Select Page

દિવાળીમાં સહાનુભૂતિનો દિવો પ્રગટાવી જરૂરીયાતમંદના ઘરમાં ઉજાસ પાથરીયે

દિવાળીમાં સહાનુભૂતિનો દિવો પ્રગટાવી જરૂરીયાતમંદના ઘરમાં ઉજાસ પાથરીયે

મદદ કરી કોઈના પરિવારમાં ખુશી લાવવા જેવુ બીજુ કોઈ ઉત્તમ કાર્ય નથી

તંત્રી સ્થાનેથી…

તહેવાર એ આપણા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ લાવે છે. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક સમય એવો હતો કે જ્યારે રોજ કોઈને તહેવાર રહેતો હતો. એની પાછળનો ઉદ્દેશ આપણા જીવનના મોટા ભાગના દિવસો ઉજવવાનો હતો. આજે આગળીના વેઢે ગણી શકીયે તેટલાજ તહેવાર રહી ગયા છે. જે પણ આપણે ઉજવી શકતા નથી. માણસ મશીનગત જીવન જીવતો હોવાથી તહેવારો ઉજવવાનો ઉત્સાહ દેખાતો નથી. તહેવારો પ્રત્યે નિરૂત્સાહી બનીશુ તો આવનારી પેઢીને તહેવાર શુ છે તેની ખબરજ નહી પડે. અત્યારે લોકો દિવાળીના તહેવારની તૈયારીયો કરી રહ્યા છે. મોટા ભાગના લોકોએ મકાનની સાફ સફાઈ પુરી કરી હશે તો કેટલાક સફાઈ કરવામાં પડ્યા હશે. મકાનની સફાઈ કરતા એવી ઘણી વસ્તુઓ નિકળી હશે જે આપણા રોજીંદા વપરાશમાં બીનઉપયોગી હશે. કપડા લત્તા, બુટ-ચંપલ, રમકડાં જેવી વધારાની વસ્તુઓ ઘરમાં નકામી પડી હશે. આવી નકામી વસ્તુઓ જરૂરીયાતમંદ પરિવારોના ઘરમાં ઘણી ઉપયોગી બની રહે તેમ છે. એવા અનેક પરિવારો છે જે કાચા મકાનોમાં રહે છે. જેમના ઘરમાં એક ડોકીયુ કરીએ તો પુરતી ઘર વખરી પણ હોતી નથી. નકામી સારી સ્થિતિ ધરાવતી વસ્તુઓ પહોચતી કરવા જરૂરીયાતમંદ લોકોને શોધવા ન પડે તે માટે માનવતાની દિવાલ બનાવવામાં આવી છે. વધારાના બીન ઉપયોગી કપડા કે બુટ ચંપલ જો માનવતાની દિવાલમાં મુકવામાં આવે તો આવી વસ્તુઓ જેમની તહેવારમાં ખરીદી કરવાની પરિસ્થિતિ નથી તેમના માટે ખુબજ ઉપયોગી બની રહે તેમ છે. ઘરમાં વધારાના વાસણો પણ ખુબજ પડ્યા હોય છે. ઘરના માળીયા આવા બીન ઉપયોગી વાસણોથી ભરેલા હોય છે. આવા નકામા વાસણો કાઢી વસાહતોમાં કાચા મકાનોમાં રહેતા લોકોને આપવામાં આવે તો તેમને ઘર વખરીમાં ખુટતો સામાન મળી રહેશે. દિવાળીના મુખ્ય પાંચ દિવસ છે. વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતુ વર્ષ. આ પાંચ દિવસ ઉજવવા માટે આર્થીક સક્ષમ લોકો નવા કપડા, રોશની, ફટાકડા અને મીઠાઈ પાછળ મોટો ખર્ચ કરે છે. ક્યારેક તો દેખાદેખીમાં ખોટો ખર્ચ થતો હોય છે. દિવાળી એ પ્રકાશનુ પર્વ હોવાથી તેલના દિવા કરવાની હજ્જારો વર્ષ જુની પરંપરા છે. ત્યારે આપણી આસપાસ એવા પણ પરિવારો છેકે જેમના ઘરમાં રસોઈ બનાવવા તેલ હોતુ નથી. જેમને ગરીબીનો શ્રાપ મળ્યો છે તેવા લોકોને બે ટાઈમ પેટ ભરવુ મુશ્કેલ હોય છે. ત્યારે તહેવારના સમયે મીઠાઈ અને ફરસાણ ક્યાંથી નસીબમાં હોય. દિવાળીના તહેવારમાં ગરીબીના ખપ્પરમાં હોમાયેલા પરિવારના બાળકો લાચારીની સ્થિતિમાં હોય છે. એવી કેટલીકજ સંસ્થા છે જે દિવાળીમાં સ્લમ વિસતારમાં મીઠાઈ અને ફરસાણનુ વિતરણ કરી ગરીબ પરિવારોના મુખ ઉપર ખુશી લાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દરેક લોકો દિવાળી પાછળ થતો ખર્ચ થોડો ઓછો કરે અને આ રકમ જરૂરીયાતમંદ પરિવાર માટે ખર્ચે તો સમગ્ર સમાજ દિવાળી તહેવાર ઉજવી શકે. આપણી વચ્ચે પણ એવા ઘણા પરિવાર હોય છેકે જે આર્થિક સંકડામણ અનુભવતા હોય છે. જે સ્વમાનિ સ્વભાવના કારણે કોઈની આગળ હાથ લાબો કરી શકતા નથી. સારો સમય જોયો હોવાથી ખરાબ સમયમાં મદદ લેવી ગમતી હોતી નથી. ત્યારે આવા પરિવારોને મદદની ભાવનાથી નહી પરંતુ યથાશક્તિ પ્રમાણે ઉછીના આપવાની ભાવનાથી મદદ કરવી જોઈએ. સમય ક્યારેય કોઈનો એક સરખો ગયો નથી. મદદ કરી હશે તો મદદ પામશો. દિવાળીની ઉજવણી માત્ર બહાર દીવા પ્રગટાવવા પુરતી નથી. અંતરમાં પણ ઉજાસ પ્રગટવો જોઈએ. દિવાળીમાં સહાનુભૂતિનો દિવો પ્રગટાવી જરૂરીયાતમંદ પરિવારના ઘરમાં ઉજાસ પાથરવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us