Select Page

હોલીડે પેકેજના નામે છેતરતી કંપનીઓને ગ્રાહક સુરક્ષાની ફટકાર

હોલીડે પેકેજના નામે છેતરતી કંપનીઓને ગ્રાહક સુરક્ષાની ફટકાર

ગ્રાહકને મેમ્બરશીપના રૂા.૨.૧૫ લાખ વ્યાજ સાથે વળતર આપવા હુકમ

  • ગ્રાહકને જાણ કર્યા વગર યુટીલીટી ચાર્જીસ ઉધારી સેવાઓ અટકાવી હતી

અત્યારે હોટલોમાં ડિનર આપવાની લાલચે હોલીડે પેકેજના નામે વિવિધ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી છે. બહારની કંપનીઓ હોવાથી કેટલાક ગ્રાહક છેતરાયાનો અફસોસ કરીને બેસી રહે છે. ત્યારે એક ગ્રાહકે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરતા જીલ્લા તકરાર કમિશનમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં મેમ્બરશીપ પેટે આપેલા રૂા.૨.૧૫ લાખ વ્યાજ સાથે ગ્રાહકને વળતર આપવા કંપનીને હુકમ કરવામાં આવ્યો છે.
હોલી ડે પેકેજની મેમ્બરશીપ માટે કેટલીક કંપનીઓ વિસનગરની હોટલમાં બોલાવી ડિનર આપી, મોટા અને ખોટા સપના બતાવી પ્રલોભનો આપી છેતરપીંડી કરવામાં આવી રહી છે. વિસનગરની એક હોટલમાં એ.આર.એચ. ક્લબ પ્રા.લી. દ્વારા હોલી ડે પેકેજ મેમ્બરશીપની મીટીંગ ગોઠવવામાં આવી હતી. જેમાં શહેરના ઘણા દંપત્તીએ હાજરી આપી હતી. વિસનગર કાંસા એન.એ. તિરૂપતી મોલની સામે ઉપવન સોસાયટીમાં રહેતા દિપીકાબેન હિમાંશુભાઈ પટેલના ઘરે જઈ કંપનીના કર્મચારી હોલી ડે પેકેજની મેમ્બરશીપ માટે સમજાવતા ડેબીટકાર્ડથી રૂા.૧,૦૦,૦૦૦/- ચુકવી મેમ્બરશીપ લીધી હતી. ત્યારબાદ બીજા રૂા.૧,૧૫,૦૦૦/- ડેબીટકાર્ડથી ચુકવી આપ્યા હતા. જેમાં કંપનીએ પાવતી આપી હતી.
મેમ્બરશીપ લીધા બાદ ગ્રાહક દિપીકાબેન પટેલે ઉદેપુર અને કુંભલગઢનુ ૩ નાઈટ અને ૪ દિવસનુ બુકીંગ કરાવેલ. પરંતુ સંજોગોવસાત જઈ નહી શકતા બુકીંગ કેન્સલ કરાવ્યુ હતુ. ત્યારબાદ કંપનીની વેબસાઈટ ઉપર અમૃતસરનુ બુકીંગ કરાવ્યુ હતુ. પરંતુ કંપનીએ બુકીંગ કર્યુ નહોતુ. એક માસ બાદ કેરાલાનુ બુકીંગ કરાવી કસ્ટમર કેરમાં વાત કરતા બુકીંગ મળશે નહી ટ્રીપ કેન્સલ કરવી પડશે તેવી વાત કરી હતી. છેલ્લે દુબઈ માટે ઓનલાઈન ટ્રીપ બુકીંગ કરાવતા કંપની દ્વારા કોઈ રીપ્લાય આપવામાં આવ્યો નહોતો. કંપનીની લોભામણી જાહેરાતથી છેતરાવાનો અહેસાસ થતા ગ્રાહકે આ બાબતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. વિસનગર ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શનમાં મહેસાણા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક તકરાર કમિશનની કોર્ટમાં કેસ ચાલતા કંપનીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, ગ્રાહકને ઉદેપુર હોલીડે પેકેજ આપવામાં આવ્યુ હતુ તે ભોગવ્યુ હતુ. જે પેકેજ બાદ એગ્રીમેન્ટના ક્લોઝ પ્રમાણે ગ્રાહકને યુટીલીટી ચાર્જ રૂા.૧૯૯૯ આપવાનો હતો તે આપેલ નહી. યુટીલીટી ચાર્જ નહી આપતા હોલીડે પેકેજની સેવાઓ અટકાવવામાં આવી હતી. હકીકતમાં ગ્રાહકે ઉદેલપુર પેકેજનુ બુકીંગ કરાવી કેન્સલ કરાવ્યુ હતુ. અને યુટીલીટી ચાર્જીસની કોઈ જાણ કરવામાં આવી નહોતી. ઉદેપુર પેકેજ ભોગવ્યુ હોવાના કંપની કોઈ પુરાવા આપી શકી નહોતી અને એગ્રીમેન્ટમાં યુટીલીટી ચાર્જીસનો કોઈ ઉલ્લેખ નહોતો. ફરિયાદી પક્ષના વકીલ શીતલબેન કે.પટેલની દલીલો આધારે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહકને કેસ દાખલ કર્યા તારીખથી વળતરની રકમ વસુલ થાય ત્યા સુધી ૮ ટકા વ્યાજ સાથે મેમ્બરશીપ ફી રૂા.૨,૧૫,૦૦૦/- તથા માનસિક ત્રાસ, હાડમારી અને હેરાનગતિના વળતર પેટે રૂા.૩૦૦૦ તેમજ અરજી ખર્ચ પેટે રૂા.૨૦૦૦/- ચુકવી આપવા કંપનીને હુકમ કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us