રંડાલા પ્રા.શાળાની દિવાલ પડતા વિદ્યાર્થીને ફ્રેક્ચર
શિક્ષણતંત્રની ઘોર બેદરકારીના લીધે
- શાળાના આચાર્ય કે શિક્ષકોએ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની કોઈ ગંભીરતા નહી લીધી હોવાનો વાલીનો રોષ
વિસનગર તાલુકાના રંડાલા ગામમાં સરકારી પ્રાથમિક શાળાની જર્જરીત દિવાલ અચાનક ધસી પડતા શાળામાં રમતા ધો.૬ના વિદ્યાર્થીના પગે ગંભીર ઈજા પહોચી હતી. આ બનાવની વિદ્યાર્થીના વાલીને જાણ થતા તેઓ બાળકની સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબે તપાસ કરતા બાળકના પગે ફ્રેક્ચર થયુ હતુ. શાળાની આ બેદરકારી માટે જવાબદાર કોણ? શાળાના જવાબદાર આચાર્ય કે શિક્ષક સામે કાયદેસરના પગલા લેવા વાલીની માગણી છે.
આજની કમરતોડ મોંઘવારીના સમયમાં શિક્ષણ ખુબજ મોઘુ થતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલે છે. જેમાં ગામડાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓની દિવાલો અને ઓરડા (વર્ગખંડો) જર્જરીત હાલતમાં છેે. છતાં સરકાર સરકારી પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો બનાવવા ઝડપી કાર્યવાહી નહી કરતા આજે નાના બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે. અગાઉ દિલ્હીના આમ આદમી પાર્ટીના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને અપાતી સુવિધા અને કથળતા શિક્ષણ મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. આક્ષેપો કર્યા હતા. ત્યારે ગુજરાતના તત્કાલિન શિક્ષણમંત્રી સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. આ સમયે સરકારે રાજ્યની જર્જરીત પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડા (વર્ગખંડો) બનાવવા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પરંતુ તંત્રની નિષ્કાળજીથી આજેપણ સરકારી પ્રાથમિક શાળાઓની દિવાલો અને ઓરડા યમદુતની જેમ જર્જરીત હાલતમાં પડ્યા છે. જેમાં વિસનગર તાલુકાના રંડાલા ગામની પ્રાથમિક શાળાની દિવાલ ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતી. છતાં શાળાના આચાર્ય દ્વારા આ દિવાલ બનાવવાની કોઈ ગંભીરતા લેવામાં આવી ન હતી. શાળાના બાળકોને જર્જરીત દિવાલથી દુર રહેવા સુચના પણ આપવામાં આવી નહતી. જેના કારણે બુધવારના રોજ બપોરે રિશેષના સમયે શાળાની દિવાલ અચાનક ધસી પડતા શાળામાં ધો.૬માં અભ્યાસ કરતા સિધ્ધરાજસિંહ જુજારજી ઠાકોરને પગે ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમ્યાન શાળાના એકપણ શિક્ષકે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની કોઈ તસ્દી લીધી ન હતી. આ ઘટનાની સિધ્ધરાજના વાલીને જાણ થતા તેઓ તાત્કાલિક ઈજાગ્રસ્ત દિકરાને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં તબીબી તપાસમાં સિધ્ધરાજના પગે ફ્રેક્ચર હોવાનુ માલુમ પડ્યુ હતુ. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સિધ્ધરાજના પિતા જુજારજી અજમલજી ઠાકોરનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, સરકાર શાળાના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવે છે. છતાં શાળાના આચાર્યએ શાળાની આ જોખમી દિવાલ તાત્કાલિક બનાવવા કોઈ ગંભીરતા કેમ ન લીધી? જો આ દિવાલ બાળકના પગની જગ્યાએ માથામા પડી હોત અને કોઈ અઘટીત ઘટના બની હોત તો જવાબદારી કોની? જોકે બાળકના વાલીએ તો આ ઘટનામાં શાળાના આચાર્ય તથા શિક્ષકોને જવાબદાર ગણાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે તેમને શાળાનુ શિક્ષણ દિન પ્રતિદિન કથળતુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિષ્પક્ષ તપાસ કરી શાળાના જવાબદાર આચાર્ય કે શિક્ષક સામે કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે.