ઓપરેશન સિંદુરમા પ્રિન્ટ મીડિયાની ભૂમિકા વિશ્વસનીય બની
ટીઆરપી વધારવા ચેનલોના સનસનાટીભર્યા ન્યુઝ યુધ્ધની સાચી પરિસ્થિતિથી વિપરીત
તંત્રી સ્થાનેથી…
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમા ન્યુઝ મોબાઈલમાં મળી રહેતા હોવાથી અત્યારના જમાનામા લોકો ઘરમા કે ઓફીસમા અખબાર(ન્યુઝ પેપર) મંગાવવાનુ ટાળી રહ્યા છે. અખબાર મંગાવવુ એક સમયે સ્ટેટસ ગણાતુ હતુ. જેમના ત્યા અખબાર આવતુ નહોતુ તે બાજુના ઘરમાંથી વાચવાં લઈ જતા હતા. અખબારમાં આપવામાં આવતા અહેવાલ ઉપરજ લોકો વિશ્વાસ કરતા હતા. ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા લોકોનુ અખબાર પ્રત્યેનુ આકર્ષણ ભલે ઓછુ થયુ હોય પરંતુ ઓપરેશન સિંદુરમા પ્રિન્ટ મીડિયાની ભૂમિકા ફરીથી વિશ્વસનીય બની છે. પહેલગામ હુમલા બાદ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર બે દિવસ જે સૈન્ય કાર્યવાહી કરી તેના સાચા અહેવાલ પ્રિન્ટ મીડિયાએ આપ્યા છે. દુશ્મન દેશોને ભૂલથી પણ મદદ ન થઈ જાય તેની પ્રિન્ટ મીડિયામાં તકેદારી રાખવામાં આવી. દેશના લશ્કરી અધિકારીઓ દ્વારા જે બ્રીફીંગ કરવામાં આવ્યુ તે પ્રમાણેજ પ્રિન્ટ મીડિયામા અહેવાલ પ્રસિધ્ધ થતા હતા. જેમાં કોઈ અતિશયોક્તી જોવા મળતી નહોતી. ઓપરેશન સિંદુરની સૈન્ય કાર્યવાહી સમયે દેશના લોકો જે સાચુ ચિત્ર જોવા માગતા હતા તે જવાબદારી પ્રિન્ટ મીડિયાએ પુરી પાડી છે. ઘણા ચિંતકોએ વાંચનને મહત્વ આપ્યુ છે ત્યારે પ્રિન્ટ મીડિયા વાંચનની ભૂખ સંતોષે છે. સમય નથી, ઘરમાં કોઈ વાંચવા વાળા નથી તેમ કહી અત્યારના જમાનામા લોકો પ્રિન્ટ મીડિયાની અવગણના કરે છે. પરંતુ ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા કરતા પ્રિન્ટ મીડિયા કેટલુ વિશ્વસનીય છે તેની સાચી સમજ ઓપરેશન સિંદુર થકી લોકોને થઈ છે. કોઈ વ્યક્તિ જ્યારે લોકોમાં ફેલાઈ જવાના ઈરાદાથી અતિશય ઉત્સાહમા આવે ત્યારે નિયંત્રણ ગુમાવી દે છે. ઓપરેશન સિંદુરમાં આવુજ કંઈક ન્યુઝ ચેનલો તથા સોશિયલ મીડિયામા જોવા મળ્યુ. ઓપરેશન સિંદુર અને ત્યારબાદની પરિસ્થિતિઓના અહેવાલને કેટલીક ટીવી ચેનલો દ્વારા સનસનાટીભર્યા બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી ચેનલોની ટીઆરપી વધી શકે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં તે જવાબદાર મીડિયાની ભૂમિકા ન હોઈ શકે. ઓપરેશન સિંદુરની કાર્યવાહીના દિવસોમા દેશના લોકોએ જોયુ હશે કે ચેનલોમા દિવસ રાત લાઈવ પ્રસારણ કરાયુ હતુ. જેમાં કેટલીક ચેનલોએ સવાર સુધીમા પીઓકે ઉપર તિરંગો જોવા મળશે, ભારતીય