જેના દર્શનથીજ ચાર ધામ અને ચાર જ્યોતિર્લીંગનુ પુણ્ય પ્રાપ્ત થાય તેવા શિવલીંગ સાથે જયરામગીરી બાપુની શિવયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત
વિસનગર તાલુકાની પવિત્ર ભૂમિ એવા તરભ વાળીનાથ મંદિરમાં નિર્મિત શિવધામના ભવ્ય મંદિરમાં જે શિવલીંગની પ્રતિષ્ઠા થવાની છે તે શિવલીંગ અને વાળીનાથ અખાડાના મહંત પૂજ્ય જયરામગીરી બાપુ સાથે વિસનગરમાં શિવયાત્રાની શોભાયાત્રા નિકળતા તેનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ શોભાયાત્રામાં વિસનગર શહેર અને તાલુકાના રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના તમામ સમાજના લોકો દ્વારા શિવયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
પૂજ્ય બ્રહ્મલીન બળદેવગીરી બાપુની ગાદી તાલુકાના તરભ ગામના વાળીનાથ અખાડામાં નિર્મિત શિવધામ નૂતન મંદિરમાં સ્થાપિત થનાર શિવલીંગની વિશેષતા એ છેકે, આ શિવલીંગની ભારતના ૧૨ જ્યોતિર્લીંગ અને ચાર ધામ સહિતના પવિત્ર તિર્થસ્થાનોમાં રૂદ્રાભિષેક સાથે પૂજા કરવામાં આવી છે. છેલ્લા છ માસથી વાળીનાથ અખાડાના પૂજ્ય મહંત જયરામગીરી બાપુ આ પવિત્ર શિવલીંગ સાથે શિવયાત્રાનુ પરિભ્રમણ કરી રહ્યા છે. આ શિવલીંગના દર્શનથીજ ભારતના બાર જ્યોતિર્લીંગ ચાર ધામ અને પવિત્ર તિર્થસ્થાનોના દર્શન જેટલો લાભ મળશે.
ભારત ભરમાં શિવયાત્રાના ભ્રમણ બાદ આ શિવયાત્રા તા.૨૬-૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ વિસનગરમાં નિકળતા શહેર અને તાલુકાના રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શિવયાત્રાનુ વિસનગરમાં આગમન થતાજ સુંશી રોડ ઉપરની પટેલવાડીમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યા મહારૂદ્રાભિષેક, મહા આરતી અને ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર ભોજન પ્રસાદ અને મંડપ ડેકોરેશનના દાતા તરીકે રબારી અમરતભાઈ મહાદેવભાઈ પરિવાર દ્વારા સૌજન્ય આપવામાં આવ્યુ હતુ. જ્યાંથી ડીજેના તાલે શિવયાત્રાનુ વિસનગરના માર્ગો ઉપર પ્રસ્થાન થયુ હતુ. શિવયાત્રામાં પવિત્ર શિવલીંગ સાથે શોભાયાત્રામાં નિકળેલ પૂજ્ય જયરામગીરી બાપુનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વાળીનાથની પવિત્ર ભૂમિમાં સ્થાપિત મંદિરોના દર્શનનો સમગ્ર સમાજ લાભ લે તે માટેનો પૂજ્ય જયરામગીરી બાપુનો અભિગમ હોવાથી ફક્ત રબારી સમાજ નહી પરંતુ તમામ સમાજના લોકોએ શિવયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. શિવયાત્રાનુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેજસ્વી સ્વરૂપ અને વિનમ્ર સ્વભાવના પૂજ્ય જયરામગીરી બાપુને જોઈ લોકો પ્રભાવિત થયા હતા.
વિસનગરના માર્ગો ઉપર ફરીને શિવયાત્રાનુ ડી.ડી.રોડ સરદાર સોસાયટીમાં આગમન થયુ હતુ. જ્યા પાલિકાના પૂર્વ પ્રમુખ રબારી લાલાભાઈ રૂગનાથભાઈ મૂળાભાઈ લલુતરા પરિવાર દ્વારા શિવલીંગની પૂજા, મહારૂદ્રાભિષેક, મહા આરતી અને રામાપીર પાઠનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિસનગરમાં શિવયાત્રા સ્વાગતની ખુશાલીમાં લાલાભાઈ રબારી પરિવાર દ્વારા ડી.ડી.કન્યા વિદ્યાલયમાં ભોજન પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા મોટી સંખ્યામાં લોકોએ આ પરિવારના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.