી શહેર, તાલુકા ભાજપ પ્રમુખના નામનો નિર્ણય કરવામાં આવતો હતો. ત્યારે આ વખતે પ્રદેશમાંથી પ્રમુખની પસંદગીનો નિર્ણય કરવામાં આવશે.
વિસનગર ભાજપના બન્ને જુથને સાચવવા અને કોઈ એક જુથ નારાજ ન થાય તે માટે ભાજપ સંગઠન દ્વારા એક ફોર્મ્યુલા નક્કી કરી હોવાનું પણ ચર્ચાય છે. આ ફોર્મ્યુલા પ્રમાણે તાલુકા ભાજપ પ્રમુખ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જુથના અને શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ જુથના બને તેવી અટકળો ચાલી રહી છે. જોકે બન્ને જુથના કાર્યકરો દ્વારા પ્રમુખ તો અમારાજ જુથના બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય ઋષિભાઈ જુથના કાર્યકરોનો દાવો છેકે, ગત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડા સામે ઋષિભાઈ પટેલે જીત મેળવી છે. સરકારમાં એક વગદાર ધારાસભ્યની છબી છે. ત્યારે બન્ને પ્રમુખો ધારાસભ્ય જુથના બનશે. જ્યારે પ્રકાશભાઈ પટેલ જુથના કાર્યકરોનો દાવો છેકે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જેવી માતબર શૈક્ષણિક સંસ્થાનું સફળ સુકાન એમાંય મેડિકલ કોલેજની મંજુરી બાદ પ્રકાશભાઈ પટેલે સરકારમાં સારી ઈમેજ બનાવી છે. એમાંય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાર હાથ છે. નાયબ મુખ્યમંત્રીની વિસનગરમાં વધારે અવરજવર છે તેમજ વિસનગર ઉપર પ્રભુત્વ છે ત્યારે પ્રમુખ તો પ્રકાશભાઈ પટેલના જુથનાજ બનશે. બન્ને જુથની દાવેદારી વચ્ચે કાર્યકરો આતુરતાથી રાહ જોઈને બેઠા છેકે કયા જુથના પ્રમુખનુ નામ જાહેર થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts