Select Page

વિસનગરમાં કોરોનાના અઠવાડીયામાં ૧૯ કેસ-બેનુ શંકાસ્પદ મોત

વિસનગરમાં કોરોનાના અઠવાડીયામાં ૧૯ કેસ-બેનુ શંકાસ્પદ મોત

લોકોમાં જાગૃતિનો અભાવ-શહેર અને ગામડામાં સંક્રમણ વધ્યુ

વિસનગરમાં કોરોનાના અઠવાડીયામાં ૧૯ કેસ-બેનુ શંકાસ્પદ મોત

• મરણ પ્રસંગે એકઠા થતાં એકજ કુટુંબના ૪ ને કોરોના પોઝીટીવ
• ગંજી અને ગોઠવામાં પિતા-પુત્ર કોરોના પોઝીટીવ
• સવાલા ગામમાં એક સાથે ૪૦ સેમ્પલ લેવામાં આવ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અઠવાડીયામાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૯ એ પહોચી છે. સવાલા ગામમાં બેનુ શંકાસ્પદ મૃત્યુ થતાં મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ૧૯ માંથી ૧૨ પુરુષ અને ૭ સ્ત્રી પોઝીટીવ છે. શહેર અને તાલુકાના ગામડામાં પોઝીટીવ કેસ જોવા મળી રહ્યા છે. તેમાં ફક્ત ને ફક્ત લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હજુ પણ લોકો સાવચેતી નહી રાખે તો વિસનગરમાં ચોક્કસ કોરોના વિસ્ફોટ થવાનો છે.
વિસનગરમાં તા.૧૭-૭ સુધી કોરોના પોઝીટીવના નોધાયેલ કુલ કેસની સંખ્યા ૪૯ થઈ છે. જેમાં ગત અઠવાડીયે તા.૧૦-૭ થી તા.૧૭-૭ સુધીમાં ૧૯ કેસ નોધાયા છે. ગુંજાળામાં ચૌધરી અંબારામ રૂઘનાથભાઈ ઉં.વ.૫૮, કાંસા એન.એ.ન્યુ અંબીકાનગર સોસાયટીમાં પટેલ નીલ શૈલેષભાઈ ઉં.વ.૧૯, વિસનગર ગંજીમાં સથવારા રોનક વિષ્ણુભાઈ ઉં.વ.૨૪, કમાણામાં ચાવડા સંગીતાબેન દિનેશભાઈ ઉં.વ.૪૨, અલકા સોસાયટીમાં સુખડીયા ગીતાબેન પ્રકાશચંદ્ર ઉં.વ.૫૭, શ્રીજી બંગ્લોઝ કાંસા એન.એ.માં પટેલ કૌશલકુમાર વિષ્ણુભાઈ ઉં.વ.૩૭, તરભમાં પટેલ અજયકુમાર બાબુભાઈ ઉં.વ.૪૩, ગંજીમાં સુથાર વિષ્ણુભાઈ સોમાભાઈ ઉં.વ.૫૯, સમર્પણ રેસીડન્સીમાં એકજ ઘરમાં ત્રણ વ્યક્તિમાં પટેલ ભગવતીબેન સોમાભાઈ ઉં.વ.૭૫, પટેલ હર્ષદભાઈ સોમાભાઈ ઉં.વ.૫૨, પટેલ હિનાબેન હર્ષદભાઈ ઉં.વ.૪૮, નવોવાસ ઘાંચીવાડામાં મેમણ કાદરભાઈ અબુબક્કર ઉં.વ.૬૨, શાહીનપાર્કમાં મનસુરી તસીલાબેન દાઉદભાઈ ઉ.વ.૬૭, શીવનાથ બંગ્લોઝમાં પટેલ જીતેન્દ્રકુમાર ખોડીદાસ ઉં.વ.૪૩, ગોવિંદચકલામાં પટેલ ચીન્મય બાબુલાલ ઉં.વ.૪૦, ગોઠવામાં પટેલ કીર્તિભાઈ મણીલાલ ઉં.વ.૫૫, ગોઠવામાં પટેલ હર્ષદકુમાર કીર્તિભાઈ ઉં.વ.૨૨, સવાલામાં ચૌહાણ જોહરાબીબી ઈસ્માઈલખાન ઉં.વ.૪૬ તથા ચૌહાણ અલ્મજાબાનુ ઈસુફખાન ઉં.વ.૨૦ ને કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવતા જેમાંથી કેટલાકને વડનગર હોસ્પિટલમાં તો કેટલાકને મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા છે.
હિન્દુ સંસ્કૃતિમાં આપણી કુટુંબ ભાવના એવી છેકે સારા માઠા પ્રસંગે કુટુંબના લોકો એકઠા થઈ જાય છે. જે અત્યારના મહામારીના સમયમાં ખુબજ ખતરનાક છે. વિસનગરમાં એક મરણ પ્રસંગે કુટુંબના લોકો એકઠા થતાં તેમાંથી ચારને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ મહામારીમાં સંક્રમણ રોકવા એકજ સ્થળે એકઠા નહી થવા સરકારની સ્પષ્ટ સુચના છે. તેમ છતાં કુટુંબ ભાવનાના કારણે લોકો એકઠા થયા વગર રહી શકતા નથી અને સંક્રમણનો ભોગ બને છે. ગંજીમાં અને ગોઠવામાં પિતા-પુત્ર બન્ને કોરોના પોઝીટીવ થયા છે. વિસનગર આરોગ્ય વિભાગના ર્ડા.આર.ડી.પટેલ તથા તેમની ટીમ દરેક પોઝીટીવ કેસમાં સંક્રમીતના ઘરમાં અને આસપાસના મકાનોમાં સર્વે કર્યો હતો. રોગપ્રતિકારક શક્તિ વધારવા દવાઓનુ પણ વિતરણ કર્યુ હતુ. પાલિકા દ્વારા કોરોના પોઝીટીવ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે મામલતદાર બી.જી.પરમાર દ્વારા કોરોના પોઝીટીવ આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યો છે. કોરોના પોઝીટીવનો પરિવાર કોરન્ટાઈન નિયમનુ ચુસ્તપણે પાલન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
કોરોનાની મહામારીમાં વિસનગરમાં કોરોના કેસ વધારો થવાના સમયે તાલુકાના સવાલા ગામમાં કોરોના બોમ્બ ફૂટશે તે બાબતે ભારે ચકચાર જાગી હતી. સવાલામાં ટુંક સમયમાંજ પાંચના મૃત્યુ થયા છે. જેમાં બે નુ કોરોના શંકાસ્પદમાં મૃત્યુ થયાનુ ચર્ચાય છે. સવાલાના એક પુરુષ તથા સ્ત્રીને શરદી, તાવ, ઉધરસની બીમારી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. જેમને મહેસાણા સાંઈક્રિષ્ણામાંથી અમદાવાદ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયુ હતું. આ બાબતે આરોગ્ય ટીમ દ્વારા બન્ને મૃતકોની હીસ્ટ્રી જાણવા પ્રયત્નો કર્યા હતા પરંતુ મૃતકના પરિવાર હીસ્ટ્રી છુપાવતા હોવાની તંત્રને શંકા છે. સવાલામાં બેના શંકાસ્પદ મૃત્યુ થતાં તેમના પરિવાર અને આસપાસના વિસ્તારમાં સેમ્પલ લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. સેમ્પલ માટે આનાકાની કરતા છેવટે પોલીસને સાથે રાખી ૪૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી બેને કોરોના પોઝીટીવ હોવાનુ જણાયુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us