હાર્ટ એટેકથી બચવા સીપીઆર પ્રશિક્ષણનો વ્યાપ વધારવો જરૂરી
શારીરિક શ્રમ ઘટવાથી અને ખોરાકની ગુણવત્તામાં ઘટાડો થવાથી સમસ્યા વધી
તંત્રી સ્થાનેથી…
કોરોના સંકટ પછી દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં નોધપાત્ર વધારો થયો છે. યુવા અવસ્થામાં જોવા મળતા હૃદય રોગને પોસ્ટ કોવીડ ઈફેક્ટ માનવામાં આવે છે. જોકે આ તો કાગને બેસવુ અને ડાળને ભાગવા સમાન ચર્ચા છે. યુવાનોમાં વધતા હૃદયરોગના બનાવોને કોવિડ વેક્સીનની પણ આડઅસર માનવામાં આવે છે. કોવિડ બાદના હૃદયરોગને લગતા તારણો અને વિશ્લેષણો મહદ્અંશે ખોટા છે. બાલ્યાવસ્થાથી વૃધ્ધાવસ્થા સુધી તમામ કોરોનાનો ભોગ બન્યા છે અને વેક્સીનના ડોઝ લીધા છે. કોવિડ બાદ હાર્ટ એટેકની અસર થાય તો તમામ ઉંમરના લોકોમાં આ અસર દેખાવી જોઈએ. અત્યારે હાર્ટ એટેકની વધુ અસર યુવાનોમાં જોવા મળી રહી છે. ૫૦ વર્ષથી ઉપરની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે. ભારતીય ઉપખંડના લોકો હાર્ટ એટેક માટે વધુ સંવેદનશીલ હોવાનુ કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા ચિંતા વધારે તેવા છેકે વિશ્વમાં કુલ હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં પાંચમાં ભાગના મૃત્યુ ભારતમાં થાય છે. ગ્લોબલ ડિસીઝ પ્રેશર સ્ટડીના રીપોર્ટ પ્રમાણે વૈશ્વીક સ્તરે દર લાખમાંથી સરેરાશ ૨૩૫ લોકોનુ હાર્ટ એકેટથી મૃત્યુ થાય છે. જ્યારે ભારતમાં લાખે ૨૭૨ નુ મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે. હૃદય સબંધિત વધતા રોગ જીવનશૈલીમાં આવેલા ફેરફારોનુ પરિણામ છે. વધતી જતી જટીલ જીવનશૈલી, કામકાજની પરિસ્થિતિ અને અસ્ત વ્યસ્ત આહાર આદતો આ સમસ્યાના મૂળમાં છે. જીવનમાં શારીરિક શ્રમ ઘટવાથી અને ખોરાકની ગુણવત્તામાં ઘટાડો થવાથી હાર્ટએકેટની સમસ્યા વધી છે. યુવા પેઢીમાં શ્રમ ઘટી ગયો છે અને પરંપરાગત આહારની જગ્યાએ જંકફૂડનુ પ્રમાણ વધી ગયુ છે. ભારતમાં ફૂડ સેફ્ટી એક્ટ છે, પરંતુ તેનો અમલ નહી થતા હલકી ગુણવત્તાનુ અને ભેળસેળયુક્ત ખોરાકનુ કોઈ રોકટોક વગર વેચાણ થઈ રહ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ખાદ્યવસ્તુઓ ચેકીંગ કરી જપ્ત કરવામાં આવે છે. પરંતુ સેમ્પલના કોઈ રીપોર્ટ નહી આવતા કોઈ કાર્યવાહી થતી નહી હોવાથી ડુપ્લીકેટ તેમજ ભેળસેળ વાળી ખાદ્ય વસ્તુઓ પીરસવાનુ બંધ થતુ નથી. આરોગ્ય વિભાગ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના બનાવો અટકાવવા નિરર્થક પ્રયાસો કરે છે. પરંતુ હલકી ગુણવત્તાની અને ભેળસેળ યુક્ત ખાદ્યવસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ લાવી શકતા નથી. સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમીટના ઉદ્ઘાટનમાં ખુદ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વિકાર્યુ છેકે, રાજ્યમાં હૃદય રોગની બીમારીના દર્દી વધ્યા છે. છેલ્લા છ મહિનામાં હાર્ટએટેકથી ૧૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે. જેમાં ૮૦ ટકાથી વધારે લોકો ૧૧ થી ૨૫ વર્ષની વયના છે. સરકારના આંકડા મુજબ ૧૦૮ ને મહિને રોજના એવરેજ ૧૯૯ થી વધારે કોલ મળ્યા છે. ૧૧ મહિનામાં ૬૬ હજારથી વધુ હૃદયરોગના ઈમરજન્સી કેસ નોધાયા છે. તબીબી નિષ્ણાતોના સર્વે પ્રમાણે તકેદારી અને કેટલાક પ્રયાસોથી હાર્ટ એટેકમાંથી બચાવી શકાય છે. જેમાં કાર્ડિયા પલ્મોનરી રિસુસિટેશન એટલે કે સીપીઆર મહત્વની ભૂમિકા ભજવે છે. જો હૃદય રોગના દર્દીને સીપીઆર જેવી પ્રાથમિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી હાલમાં ગુજરાતમાં ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકોને તથા પોલીસ કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી છે. જેથી કોઈ યુવાનને અચાનક હાર્ટ એટેક આવે તો તુર્તજ પ્રાથમિક સારવાર આપી શકાય. તબીબી નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિનો શ્વાસ બંધ થઈ ગયો હોય કે હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તો સીપીઆર ટેકનિક ખુબજ ફાયદાકારક સાબીત થઈ શકે છે. હાર્ટ એટેકમાં દર્દીને તાત્કાલીક હોસ્પિટલની સારવાર મળે તેવુ ઘણુ ઓછુ બને છે. હોસ્પિટલ પહેલા સીપીઆર સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાજ જાય છે. જેની સામે સીપીઆર તાલીમ મેળવેલ લોકો ઘણા ઓછા છે. આરોગ્ય વિભાગાન માર્ગદર્શનમાં તબીબી અને સામાજીક સંસ્થાઓ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. હાર્ટ એટેકના વધતા બનાવોમાં દર્દીને બચાવવા દરેક વિસ્તાર, મહોલ્લા અને સોસાયટી વિસ્તાર સુધી જન જન સુધી સીપીઆર તાલીમ આપવી ખુબજ જરૂરી છે.