Select Page

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ચાણક્ય નિતિથીતરભના ગ્રામજનો સામુહિક ભાજપમાં જોડાયા-કોંગ્રેસ ઘોર નિદ્રામા

લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિસનગર ધારાસભ્ય અને રાજ્યના જનનાયક કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે કેસરીયો ધારણ કરી તરભ ગામનો કોંગ્રેસના આગેવાનો અને ૫૦૦ જેટલા કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપના ભરતી મેળાથી ગુજરાતમાં લોકસભાની ચુંટણી દિવસે દિવસે નિરસ બની રહી છે.
લોકસભા-૨૦૨૪ની ચુંટણીમાં ગુજરાતની ૨૬ માંથી ૨૬ બેઠકો પાંચ લાખ મતોની લીડથી જીતવાનો લક્ષ્યાંક પાર પાડવા માટે ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના આ ભરતી મેળામાં વિપક્ષના ધારાસભ્યોથી માંડીને નાનામાં નાના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં વિસનગર તાલુકાના તરભ ગામના કોંગ્રેસના ૧૦૦ થી વધુ આગેવાનો અને ૫૦૦ જેટલા કાર્યકરોએ ગત રવિવારના રોજ ભાજપની વિકાસની રાજનીતીથી પ્રભાવિત થઈને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કરી લોકસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી મતોની લીડથી વિજયી બનાવવા પોતાનો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. જેમાં ગામના પુર્વ સરપંચ મફાજી ઠાકોર, અમાજી ઠાકોર, ઈશ્વરભાઈ સહિતના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં થયેલ શ્રીરામ મંદિરના ઐતિહાસિક પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ભારોભાર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે ગ્રામજનોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, તરભ ગામના આગેવાનો ક્યારેય ગામના વિકાસ માટે ભેગા થયા નથી. પરંતુ આજે તરભ ગામના તમામ કુટુંબના આગેવાનો એકજૂથ બની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં જોડાયા છે. ત્યારે ગ્રામજનોની એકતાથી સરકારી ગ્રાન્ટમાંથી ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગામનો દરેકક્ષેત્રે અવિરત વિકાસ થશે. જોકે વાળીનાથ મહાદેવના ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમગ્ર દેશના શ્રધ્ધાળુઓ વાળીનાથ ભગવાનના દર્શન માટે તરભ આવી રહ્યા છે. જેના કારણે ગામમાં રોજગારીની તકો વધશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશની તિજોરીમાં ચોરી થતી નથી. જેના કારણે પ્રજાના ટેક્ષના રૂપિયામાં રાજ્ય અને દેશનો અભુતપુર્વ વિકાસ થયો છે. ભાજપની વિકાસની રાજનિતીથી પ્રભાવિત થઈને વિપક્ષના લોકો વંડી ઠેકીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. લોકસભાની ચુંટણી ટાણે તરભ ગામના પુર્વ સરપંચો, પુર્વ ડેલીગેટો સહિત ૧૦૦ થી વધુ આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા તાલુકાના કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા વફાદાર આગેવાનોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે ભાજપના આ ભરતી મેળાથી તાલુકા કે જીલ્લાના કોંગ્રેસના એક પણ આગેવાનો ચિંતા વ્યક્ત કરી નથી. તેનું રહસ્ય શું? કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ચાણક્યનિતિથી જે રીતે કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે જોતા વિસનગર તાલુકો વિપક્ષમુક્ત બનશે તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકામાં મુર્છીત કોંગ્રેસ ક્યારે જીવંત થાય છે. તે જોવાનુ રહ્યુ? વિપક્ષના આગેવાનોની ઉદાસિનતાના કારણે વિસનગર તાલુકામાં લોકસભાની ચુંટણી હાલમાં નિરસ બની છે.
આ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પ્રદેશ ભાજપ અગ્રણી ડા.સંજયભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગરભાઈ રાયકા, એ.પી.એમ.સી.વિસનગર ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઈસ ચેરમેન જતીનભાઈ પટેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, તાલુકા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી (ગુંજાળા), તાલુકા ડેલીગેટ બિપીનભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts