વિસનગરમા ભાજપના ૪ કોર્પોરેટરના રાજીનામાની ચર્ચાથી રાજકારણ ગરમાયુ
વિકાસ કામ થતા નહી હોવાનો કારોબારીની સંકલનમાં રોષ ઠલવ્યો
- ગુજરાતમાં આપના અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે ત્યારે વિસનગરમાં અવળી ગંગા
વિસનગર પાલિકામાં કારોબારી સમિતીની સંકલનમાં વોર્ડ નં.૭ના ભાજપના ચાર સભ્યો અચાનક પહોચી વિકાસ કામ થતા નહી હોવાનો રોષ ઠાલવી રાજીનામાની ચીમકી આપતા રાજકારણમાં ભારે ચકચાર મચી છે. ચારેય સભ્યોની એક હૈયા વરાળ હતી કે, કમાણા રોડના દબાણો દુર થતા નથી અને વિકાસ થતો નથી. પાલિકા પ્રમુખ અને ટી.પી.ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. વોર્ડમાં કામ થતા નહી હોવાની અને વિકાસ કમની ગ્રાન્ટ ફળવાતી નહી હોવા બાબતે ભાજપના સભ્યોમા ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ઓપરેશન લોટસ અંતર્ગત રાજીનામા આપી રહ્યા છે. જ્યારે ભાજપ શાસીત વિસનગર પાલિકામા અવળી ગંગા જોવા મળી રહી છે. વોર્ડમા વિકાસ કામની ગ્રાન્ટ ફળવાતી નહી હોવાના તેમજ પાલિકામા રાજુઆતો ધ્યાને લેવાતી નહી હોવાના બાબતે અત્યારે ભાજપના સભ્યોમાં અંદરખાને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તા.૧૯-૧૨-૨૦૨૩ના રોજ સાંજે કારોબારી સમિતીની મિટીંગ બાબતે બપોરે ૧૨-૦૦ કલાકે પ્રમુખની ચેમ્બરની સંકલન મળી હતી. જેમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, કારોબારી ચેરમેન પીનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા, મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, કારોબારીના અન્ય સભ્યો વિગેરે સંકલનની મિટીંગમા હાજર હતા. આ દરમ્યાન વોર્ડ નં.૭ના ભાજપના સભ્ય કૈલાશબેન ગૌત્તમભાઈ કડીયા, મેહુલભાઈ કરશનભાઈ પટેલ, પિતાંબરભાઈ રામચંદ્ર સિંધી અને સપનાબેન કેયુરભાઈ જોષી સંકલનની મિટીંગમા પહોચી વિકાસ કામ નહી તો હોદ્દાની જરૂર નહી તેમ કહી રાજીનામાની ચીમકી આપી હતી. સંકલનની મિટીંગ પતવા દો પછી જે હોય તે રજુઆત કરજો. તેવુ પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવતાજ પહેલા અમારી રજુઆતો સાંભળો પછી મિટીંગ કરજો તેવો મેહુલભાી પટેલે રોષ ઠાલવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વોર્ડનં.૭ના સભ્યોનો રોષ હતો કે, વોર્ડમા વિકાસ કામની ગ્રાન્ટ ફળવાતી નથી કે વિકાસ કામ થતા નથી તો અમારે સભ્ય પદે રહેવાની ક્યા જરૂર છે. વોર્ડના મતદારોની વિવિધ માંગણીઓ સંતોષાતી નહી હોવાથી જવાબ આપી શકાતા નથી. રજુઆતમાં સભ્યોએ જણાવ્યુ હતુ કે, હરિહર સેવા મંડળ સામે, આદર્શ વિદ્યાલયની બાજુમાં તથા કમાણા રોડ ઉપર દબાણો હટાવવા માટે પાલિકાએ એપ્રિલ ૨૦૨૩મા નોટીસો આપી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હરિહર સેવા મંડળ સામે દુકાનો અને મકાનો આગળ ૩૦ થી ૪૦ ફુટના દબાણો હોવાથી ટ્રાફીકની સમસ્યા રહે છે. છતાં દબાણ હટાવાતા નથી. એસ.કે. યુનિવર્સિટી અને નૂતન હોસ્પિટલ જેવી શહેરમા એકમાત્ર સંસ્થા બચી છે. છતાં કમાણા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટની, રોડ પહોળા કરવાની કે દબાણો હટાવવાની કાર્યવાહી થતી નથી. આ રોડ ઉપર સ્વચ્છતા થતી નથી. નૂતન હોસ્પિટલ ગેટની બાજુમાં રૂદ્રાક્ષ અને સત્યમ સોસાયટી સુધી પાલિકાની હદ છે. છતાં સફાઈ કે વિકાસને ગણકારવામાં આવતા નથી. ગટરનુ પાણી ખુલ્લામાં વહેતુ હોવાથી ભારે દુર્ગંધ મારતા પાઈપ લાઈન નાખવાની પણ માગણી સંતોષાતી નથી. વોર્ડનં.૭ના સભ્યો ખીસ્સામાં રાજીનામા લખીને ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. છેવટે શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાની સમજાવટથી મામલો શાંત પડ્યો હતો. આવો રોષ તો ભાજપના દરેક સભ્યોમા છે. ભાજપના સભ્યોની માગણીઓ પ્રત્યે ધ્યાન રાખવામા નહી આવે તો ભાજપ શાસીત પાલિકામાં ગમે ત્યારે હોબાળો થવાની પુરેપુરી શક્યતા છે.