Select Page

ભાજપ સરકારના મહેસુલ વિભાગમાં પૈસા વગર કોઈ સાંભળતુ નથી જમીન રિસર્વે યોજનાથી ત્રાસેલા ખેડૂતોનો કોંગ્રેસના સહકાર સે સિધ્ધિ મંત્રને કેટલો લાભ

ભાજપ સરકારના મહેસુલ વિભાગમાં પૈસા વગર કોઈ સાંભળતુ નથી જમીન રિસર્વે યોજનાથી ત્રાસેલા ખેડૂતોનો કોંગ્રેસના સહકાર સે સિધ્ધિ મંત્રને કેટલો લાભ

તંત્રી સ્થાનેથી…
કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેડૂતો અને ખેતી અસ્તિત્વમા આવ્યા ત્યારથી જમીનો તેમજ ખેતરો અસ્તિત્વમા છે. હજ્જારો વર્ષોથી જમીનો લે-વેચ થતી રહી છે. પરંતુ જમીન માપણીના ખુબ ઓછા વિવાદો થતા હતા. સરકારના માથે ડિઝિટલાઈજેશનનુ ભૂત ધૂણતા અત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના જમીન ધરાવતા ખેડૂતો જમીન રિસર્વે યોજનામા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીથી માડીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી ધક્કા ખાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં એક સરખા રેકર્ડ ઉપલબ્ધ થાય, ડિઝિટલ રેકર્ડ સહેલાઈથી કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ ઉપર જોઈ તેની નકલો મેળવી શકાય, દરેક ખાતેદારોને માપ સાથેના નકશા અને ગામ નમૂના નંબર ૭ ઉપલબ્ધ થાય તેવા હેતુથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન રિસરવે કામગીરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાથી ભાજપ સરકારની મળતીયા કંપનીઓને જરૂર લાભ થયો છે. જ્યારે રાજ્યના અસંખ્ય ખેડૂતોને જે નુકશાન થઈ રહ્યુ છે તે ૩૦ વર્ષથી એકધારી સત્તા ભોગવતી ભાજપ સરકારને દેખાતુ નથી. ચુંટણી આવે ત્યારે હિન્દુ-મુસ્લીમ અને મંદિર-મસ્જીદના નામે મત લઈ સત્તામાં આવ્યા બાદ જમીન રિસર્વેમાં ખેડૂતોને થઈ રહેલી હેરાનગતી દૂર કરવા માટે કોઈ વિચારતુ નથી. રિસર્વેમાં ખેડૂતોને પ્રાધાન્ય આપતો મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે. જેમાં પ્રમોલગેશન પછી પણ ખેડૂત ખાતેદારને નવા મહેસુલી રેકર્ડ અંગે કોઈ પણ વાંધો હોય કે ભૂલ જણાય તો આ ક્ષતિઓ દુર કરવા પ્રમોલગેશન તારીખથી બે વર્ષ સુધીના સમયગાળામા માત્ર સાદી અરજીથી માપણી ફી ભર્યા વગર દાદ મેળવી શકે છે. આવા કિસ્સામાં અપીલ કરવાની કાયદાકીય જોગવાઈ સામે ખેડૂત સાદી અરજીથી વાંધો લઈ શકે છે. સરકારના મતે જાણે ખેડૂતોનુ હિત હોય તેમ રિસર્વેમાં નિયમ બનાવાયા છે. પરંતુ જમીન સ્તરે મહેસુલ વિભાગના કર્મચારીઓ તથા અધિકારીના કારણે ખેડૂતો જે હેરાન થઈ રહ્યા છે તેમાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. જમીન વર્ષોથી બાપ દાદા વખતની છે. સરકારી રેકર્ડમાં પેઢી દર પેઢીથી નામ ચાલ્યા આવે છે તેવુ વિચારી જમીન ધરાવતા લોકો અત્યાર સુધીમા જે રીતે શાંતીથી બેસી રહ્યા હતા તે સરકારની રિસર્વે યોજના બાદ દોડતા થઈ ગયા છે. છેલ્લા ૨૦ વર્ષથી સરકારની આ જમીન રિસર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં એક પણ જિલ્લો, તાલુકો કે કોઈ ગામ એવુ નથી કે જ્યા રિસર્વે ભૂલની ખેડૂતની વાંધા અરજી ન હોય. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારમાં વર્ષ ૨૦૦૪ મા સેટેલાઈટ દ્વારા જમીન રિસર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. રાજ્યના ૧૮૦૪૭ ગામની ૧.૨૫ કરોડ જમીન રિસર્વેનુ કામ હજી ૨૦ વર્ષે પણ પુરૂ થયુ નથી. નવા નકશામા ખેતરો વચ્ચેથી પસાર થતા રોડ ગાયબ થઈ ગયા છે. ખેતરોમાં રોડ આવી ગયા છે. જમીનના માપ બદલાઈ ગયા છે અને કબજેદારો બદલાઈ ગયા છે. કેટલાક ગામમાં રિસર્વે કરતી કંપનીઓની મીલીભગતથી ગૌચર ગાયબ થઈ ગયા છે. બાપ દાદા વખતથી જમીન ધરાવતા લોકો શાંતીથી ઉંઘતા હતા તે હવે જમીન રિસર્વેની અનેક ભુલોથી સરકારના કારણે ઉજાગરા કરતા થઈ ગયા છે. સરકારે જમીન માપણી માટે સાત વખત રિસર્વે કરાવી મળતીયા કંપનીઓને રૂા.૨૭૨ કરોડ ચૂકવી દીધા છે. તેમ છતા અસંખ્ય ખેડૂતોની વાંધા અરજીઓ હજુ પણ સરકારની મહેસુલ વિભાગની કચેરીઓમાં પેન્ડીંગ પડી રહી છે. વારંવાર રિસર્વે કરાયા બાદ પણ ૧૦ હજારથી વધુ જમીનોની માપણી બાકી છે. ડિઝિટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના ૧૮ હજાર ગામના ૧.૨૫ કરોડ સર્વે નંબરમાં માપણી કરી પ્રમોલગેશન કરવાનુ હતુ. જમીન માપણી મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ૫૦ જેટલા ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજુઆતો તથા ફરિયાદો કરવામાં આવી હતી. રિસર્વેમાં સરકાર દ્વારા થયેલી ભૂલો સુધારવા માટે ધક્કા ખાઈને થાકેલા ખેડૂતો છેવટે પૈસા આપીને સુધારા હુકમો કરાવી રહ્યા છે. ધારાસભ્યો રિસર્વેની ભુલો બાબતે સરકારમાં રજુઆતો કરે છે. પરંતુ જુના સર્વે નંબરો, નકશા અને રેકર્ડ આધારે વાંધા અરજી મળતાજ સુધારા કરવાની જગ્યાએ ખેડૂતો પાસેથી પૈસા લઈને કામ કરતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈ ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી હોવાનુ જોવા મળ્યુ નથી. સરકારની યોજનાઓ અને ભૂલોના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતોના રોષનો લાભ લેવા માટે હવે કોંગ્રેસે ગુજરાતમાં સહકાર સે સિધ્ધિ મંત્ર આપ્યો છે. સહકારી ક્ષેત્રમાં મોટેભાગે ખેડૂતો જોડાયેલા છે. સહકાર સે સિધ્ધિ મંત્ર થકી કોંગ્રેસ સહકારી મંડળીઓના સભાસદો એવા ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરી ગુજરાતની ચુંટણીઓમાં ભાજપને હંફાવવા પ્રયાસ કરશે. જેમાં રિસર્વેમાં હેરાન થયેલા ખેડૂતોનો કોંગ્રેસને સીધો લાભ મળશે.