૨૭ વર્ષથી વિસનગરનો વિકાસ નકશો બન્યો નથી
ભાજપને ફક્ત પાલિકામાં સત્તા પ્રાપ્ત કરવાથીજ મતલબ
• વિકાસ મંચમાં કન્સલ્ટન્ટને ફી ચુકવાઈ પણ વિકાસ નકશો બન્યો નથી
• કન્સલ્ટન્ટ નકશો રજુ ન કરે તો ફોજદારી કરવી જોઈએ-વિજયભાઈ પટેલ
વિસનગરનો વિકાસ કુદકે ને ભુસકે વધી રહ્યો છે. વિસનગર ગ્રામ્ય વિસ્તારમાં નવી સોસાયટીઓ બની રહી છે. પરંતુ વર્ષોથી પાલિકામાં શાસન કરતા ભાજપ દ્વારા નવો વિકાસ નકશો બનાવવામાં ઉદાસીનતા દાખવતા ભવિષ્યમાં રોડ રસ્તા કે અન્ય સુવિધાઓમાં મોટી મુશ્કેલી ઉભી થવાની પુરેપુરી શક્યતા છે. પાલિકા જનરલમાં શહેરના વિકાસ નકશા મુદ્દે સભ્ય વિજયભાઈ પટેલે અસરકારક રજુઆત કરી હતી. પરંતુ ભાજપને તો ફક્ત પાલિકામાં સત્તા પ્રાપ્ત કરવાનોજ મતલબ હોય તેમ જણાય છે. આ પ્રશ્ન ખુબ પેચીદો છે ત્યારે તેની ગંભીરતાથી ચર્ચા કર્યા વગર આખો પ્રશ્ન ઉડાવી દીધો હતો.
વિસનગર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ જનરલમાંજ પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય વિજયભાઈ પટેલે શહેર માટે ખુબજ પેચીદો તેમજ મહત્વનો મુદ્દો વિકાસ નકશા બાબતે ચર્ચા કરી હતી. જનરલમાં વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, છેલ્લે વર્ષ ૧૯૯૬ માં વિકાસ નકશો બન્યો હતો. ગામતળની બહાર અનેક સોસાયટીઓ બની છે. નવી સોસાયટી માટે જે તે વખતે બીલ્ડર એન.એ. માટે નકશો તૈયાર કરતા હતા તે પ્રથમ ડી.એલ.આર.માં મુકવામાં આવતો હતો. ડી.એલ.આર. શહેરનો વિકાસ નકશો અને એન.એ. માટે મુકવામાં આવતો નકશો મીલાવી રોડ રસ્તાની તપાસ કરી કલેક્ટર સમક્ષ ફાઈલ મુકવામાં આવતી હતી. તમામ તપાસ બાદ એન.એ.ની મંજુરી આપવામાં આવતી હતી. અત્યારની એન.એ. પ્રક્રિયા બદલાઈ છે. એન.એ. ફાઈલ નગર નિયોજકમાં થઈને આવે છે. નગર નિયોજકે નવો વિકાસ નકશો બનાવવા ઘણા ટાઈમથી પાલિકામાં જાણ કરી હતી. ત્યારે પાલિકાના ગત બોર્ડમાં જે તે સમયના અધિકારીઓ દ્વારા શહેરના નવા વિકાસ નકશા માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરી હતી. આ કન્સલ્ટન્ટની ૨૪ થી ૨૫ લાખ ફી નક્કી કરવામાં આવી હતી. ધ્યાનમાં આવ્યા પ્રમાણે કન્સલ્ટન્ટને નક્કી કરલ ફીમાંથી ૮૦ ટકા પેમેન્ટ થઈ ગયુ છે. પરંતુ કન્સલ્ટન્ટે વિસનગર પાલિકામાં કે નગર નિયોજકમાં નકશા જમા કરાવ્યા નથી.
જનરલમાં વિજયભાઈ પટેલે એ પણ જણાવ્યુ હતું કે, વિસનગરમાં મહેસાણા રોડ ઉપર સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધી, વિજાપુર રોડ, કડા રોડ, સદુથલા રોડ, વડનગર રોડ, પાલડી રોડ ઉપર નવા કોમ્પલેક્ષ અને સોસાયટીઓનુ નિર્માણ થઈ રહ્યુ છે. શહેરની આસપાસની જમીનો ડેવલપ થવા લાગી છે. વિકાસ નકશા વગરનો આ વિકાસ લોકોને ભારે પડવાનો છે. નિમણુંક કરેલ કન્સલ્ટન્ટને બોલાવી નકશા બનાવવા જોઈએ અને નવા વિકાસ નકશા ન બનાવી આપે તો કામ વગર પૈસા લઈ ગયેલા કન્સલ્ટન્ટ વિરુધ્ધ ફોજદારી કરવી જોઈએ. પ્રમુખને વિકાસ નકશાની કામગીરી ઝડપી કરવા ખાત્રી આપવાની વિજયભાઈ પટેલે માગણી કરી હતી. નવા કન્સલ્ટન્ટની નિમણુંક કરી ફરીથી વિકાસ નકશો બનાવવા રજુઆત કરી હતી. પરંતુ વિકાસની અણસમજ ધરાવતા કેટલાક કોર્પોરેટરોએ પ્રશ્નની ગંભીરતા સમજ્યા વગર જનરલનુ કામ પૂર્ણ કર્યુ હતુ.
વિસનગર પાલિકામાં છેલ્લા વિકાસ મંચ અને તે પહેલા એકાદ ટર્મ સીવાય મોટાભાગના સમયમાં ભાજપે શાસન કર્યુ છે. પરંતુ ૨૭ વર્ષથી વિકાસ નકશો બનાવવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી. વિકાસ નકશા વગર આડેધડ સોસાયટીઓ બની રહી છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં નહી આવે તો સોસાયટીઓમાં પ્લોટ અને મકાન ખરીદનાર લોકોને મોટી મુશ્કેલી ઉભી થવાની છે.