અનેક થીગડાથી વિસનગરનો હાઈવે ઉબડખાબડ બન્યો
ભ્રષ્ટાચારી માર્ગ મકાન વિભાગના હલકી ગુણવત્તાના મટીરીયલ્સથી ડામર રોડ ટકતો નથી
વિસનગર માર્ગ મકાન વિભાગની મહેરબાનીથી શહેરમાંથી પસાર થતો એક માત્ર હાઈવે ક્યારેય સંપુર્ણ પણે વ્યવસ્થિત જોવા મળ્યો નથી. અત્યારે થીગડા મારી હાઈવે બન્યો હોય તેવી પરિસ્થિતિ છે. ચુંટણી લક્ષી વિકાસમાં બાયપાસ હાઈવે બનતા આવનાર વિધાનસભાની ચુંટણી સુધી રાહ જોવી પડે તેમ છે. ત્યારે હાઈવે ઉપર પેવરકામ થાય તેવી શહેરના વાહનચાલકોની લાગણી છે.
વિસનગર શહેરમાથી પસાર થતા કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના લભગભ ચાર કિ.મી.ના હાઈવે ઉપર નાના મોટા અનેક વાહનોની અવર જવર છે. શહેરમાથી પસાર થતા આ હાઈવે ઉપર આસપાસના સોસાયટી વિસ્તારના લોકોની પણ અવર જવર છે ત્યારે હાઈવેનો નિયમિત ઉપયોગ કરતા લોકોએ ક્યારેય હાઈવેની -સરફેસ વ્યવસ્થિત જોઈ નથી. હાઈવે ઉપર એક નહી પરંતુ અનેક જગ્યાએ થીગડા મારવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએતો થીગડા મારીને રોડ બનાવ્યો હોય તેવી સ્થિતિ છે. ડામરના થીગડા મારવાના કારણે હાઈવે ખુબજ ઉબડ ખાબડ બની ગયો છે. નાના ટુ વ્હીલર વાહન ચાલકોને ઉબડ ખાબડ રોડથી અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. થીગડાવાળા રોડના ભાગ ઉપરથી પસાર થવાનુ ટાળવા જતા ક્યારેક અકસ્માત પણ થાય છે.
વિસનગર શહેર હવે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનું શહેર છે. ત્યારે માર્ગ મકાન વિભાગની જાણે કોઈની પડી ન હોય તેમ વર્તી રહ્યો છે. વિસનગર માર્ગ મકાન વિભાગમા ખદબદતા ભ્રષ્ટાચારથી હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ કરતા હાઈવેનો રોડ ક્યારેય સારી સ્થિતિમા જોવા મળ્યો નથી. રોડ બનાવે છે અને થીગડા મારે છે કે તુર્તજ કપચી ઉખડી જાય છે. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ગાંધીનગરથી વિસનગર આવે ત્યારે માર્ગ મકાન વિભાગની મહેરબાનીથી બીસ્માર બનેલા હાઈવે ઉપરથી પસાર થાય છે. પરંતુ સારી ક્વોલીટીના સસ્પેન્શન ધરાવતી ઈનોવા કારને કારણે મંત્રીશ્રીને હાઈવે ઉપરના ઉબડ ખાબડ રોડની અસર થતી હોય તેમ જણાતુ નથી. જ્યારે હાઈવેનો રોજીંદો ઉપયોગ કરતા વાહન ચાલકો થીગડા મારેલા હાઈવેથી પરેશાન થઈ ગયા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ મરમતની ગ્રાન્ટ ક્યા વપરાય છે. તેનો જો કોઈ આર.ટી.આઈ. થાય તો ભ્રષ્ટાચારની તંત્રની પોલ ખુલ્લી પડે તેમ છે. મંત્રી ઋષિભાઈ પટેલ શહેરીજનોને ઉબડ ખાબડ રોડથી મુક્તી અપાવવા હાઈવે ઉપર કારપેટની કામગીરી કરવા માર્ગ મકાન વિભાગને સુચન કરે તેવી લોકોની લાગણી છે.