સેનાએ પાકિસ્તાનની હદમાં પ્રવેશ કરી દીધો, પાકિસ્તાનના ચાર ફાઈટર જેટ ઉડાવી દીધા, પાકિસ્તાનના પાયલોટ પકડાયા વિગેરે હંબક અહેવાલો આપ્યા. કેટલીક ચેનલોમાં આખી રાત દેશના રક્ષા વિશેષજ્ઞો, સેનાના પૂર્વ કર્નલ, સેનાના ઓફીસરોની ઉપસ્થિતિમાં આખી રાત ડીબેટ ચાલી. જેમાં ભૂતકાળમાં યુધ્ધોની ચર્ચા સાથે સૈન્ય કાર્યવાહી કેવી રીતે કરી શકાય તેના વિશ્લેષણો કરવામાં આવતા હતા. પરંતુ અતિઉત્સાહમાં આવી ગયેલ ચેનલોને એ ગતાગમ ન પડી કે સૈન્ય કાર્યવાહીની ચર્ચાઓ કરીને આડકતરી રીતે દુશ્મન દેશને મદદ કરી રહ્યા છે. કેટલીક ચેનલોએ સૈન્યની મુવમેન્ટ ઉપરના અહેવાલ આપતા છેવટે કેન્દ્ર સરકારને ટકોર કરતી સૂચના જારી કરવી પડી હતી. અત્યારે દેશનો દરેક નાગરિક ઓપરેશન સિંદુર પર ગર્વ અનુભવી રહ્યો છે. દેશના દરેક નાગરિકને આપણી સેના, આપણા સૈનિકો અને રાજકીય નેતૃત્વમાં અપાર વિશ્વાસ છે. આ સમયગાળા દરમ્યાન દેશના પ્રિન્ટ મીડિયાએ પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી છે તેમાં કોઈ શંકા નથી. જ્યારે ચેનલો અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો એકમાત્ર ઉદ્દેશ સૌથી ગંભીર મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો રહ્યો. ભ્રામક અહેવાલથી સામાન્ય લોકો વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે સમજી શકતા નથી. આ ઉપરથીજ ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. એક બીજાથી વિશેષ બતાવવાની લ્હાયમા બદલાતા સમય ઉપરથી કહી શકાય કે ટીવી ચેનલોની ટીઆરપી રેસ સત્ય બતાવવાના બદલે ભ્રમનુ જાળું ગુંથી રહી છે. આ આરોપ સોશિયલ મીડિયા ઉપર સામાન્ય છે પણ ન્યુઝ ટીવી ચેનલો બે ડગલા આગળ વધી ગઈ છે. એક સમય હતો જ્યારે આકાશવાણીની સેવાઓ વિશ્વસનીય હતી. સરકારી પ્રસારણ હોવા છતા નિયમિત સમાચાર સેવાઓ સાંભળવા લોકોમાં આતુરતા જોવા મળતી હતી. દૂરદર્શનનો શરૂઆતનો તબક્કો પણ આવોજ હતો. ઓલ ઈન્ડીયા રેડીયો અને દુરદર્શન સમાચારની ભવ્ય પરંપરા ઈતિહાસ બની ગઈ છે. સરહદી મોરચે કે રાજદ્વારી મોરચે આપણા દેશની રણનીતિ એટલી સફળ રહી છેકે જેમાં દરેક રીતે દુશ્મન દેશ પાકિસ્તાનને પછડાટ મળી છે. યુધ્ધ જેવી પરિસ્થિતિમાં પહેલી જરૂરીયાત જવાબદાર રીપોર્ટીંગની હોય છે. જ્યારે કેટલીક ચેનલોના રીપોર્ટર બોર્ડર ઉપર જઈને દુશ્મન દેશને મદદ થાય તેવુ રીપોર્ટીંગ કર્યુ. ઓપરેશન સિંદુરમાં દેશના લોકો સાચુ ચિત્ર જોવા ઉત્સુક હતા. જે જવાબદારી પ્રિન્ટ મીડિયાએ નિભાવી છે. સચોટ અહેવાલો માટે ફરીથી પ્રિન્ટ મીડિયા વિશ્વસનીય સાબીત થયુ છે.