Select Page

લોકસભાની ચુંટણી પહેલા ધારાસભ્યની અણઆવડત કે નિષ્ક્રિયતા? ખેરાલુ નગરપાલિકાના કરોડોના વિકાસ કામોના વર્ક ઓર્ડર અટવાયા

ખેરાલુ નગર પાલિકામાં હાલ સભ્યો પાસે સત્તા ન હોવાથી વહીવટદાર સાશન છે. વહીવટદાર સાશનમાં ચિફ ઓફીસર દ્વારા કરોડોના વિકાસ કામોના ટેન્ડરીંગ કરી દેવાયા છેે. પરંતુ કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડર આપવામા આવ્યા નથી. લોકસભાની ચુંટણીનું જાહેરનામુ ૧૦થી ૧પ માર્ચ સુધીમા આવવાની શક્યતા છે. લોકસભાની ચુંટણી પહેલા વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરોને આપવામા નહી આવે તો તમામ વિકાસ કામો બે-ત્રણ મહિના સુધી અટવાઈ જશે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અબજો રૂપિયાના વિકાસ કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ કરી રહ્યા છે ખેરાલુ -સતલાસણા તાલુકાના પ૪ ગામોના ૭૬ તળાવો અને ચેકડેમો ભરવા રૂા.રપ૬ કરોડનુ ટેન્ડરનુ ખાત મુર્હૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને લાઈન કરી દેવામા આવ્યુ છે. બીજી તરફ ખેરાલુ શહેરના કરોડોના વિકાસ કામોને વર્ક ઓર્ડર આપવામા આવતા નથી જે બાબતે ભાજપના આગેવાનો દ્વારા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ રજૂઆત કરી છે છતા કોઈ કાર્યવાહી કરાતી નથી. ખેરાલુ શહેરના સવળેશ્વર તળાવનુ ટેન્ડરીંગ કરી દેવામાં આવ્યુ હતુ. વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. પરંતુ ધારાસભ્ય સમય ન આપતા કામનુ ખાત મુર્હૂત થઈ શકતુ નથી. ખેરાલુ શહેરની સુરક્ષા માટે અત્યંત જરૂરી સી.સી.ટીવી કેમેરાનુ ટેન્ડર ૧૦૪ લાખનુ પડી ગયુ છે. ટેન્ડર ખોલી દેવામા આવ્યુ છે. પરંતુ પાલિકાના નિયમો પ્રમાણે વહીવટદાર (મામલતદાર) દ્વારા ઠરાવ કર્યા પછી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવાનો હોય છે. છેલ્લા ઘણા સમયથી મામલતદાર પાસે સહી કરવાનો સમય નથી. ખેરાલુમા સી.સી.ટીવી કેમેરા વાયરલેસ હોવાથી સમગ્ર શહેરમા સી.સી.ટીવી કેમેરા માત્ર ૧પ દિવસમા લાગી જાય તેમ છે. પરંતુ વર્કઓર્ડર આપી શકાતો નથી છતા ધારાસભ્ય ચુપ છે. શુ ધારાસભ્યને સી.સી.ટીવી કેમેરા લોકસભાની ચુંટણી પછી લગાવવા છે? ર૦ર૩-ર૪ યુડીપી, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનાનુ બે કરોડનુ ટેન્ડર પડી ગયુ છે. વહીવટદાર (મામલતદાર) ઠરાવમા સહી ન કરતા વર્ક ઓર્ડર આપી શકાતો નથી. ર૦રર-ર૩ -ર૪ એમપી.એમ.એલએ ગ્રાન્ટના લાખો રૂપિયાના ચાર-પાંચ કામોના વર્ક ઓર્ડર આપી શકતા નથી. ધારાસભ્ય સમક્ષ ભાજપના આગેવાનોએ રજૂઆતો કરી છે છતા લોકસભાની ચુંટણી પહેલા વર્ક ઓર્ડર નહી અપાય તો વિકાસ કામો અટકી પડશે જેનો સીધો ફાયદો કોંગ્રેસને લોકસભામા થશે. છતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કેમ આળસ રાખે છે તે સમજાતુ નથી.
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા હોય કે લોકસભાની ચુંટણીના ત્રણ-ચાર મહિના પહેલા વિકાસ કામોનુ લિસ્ટ અંદાજીત ખર્ચ ની વિગતો માંગે છે. ત્યારે પાલિકામા સભ્યોનુ સાશન ન હોવા છતા જિલ્લા આયોજન, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના સહીત યોજનાઓના આગોતરા આયોજનના કામો માટે માંગણી કરાય છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની નિષ્ક્રીયતાને કારણે ખેરાલુ શહેરમા જરૂરી વિકાસ કામો નક્કી થયા નથી. ખેરાલુ શહેરના ભાજપના આગેવાનો સાથે ધારાસભ્ય દ્વારા શહેરના વિકાસ માટે શુ જરૂરી છે. તે માટે એક પણ મિટીંગ કરી હોય તેવુ જાણવા મળતુ નથી હાલ જે વિકાસ કામોનો જસ ધારાસભ્ય લઈ રહ્યા છે તે તમામ કામો અગાઉના પાલિકાના ભાજપના સત્તાધિશો દ્વારા માંગણી કરાયેલા કે દરખાસ્ત કરાયેલા કામો છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વ્યક્તિગત રીતે ખેરાલુ શહેર માટે કોઈ કામ સુચવ્યુ હોય તેવુ જાણવા મળતુ નથી. ખેરાલુ શહેરની રૂપેણ નદીની ઝાડી હટાવવા ભાજપના આગેવાનો દ્વારા અગાઉ સ્વચ્છતા માટે સાવરણા લઈને આગેવાનો જિલ્લાના પ્રભારીઓ સાથે ફોટો પડાવતા હતા ત્યારે રજૂઆત થઈ હતી. હજુ સુધી હાઈવે ઉપરના રૂપેણ નદીના પુલથી મુક્તિધામ પાછળ સુધી નદી સાફ કરવામા આવી નથી. ખેરાલુ શહેરનો વિકાસ કરવા માટે પાલિકામાં ચુંટણી થવી જરૂરી છે. કોઈપણ પ્રજાલક્ષી કામ કરવા માટે આગેવાનની ઈચ્છાશક્તિ અને અનુભવ મહત્વુ છે. ખોટો દંભ કરવાથી પ્રજાનું ભલુ થતુ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us