કાળી ચૌદસ તા.૧૧-૧૧-૨૩ ના રોજ સાર્વજનિક સ્મશાનગૃહમાંશાંતિ પ્રાર્થના સાથે શિવ દર્શન મેળો ભરાશે
વિસનગર શહેરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ એ માત્ર સ્મશાન ગૃહ નથી. પરંતુ એક પર્યટક સ્થળ બની ગયું છે, સમગ્ર ગુજરાત લેવલે ટોપના સ્મશાન ગૃહોમાં આ વિસનગરના સ્મશાનગૃહે સ્થાન મેળવી લીધું છે. અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ કે.પટેલ આર.કે. ના નેતૃત્વ નીચે સમગ્ર સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક સ્મશાન ગૃહને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી છે. જેની આમ જનતાએ હૃદયથી નોંધ લીધી છે. દર વર્ષે અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહમાં દિપાવલી દરમિયાન કાળીચૌદશની રાત્રે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તારીખ ૧૧/૧૧/૨૦૨૩ ની શનિવારના રોજ રાત્રે ૮ઃ૩૦ કલાકથી સ્મશાન ગૃહ સ્થળે દર્શન કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. સ્મશાન ગૃહ એટલે ભગવાન શિવજીનો સ્થાન ગણાય છે અને સ્મશાન ગૃહના દર્શન એટલે ભગવાન શિવજીના સાક્ષાત દર્શન બરાબર કહેવાય છે. એમાં પણ કાળી ચૌદસના દિવસે સ્મશાન ગૃહના દર્શન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. જેથી આવો અનેરો લાભ લેવા માટે અંતિમ વિશામો ટ્રસ્ટી ગણ દ્વારા સ્મશાન ગૃહમાં રોશની અને આતસબાજીથી વિવિધ કાર્યક્રમો થશે. આ ઉપરાંત મહાપ્રસાદના સ્વરૂપે શિવપ્રસાદ પણ રાખવામાં આવેલ છે. મહાપ્રસાદના દાતા તરીકે ઉર્વિશભાઈ ઠક્કર, રજનીકાન્તભાઈ ઠક્કર, રાજ રાજેશભાઈ(બન્ટીભાઈ) અમદાવાદ, પટેલ ભરતભાઈ ચોક્સી તથા પટેલ મહેન્દ્રભાઈ કમાણાએ સૌજન્ય આપ્યુ છે. આ કાર્યક્રમની સાથે સાથે ગત દિવાળીથી આ દિવાળી સુધી ૬૫૬ જેટલા મૃતકોનો અગ્નિસંસ્કાર થયેલ છે. અને આ તમામ આત્માઓના માટે શાંતિ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવશે. જેથી આ સ્વર્ગસ્થોના દરેક પરિવારજનોને પણ આ શાંતિ પ્રાર્થનામાં લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ છે. સાથે સાથે વિસનગરની અને વિસનગરના આજુબાજુની જાહેર જનતાને પણ કાળી ચૌદસના દિવસે સ્મશાન ગૃહ સ્થળે શિવ દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં રૂપિયા એક ના ટોકનથી ગેસની બે ભઠ્ઠીઓ અને ઇલેક્ટ્રીક બે ભઠ્ઠીઓ તથા લાકડાની બે ભઠ્ઠીઓ કાર્યરત છે. આ ઉપરાંત મૃતદેહ રાખવા માટે ડેડ બોડી ફ્રીઝર પણ છે. જેનાથી વધુ સમય સુધી મૃતદેહને સાચવી શકાય છે. જે ફ્રીઝર દરેક સ્થળે લઈ જઈ શકાય છે,તેવી વ્યવસ્થા પણ છે. અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સ્મશાન ગૃહને અધતન બનાવ્યા પછી વિસનગરની તમામ જ્ઞાતિના પ્રજાજનો પોતાના સ્વજનો ને અગ્નિદાહ આ સાર્વજનિક સ્મશાન ગૃહમાં જ આપવાનું પસંદ કરે છે. જેથી હવે બીજા સ્મશાન ગૃહ ના ઉપયોગ પણ બંધ થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ વિસનગર ની આજુબાજુના ૧૦ કિમી સુધીના ગ્રામ્ય વિસ્તારો પણ હવે પોતાના સ્વજનોને અગ્નિદાહ માટે વિસનગર અંતિમ વિશામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં જ લાવવાના નિર્ણયો કરી રહ્યા છે. જે એક આવકારદાયક બાબત છે.