ITI ચાર રસ્તા વાળીનાથ ચોક નામકરણ માગણીની ઉપેક્ષા
હેમુભાઈ રબારીની વિસનગર પાલિકામાં રજૂઆત
યાત્રાધામ સોમનાથ પછીનુ ગુજરાતમાં બીજા નંબરનુ મંદિર ગણાતુ તરભ વાળીનાથ શિવધામની દેશના યાત્રાધામોમાં ગણના થઈ રહી છે. વાળીનાથ શિવધામે વિસનગર શહેર સહીત તાલુકાનુ ગૌરવ વધાર્યુ છે. ત્યારે આ ધાર્મિક સ્થળનુ શહેરમાં સન્માન જળવાય તે માટે આઈ.ટી.આઈ ચાર રસ્તાને વાળીનાથ ચોક નામકરણ માટે નિર્ણય કેમ લેવાતો નથી. છેલ્લા ઘણા વર્ષથી વાળીનાથ ચોકના નામકરણ માટે કોઈ વિચાર કરવામા નહી આવતા માલધારી મહાપંચાયત વિસનગરના પ્રમુખ હેમુભાઈ રબારી દ્વારા પાલિકામા રજૂઆત કરવામા આવી છે.
વિસનગરમા આઈ.ટી.આઈ ચાર રસ્તાને વાળીનાથ ચોક નામકરણનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલ્યો આવ્યો છે. લગભગ દશેક વર્ષ અગાઉ પણ આ ચાર રસ્તાને વાળીનાથ ચોક નામકરણ માટે માંગણી થઈ હતી. જ્યા વાળીનાથ ચોક નામ લખેલુ લોખંડનુ બોર્ડ પણ ઉભુ કરવામા આવ્યુ હતુ. જેનો વિરોધ કરી બોર્ડ ઉખાડવા જતા બે જુથ વચ્ચે ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
આઈ.ટી.આઈ. ચાર રસ્તાને વાળીનાથ ચોક માટે રબારી સમાજની વર્ષોથી માંગણી થઈ રહી છે. રબારી સમાજની માંગણી બાદ પાટીદાર સમાજની લાગણી અને માંગણીથી કાંસા ચાર રસ્તા સરદાર ચોકનુ નામકરણ થયુ અને સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ થયુ ત્યારબાદ ઠાકોર સમાજની માંગણીથી સ્ટેશન સર્કલ ઉપર વિશળદેવ વાઘેલાની પ્રતિમાનુ અનાવરણ થયુ. રાજપૂત સમાજની માંગણીને ન્યાય આપવા મહેસાણા ચાર રસ્તા સર્કલમા મહારાણા પ્રતાપની પ્રર્તિમા મુકવા ખાતમૂર્હુત થયુ. પરંતુ વાળીનાથ ચોક બનાવવા સૌ પહેલા થયેલી રબારી સમાજની માંગણીની હજુ સુધી કોઈ દરકાર કરવામાઆવી નથી. અગાઉ વાળીનાથ ચોક માટે રજૂઆત કરાઈ તે વખતે તરભ વાળીનાથ અખાડાના મહંત પૂજ્ય બળદેવગીરી બાપુએ સર્કલનો ખર્ચ આપવાની પણ તૈયારી દર્શાવી હતી. રબારી સમાજની ભાજપ દ્વારા વોટબેંક તરીકે ઉપયોગ કરવામા આવે છે પણ રબારી સમાજની એક માંગણી સ્વિકારવામા આવતી નથી. પાટીદાર સમાજ, ઠાકોર સમાજ અને રાજપૂત સમાજની માંગણીઓ સ્વિકારવામા આવે છે તો રબારી સમાજની વર્ષોની માગણીની અવગણના કેમ ભાજપ સાથે જોડાયેલા રબારી સમાજના આગેવાનો તેમની ગુરૂ ગાદીનુ શહેરમા સન્માન જળવાય તે માટે કેમ મૌન થઈને બેઠા છે તે પ્રશ્ન છે.
વિસનગર તાલુકાના વાળીનાથ અખાડાના મહંત પૂજ્ય બળદેવગીરી બાપુના પ્રયત્નોથી તરભમા શિવધામ આકાર પામ્યુ. મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાજરી આપી પૂજ્ય બળદેવગીરી બાપુના પ્રયત્નોને સન્માન આપ્યુ હતુ. તરભ શિવધામ મંદિર સોમનાથ મંદિર પછી બીજા નંબરનુ મંદિર ગણાય છે. તરભ શિવધામની હવે તો દેશના યાત્રાધામોમા પણ ગણના થઈ રહી છે. વિજાપુર, અમદાવાદ અને મહેસાણા તરફથી તરભ વાળીનાથ ધામ જતા તમામ વાહન ચાલકો આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી ગુરુકુળ રોડ થઈને તરભ તરફ જાય છે. ત્યારે વાળીનાથ શિવધામને જો વડાપ્રધાન સન્માન આપતા હોય તો વિસનગર પાલિકા વાળીનાથ ચોક નામકરણ કરીને વાળીનાથ મંદિરને સન્માન કેમ આપવામાં આવતુ નથી તે પ્રશ્ન છે.
માલધારી મહાપંચાયત ગુજરાત વિસનગર તાલુકા શહેરના પ્રમુખ હેમુભાઈ મોતીભાઈ રબારી દ્વારા પાલિકા ચીફ ઓફીસરને રજૂઆત કરવામા આવી છે કે તરભ વાળીનાથ મંદિર સોમનાથ મહાદેવ પછી બીજા નંબરનુ મંદિર છે.માલધારી સમાજની ગુરુગાદી છે. તો ધર્મપ્રેમી જનતાની લાગણી અને માંગણી મુજબ આઈ.ટી.આઈ ચાર રસ્તાને વાળીનાથ ચોક નામ આપવુ જોઈએ.